તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
રાજકોટમાં ‘ઇંધણ-અછત'ની અફવાએ ખળભળાટ : સતત બીજા દિવસે પંપો પર વાહનોના થપ્પા, તંત્રની અપીલ ખોટો ગભરાટ છોડો, પેટ્રોલ-ડીઝલનો દરિયો છલોછલ છે
મેસેજ વાંચીને ટાંકી ફૂલ કરાવવા દોડયું રાજકોટ : સીએનજી ગેસ પુરાવવા માટે કાર અને રીક્ષાઓની લાંબી લાંબી લાઇનો લાગી

રાજકોટઃ રંગીલા રાજકોટમાં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થયેલી એક અફવાએ શહેરીજનોને ચિંતામાં મૂકી દીધા છે. પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી વાતો વહેતી થતા જ શહેરના તમામ મુખ્ય પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થિતિ એવી છે કે માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં, પરંતુ સીએનજી પંપો પર પણ રિક્ષાઓ અને કારની લાઈનો કિલોમીટરો સુધી લંબાઈ છે.
લોકોમાં ફેલાયેલા આ ડરને શાંત પાડવા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, ‘‘શહેરમાં પેટ્રોલ, ડીઝલ કે સીએનજીના જથ્થામાં કોઈ જ ઘટાડો નથી. તમામ પંપો પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.'' લોકોએ ખોટી અફવાઓથી દોરવાઈને પંપ પર ભીડ ન કરવા અને માત્ર જરૂરિયાત મુજબ જ ઇંધણ પુરાવવા અપીલ કરવામાં આવી છે.
સતત બીજા દિવસે પણ રાજકોટના કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ અને માધાપર ચોકડી જેવા વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપો પર ભારે ઘસારો જોવા મળ્યો હતો. સીએનજી કીટ ધરાવતા વાહનચાલકો પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. અફવાને કારણે લોકો પોતાની ગાડીઓની ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે, જેના લીધે પંપ સંચાલકોને પણ વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી રહી છે.
સોશિયલ મીડિયાના મેસેજને કારણે લોકોમાં ‘પેનિક બાયિંગ'શરૂ થયું. પેટ્રોલ પંપની લાઈનો રસ્તા પર આવતા મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. ડેપો પરથી ઇંધણનો સપ્લાય સતત ચાલુ છે, કોઈ અછત નથી. તેવું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે.
તસ્વીરમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા પેટ્રોલપંપો પર લાંબી લાંબી લાઇનો જોવા મળે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(11:15 AM IST)










