તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
સ્વચ્છ સર્વેક્ષણઃ તુષાર સુમેરા શહેરના હોકર્સ ઝોન અને ફૂલ બજારમાં ત્રાટકયા
સફાઈ, ટોઇલેટ, કચરા સેગ્રિગેશન અને પ્લાસ્ટિક ઉપયોગ અંગે મ્યુનિ.કમિશનરની અધિકારીઓને કડક સૂચનાઓઃ વેપારીઓ સાથે સીધી ચર્ચા

રાજકોટ,તા.૨૩: સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૬ અંતર્ગત શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા વધુ મજબૂત બને અને જાહેર સ્થળોએ નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરના વિવિધ હોકર્સ ઝોન તથા રામનાથપરા નજીક આવેલા ફૂલ બજારની સ્થળ મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન લક્ષ્મીનગર, અંબિકા ટાઉનશીપ, પુષ્કરધામ મેઈન રોડ અને સાધુવાસવાણી મેઈન રોડ હોકર્સ ઝોનમાં સફાઈ વ્યવસ્થા, પબ્લિક ટોઇલેટ-યુરિનલની સ્થિતિ, કચરો ઉપાડવાની આવર્તનતા, ભીનો-સૂકો કચરો અલગ કરવાની વ્યવસ્થા તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
કમિશનરશ્રીએ સફાઈ વધુ સઘન બનાવવા, પૂરતી ડસ્ટબિન વ્યવસ્થા ગોઠવવા અને કચરા સેગ્રિગેશન સુનિヘતિ કરવા સૂચનાઓ આપી હતી. વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને પુનઃઉપયોગી સામગ્રી અપનાવવા અનુરોધ કર્યો હતો.
ફૂલ બજારમાં ફૂલના કચરાનો નિકાલ, પાણીની નિકાસ, થડાની સ્થિતિ તથા વેપારીઓને ઉપલબ્ધ સુવિધાઓ અંગે સમીક્ષા કરી જરૂરી સુધારાઓ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. બજારમાં અવ્યવસ્થિત રીતે ઉભા રહી ધંધો કરતા વેપારીઓને નિયત સ્થળે ખસેડવા પણ નિર્દેશ આપ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૬ અંતર્ગત શહેરને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને નાગરિકમૈત્રી બનાવવા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે
(3:17 PM IST)










