તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 24th March 2026
શિક્ષીકાને ઉમરમાં બાર વર્ષ નાના પુર્વ વિદ્યાર્થીએ મોહજાળમાં ફસાવી વારંવાર દૂષ્કર્મ આચર્યુઃ લાખોની રોકડ પણ પડાવી
જેની પાસે દસમા ધોરણમાં ભણ્યો તેનો બાર વર્ષ પછી ફેસબૂકથી સંપર્ક કરી ફોન નંબરની આપ-લે કરી વાતો કરી પછી સીધો ઘરે પહોંચી ગયો ને કહ્યું-હુ઼ પહેલેથી જ તમને લાઇક કરતો આવ્યો છું, તમને પ્રેમ કરુ છું, લગ્ન કરી વિદેશ સ્થાયી થઇશું : લગ્નની લાલચ આપી સતત શોષણ કર્યા બાદ છેલ્લે ધ્રુવલે બીજી યુવતિ સાથે સગાઇ કરી લીધીઃ દગાખોરી થયાનું જણાતાં શિક્ષીકાએ ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરતાં મવડી વિસ્તારના ધ્રુવલ દેસાઇ વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો : છેલ્લે ધ્રુવલે ઘરે આવીને કહ્યું-હવે તું મને ભુલી જજે, ફોન મેસેજ કરતી નહિ, મારા લગ્ન થવાના છેઃ પછી ફોન મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું

રાજકોટ તા. ૨૪: શહેરમાં દૂષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ગુરૂ અને શિષ્યના સંબંધો શર્મસાર થયા છે. ધોરણ-૧૦માં જે છોકરો એક સમયે જે શિક્ષીકા પાસે ભણ્યો હતો તેણીનો બાર વર્ષ પછી સંપર્ક કરી હવે યુવાન થઇ ગયેલા આ છાત્રએ લગ્નની લાલચ આપી વિદેશમાં સ્થાયી થવાની વાતો કરી પોતાની મોહજાળમાં ફસાવી અઢી વર્ષ સુધી શારીરિક શોષણ કરતાં અને છેલ્લે હું તમને ઓળખતો જ નથી તેવું કહી દેતાં ૩૮ વર્ષિય શિક્ષીકાએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. આ શખ્સે શિક્ષીકા પાસેથી લાખોની રોકડ પણ પડાવી લીધાનો આરોપ મુકાયો હોઇ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે છુટછાડો લઇ ચુકેલા અને હાલ એકલા રહેતાં શિક્ષીકાની ફરિયાદ પરથી તેણીના ભુતપુર્વ છાત્ર હાલ મવડી સંસ્કાર સીટી બી-વીંગ ૪૦૪માં રહેતાં ધ્રુવલ પંકજભાઇ દેસાઇ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. પતિ સાથે છૂટાછેડા થયા બાદ રાજકોટમાં એકલા જ રહેતા શિક્ષિકાએ પોલીસમાં નોંધાવેલી ભોગ બનેલા શિક્ષીકાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૫ જૂન ૨૦૨૪ના રોજ તેના ફેસબુક પર એક મેસેજ આવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે તે તેનો પુર્વ વિદ્યાર્થી છે. ત્યારબાદ ફોન નંબરની આપ લે થઈ હતી. આ વિદ્યાર્થી શિક્ષીકા કરતાં ઉમરમાં બાર વર્ષ નાનો હતો આમ છતાં તેણે શરૂઆતમાં ફોન પર વાતો કરી હતી અને બાદમાં પોતે તેણીને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે તેવી વાતો કરી હતી. બે વર્ષ પહેલા ૨૦૨૪માં ધ્રુવીલ શિક્ષિકાને ફોન કરીને સીધો જ તેના ઘેર પહોંચી ગયો હતો અને કહ્યું હતું કે-હું જ્યારે તમારી પાસે દસમા ધોરણમાં ભણતો હતો ત્યારથી તમે મને ગમો છો, હું ત્યારથી જ તમને લાઇક કરતો આવ્યો છું
શરૂઆતમાં તો શિક્ષીકાને પુર્વ વિદ્યાર્થી અને ઉમરમાં બાર વર્ષ નાના એવા આ યુવાનની વાતો અજુગતી લાગી હતી. પરંતુ બાદમાં તેણે પોતે તેણીને ખુબ પ્રેમ કરે છે અને લગ્ન કરી વિદેશમાં સ્થાયી થઇ જઇશું તેવી વાતો કરી આંબા આંબલી દેખાડયા હતાં. પોતાના જ પુર્વ વિદ્યાર્થીની આવો વાતોમાં શિક્ષીકા અંજાઇ ગયા હતાં. જેનો ગેરલાભ ઉઠાવી આ છાત્રએ તેણી સાથે લગ્નની વાતો કરી શરીર સંબંધ બાંધી લીધો હતો. આ પછી જાન્યુઆરી ૨૦૨૫માં શિક્ષિકાના માતાને પણ તે મળ્યો હતો અને પોતે શિક્ષીકા સાથે લગ્ન કરીને વિદેશ જવા માંગે છે તેવી વાતો કરી હતી.
આ પછી અવાર-નવાર તે સાંજે, રાત્રે શિક્ષીકાના ઘરે પહોંચી જતોહ તો અને લગ્નની વાતો કરી પતિ-પત્નિ જેવા સંબંધ બાંધવા માંડયો હતો. શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરી ૨૦૨૫માં ધ્રુવીલના માતાનો ફોન આવ્યો હતો કે-તે મારા દિકરાને ફસાવ્યો છે. ફોન આવ્યો ત્યારે પણ ધ્રુવીલ તેણીની સાથે જ હતો. ત્યારે ધ્રુવીલે કહેલું કે-તમારે હા એ હા કરવાની છે, બાકી હું બધુ સંભાળી લઇશ. બાદ ધ્રુવીલે માર્ચ ૨૦૨૫માં તેની સાથે જ ભણતી યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. આ વાતની શિક્ષીકાને થતાં તેણે ધ્રુવીલને ફોન કરતાં તેણે સ્પષ્ટ કહી દીધુ હતું કે-પરિવારના દબાણથી મેં આ સગાઈ કરી છે, પરંતુ હું લગ્ન તો તમારી સાથે જ કરવાનો છું. આ પછી પણ તા. ૨૩-૧૨-૨૦૨૫ સુધી મળવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને આ સમય દરમિયાન પણ અનેક વખત શારીરિક સંબંધ બંધાયા હતાં.
શિક્ષીકાએ કહ્યું કે અઢી વર્ષના સમયગાળા દરમિયાન ધ્રુવલે જ્યારે સગાઈ કરી લીધી ત્યારબાદ ધ્રુવલના માતા અને જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી પણ પોતાને મળવા આવ્યા હતા અને ધ્રુવીલની હવે સગાઈ થઈ ગઈ છે તેથી તેની સાથેનો સંબંધ પૂરો કરી નાખવા કહ્યું હતું. પણ આ વખતેય ધ્રુવીલે પોતે શિક્ષીકા સાથે જ લગ્ન કરશે તેવી વાત પકડી રાખી હતી. એ પછી તેણે ધંધામાં ખોટ ગયાનું કહીને છએક લાખની રોકડ રકમ મેળવી હતી. દાગીના વેંચીને શિક્ષીકાએ તેને નાણા દીધા હતાં. છેલ્લે ધ્રુવલે ઘરે આવીને કહ્યું હતું કે-તું મને ભુલી જજે, ફોન કે મેસેજ કરતી નહિ, મારે હવે તારી સાથે કોઇપણ પ્રકારના સંબંધ રાખવા નથી, મારા લગ્ન થવાના છે. તેમ કહીને જતો રહ્યો હતો અને બાદમાં શિક્ષીકાના ફોન, મેસેજના જવાબ આપતો બંધ થઇ ગયો હતો. અંતે પોતાની સાથે દગાખોરી થયાનું જણાતાં શિક્ષીકાએ ફરિયાદ કરી હતી. ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એ. બી. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(4:11 PM IST)










