તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
શહેરમાં શરદી- તાવ- ઉધરસ- ઝાડા- ઉલ્ટીના ૧૩૬૦ દર્દી
મનપા દ્વારા ૯૩૦૬ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૫૪૭ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૧૦૮ને નોટીસ

રાજકોટ, તા. ૨૩: શહેરમાં મિક્ષ ઋતુ વચ્ચે રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૩૬૦ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગનો ૧ કેસ નોંધાયો છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૧૬ થી રર માર્ચ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
શરદી તાવના ૧૩૬૦ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૫૮૫ તેમજ સામાન્ય તાવના ૫૫૧ અને ઝાડા ઉલ્ટીના કેસ ૨૨૩ તથા કમળાનો ૧ સહિત કુલ ૧૩૬૦ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૦૪૨૧ તેમજ સામાન્ય તાવના ૮૨૧૩ અને ઝાડા ઉલ્ટીના કેસ ૨૩૪૦ તથા ટાઇફોઇડના ૩ તેમજ કમળાના ૧૨ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૧૦૮ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૯૩૦૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૫૪૭ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૧૩૩ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૦૮ લોકોને નોટીસ આપવામાં આવી હતી.
(3:17 PM IST)










