તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
તબિબને બ્લેકમેઇલ કરનારા ડો. કમલ નાંઢાની ધરપકડઃ વિડીયો કબ્જે કરાયા
રિમાન્ડની તજવીજઃ કહેવાતા પત્રકારોની ધરપકડ બાકીઃ એસીપી ચિંતન પટેલની રાહબરીમાં પીઆઇ જે. એમ. કૈલા અને ટીમ દ્વારા તપાસ

વિગતો જણાવતાં એસીપી ચિંતન પટેલ અને જેની ધરપકડ થઇ તે ડો. કમલ નાંઢા (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨૩: શહેરના તબિબના તેના જ ક્લીનિકમાં મહિલા સાથેના વિડીયો બલ્બના હોલ્ડરમાં સ્પાઇ કેમેરો ફીટ કરીને ઉતારી લઇ આ તબિબના જ ક્લીનિકમાં કામ કરતાં ડોક્ટરે બીજા કહેવાતા પત્રકારોને આ વિડીયો આપી બાદમાં તબિબને બ્લેકમેઇલ કરી રૂા. ૨૫ લાખની ખંડણી માંગી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં અલગ અલગ કહેવાતા ૧૧ પત્રકારો તથા એક ડોક્ટર સામે ગુનો દાખલ કરાયો હતો. જેમાં એક ડોક્ટરની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ ડોક્ટરે રેકોર્ડ કરેલા વિડીયો પણ કબ્જે કર્યા છે.
આ મામલે નોંધાયેલા ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે આયુર્વેદિક તબીબ ડૉ.કમલ ચમનલાલ નાંઢા (ઉ.વ.૩૨)ની ધરપકડ કર્યા બાદ તેની આગવી ઢબે પુછતાછ કરી હતી. તેણે ડોક્ટરના સાધુ વાસવાણી રોડ પરના ક્લીનીકમાં બલ્બના હોલ્ડરમાં કેમેરો ફીટ કરી અસંખ્ય વિડીયો ઉતારી લીધાનું કબુલ્યુ઼ હતું. આમાં ફરિયાદી ડોક્ટરના અંગત પળોના વિડીયોની સાથે સાથે દર્દીઓને તપાસવામાં આવતાં હોઇ ઇન્જેકશન અપાતા હોય તેવા વિડીયો પણ સામેલ છે.
પ્રાથમિક તપાસમાં એવુ સામે આવ્યું છે કે ડો. નાંઢાને જે મહિલા ડોક્ટર પસંદ હતી એ મહિલા ડોક્ટર ભોગ બનનાર ફરિયાદી ડોક્ટર સાથે વધુ સારી રીતે વાત કરતી હતી. તેણીને આ ડો. કમલ નાંઢા એકતરફી પ્રેમ કરતો હોઇ તેના કારણે તેણે અગત વિડીયો ઉતારી લીધા હતાં. બાદમાં કહેવાતા પત્રકારોને આપ્યા હતાં. આ કહેવાતા પત્રકારોએ સમાચારમાં વાયરલ કરવાની સાથે સાથે વધુ વિડીયો વાયરલ ન કરવા હોય તો પચ્ચીસ લાખ આપવા પડશે કહી તબિબને ધમકી આપી હતી. આ ગુનામાં હાલ એસીપી ચિંતન પટેલની રાહબરીમાં પીઆઇ જે. એમ. કૈલા અને ટીમે ડો. કમલ નાંઢાની ધરપકડ કરી તેણે રેકોર્ડ કરેલા વિડીયો કબ્જે કર્યા છે.
અન્ય આરોપીઓમાં ભારત હેડલાઇન્સના અમિત ઠક્કર, સત્યની ગર્જના ન્યુઝનો હિરેન ભીખુ મકવાણા, અજયસિંહ દોલુભા ચુડાસમા, હાર્દિક નીતીન ડોડીયા, રાજકોટ હેડ લાઇન્સના જગદીશ તેરૈયા, ભારત ટાઇમ્સના જીગર સોઢા, ભારત ટાઇમ્સના ધનશ્યામ પટેલ, ભારત ટાઇમ્સના જતીન નથવાણી, જતીન નથવાણીની પત્નિ સ્વાતી નથવાણી, બી-૧ ન્યુઝ વાળાભરત અને મો.નં. ૮૧૨૮૬ ૯૬૭૯૫ તેમજ મો.નં.૭૯૮૪૮-૪૩૩૪૭ના ધારકોની શોધખોળ થઇ રહી છે
(2:55 PM IST)










