<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ઝાલાવાડની મર્દાનગી સાથે પાટણની પવિત્રતાની ગાથા રજુ કરતી ફિલ્‍મ ‘હરપાલદેવ શક્‍તિના અમર અજવાળા' : લોકોનો જબ્‍બર પ્રતિસાદ

શક્‍તિમાતાજીનો રોલ કરનાર રાણી શર્મા કહે છે ઇતિહાસ અને સંસ્‍કૃતિને ઉજાગર કરતી આવી ફિલ્‍મો આજની પેઢીએ ખાસ નિહાળે : મેહુલ બુચ, ફીરોજ ઇરાની, ભાવીની જાનીની કાબીલેદાદ અદાકારી

રાજકોટ તા. ૨૪ : હાલમાં જ રી-રીલીઝ થયેલ ગુજરાતી ફિલ્‍મ ‘હરપાલદે શક્‍તિના અમર અજવાળા' ફિલ્‍મમાં શક્‍તિ માતાનો રોલ કરનાર રાણી શર્માએ અકિલા ખાતેની મુલાકાત દરમિયાન જણાવ્‍યુ હતુ કે આપણી સંસ્‍કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરતી આવી ફિલ્‍મો આજની પેઢીએ ખાસ નિહાળવી જોઇએ. તેઓએ જણાવેલ કે ગોંડલ અને બરોડામાં ફિલ્‍માવાયેલ આ ફિલ્‍મ ઐતિહાસિક પાત્ર પર બની છે. માં પાર્વતીના અંશાવતાર આદ્યશક્‍તિ માતાજી અને મહાદેવજીના અંશાવતાર હરપાલદેવ દાદાના ઇતિહાસને ઉજાગર કરવા ખુબ સરસ પ્રયાસ થયો છે. ખાસ કરીને ઝાલા વંશની ન જાણી હોય તેવી વાતો આ ફિલ્‍મમાં આવરી લેવાઇ છે.

આમ તો મે ‘ધુડકી તારી માયા લાગી' સહીત ૪૦ થી વધુ ગુજરાતી ફિલ્‍મો કરી છે. પરંતુ ઝાલાવાડની ધરતીની ખુમારી અને મર્દાનગી સાથે પાટણની ધરતીની પવિત્રતાની ગાથા રજુ કરતી આ ફિલ્‍મ મને પણ ખુબ સ્‍પર્શી ગઇ છે. આદ્યશક્‍તિ માતાજીનું પાત્ર મારા નશીબે આવ્‍યુ તેને હું મારા અહોભાગ્‍ય માનુ છુ. ફિલ્‍મમાં હરપાલદેવનું પાત્ર જીત ઉપેન્‍દ્રએ કર્યુ છે.

ફિલ્‍મના અંતિમ દ્રશ્‍ય જેમાં આદ્યશક્‍તિ માં, રક્ષારુણાનું બંધન બાળા ઉમા માંને ખોળામાં લઇ અને ધામાની ધરતીમાં સમાય જાય છે તે દ્રશ્‍ય દર્શકોના દીલને સ્‍પર્શી જાય તે રીતે ફિલ્‍માવાયા છે. ફિલ્‍મ જોઇને લોકોની આંખો ભીની થઇ જાય છે.

શક્‍તિમાંના ઉપાસક એવા ભાવિનભાઇ ખખ્‍ખર દ્વારા રાજકોટની રાજશ્રી સીનેમા ખાતે પ્રિમીયર શોનું આયોજન થયેલ ત્‍યારે જ લોકોનો જબ્‍બર પ્રતિસાદ સાંપડયો હતો.

ફિલ્‍મ નિર્માતા કાનજીભાઇ પટેલ (સુસવાવવાળા) અને વિનુભાઇ કણજારીયા (સાપકડાવાળા છે. જયારે દિગ્‍દર્શક જીતુભા  જાડેજા અને દિપ્‍તી ગોંડલ છે. સંગીત મનોજ વિમલે પીરસ્‍યુ છે. કથા રાજેન્‍દ્રસિંહ બી. ઝાલાએ લખી છે.તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અભિનેત્રી રાણી શર્મા તેમના પતિ રાકેશ શર્મા, નિર્માતા કાનજીભાઇ પટેલ, રાજેશભાઇ પટેલ, લોકસાહિત્‍યકાર કૌશિકભાઇ મહેતા, શિવ સ્‍ટુડીયોવાળા ભાવિનભાઇ ખખ્‍ખર નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:41 PM IST)