તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Wednesday, 25th March 2026
૨૭ માર્ચ શુક્રવારે વિશ્વ રંગભૂમિ દિવસઃ રાજકોટના આંગણે ઉજવાશે ‘‘રાજકોટ થિયેટર ફેસ્ટિવલ''
૬૦થી વધુ કલાકારો દ્વારા પાંચ નાટકો રજૂ થશેઃ નાટયપ્રેમીઓને જાહેર આમંત્રણ

રાજકોટઃ કલાનગરી અને નાટ્યપ્રિય પ્રેક્ષક ધરાવતું શહેર છે. રાજકોટનો નાટય ઇતિહાસ ખૂબ જ જૂનો અને ગૌરવપ્રદ છે. આ જ ઈતિહાસને આગળ ૨૭મી માર્ચ શુક્રવારના રોજ શ્રી વિરાણી હાઈ સ્કૂલ ખાતે સાંજે ૭:૩૦ વાગ્યે રાજકોટના કલાકારો દ્વારા ઉજવાશે ‘‘રાજકોટ થિયેટર ફેસ્ટિવલ''.
રાજકોટ થિયેટર ફેસ્ટિવલનો મુખ્ય ધ્યેય નાટ્ય કલા જીવંત રહે, રાજકોટની રંગભૂમિ આગળ વધે, રાજકોટનું જ પ્રોડકશન, રાજકોટનું જ નાટક અને રાજકોટના જ પ્રેક્ષકો રાજકોટમાં નિર્મિત થતાં નાટકો જોવા માટે પ્રેરાય તે માટે હોવાનું જણાવાયું છે.
આ થિયેટર ફેસ્ટિવલમાં જુદા જુદા વિષયો સાથેના કુલ ૦૫ નાટકો રાજકોટની નાટ્યપ્રિય જનતાને વિનામુલ્યે માણવા મળશે. આ ફેસ્ટિવલમાં ફેક સ્માઇલસ પ્રોડકશન્સ નિર્મિત મિતેશ જોષી અને મિત કોટેચા લિખિત અને મિતેશ જોષી દિગ્દર્શિત એકાંકી નાટક સમયસર, થિયેટર એક્શન સ્ટુડિયો - થિયેટર કલબ- આત્મિય યુનિવર્સિટી નિર્મિત રવિન્દ્રનાથ ટાગોરની કથા આધારિત દેવાંગી ભટ્ટ લિખિત ડો. હિતાર્થ ભટ્ટ દિગ્દર્શિત લઘુ નાટિકા ધોરે બાહિરે, નવજીવન આર્ટ નિર્મિત ઉમાશંકર જોશી લિખિત હાર્દિક આસોડિયા દિગ્દર્શિત એકાંકી નાટક યુધિષ્ઠિર યુધ્ધવિષાદ, આત્મિય કોલેજ ગ્રુપ નિર્મિત શમિક દવે લિખિત અને દિગ્દર્શિત એકાંકી નાટક મિત્ર, માર્ગ અને માધવ અને શિવમ ફાઉન્ડેશન - રાજકોટ નિર્મિત અમોલ સાલ્વે લિખિત સૌમિલ કીકાણી અનુવાદિત ગૌતમ દવે દિગ્દર્શિત એકાંકી નાટક સ્ટિયરિગ'' નાટકો ભજવાશે.
આ સમગ્ર આયોજન રાજકોટના રંગકર્મીઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ થિયેટર ફેસ્ટિવલમાં દરેક નાટકો રાજકોટની નાટ્યપ્રિય જનતા વિનામુલ્યે માણી શકશે. આ માટે કોઈ જ પાસની જરૂરિયાત નથી. કાર્યક્રમ સમયસર ચાલુ થશે વધુ માહિતી માટે ગૌતમ દવે (મો.૮૬૬૫૦ ૬૪૮૫૮)નો સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં ધ્રુમિલ બારડ, ગૌતમ દવે, હરેશ તુરી, જયશ્રીબેન આહિર નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:59 PM IST)










