તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
પેટ્રોલ-ડિઝલની કોઇ તંગી નથી : બધા પેટ્રોલ પંપ ઉપર પુરતો સ્ટોક
શનિ-રવિ હોવાથી પેટ્રોલ-ડિઝલના સ્ટોકમાં મુશ્કેલી સર્જાઇ'તી : કાલે સવાર સુધીમાં બધુ પુર્વવત થઇ જશેઃ રાજકોટ પેટ્રોલ ડીલર એસોસીએશનની આઇઓસીએલ કંપની ખાતે ડીલરોની બેઠક મળી : પેટ્રોલ-ડિઝલના જથ્થા અંગે કોઇ ચિંતા ન કરવા કંપની તરફથી ખાતરી અપાઇ : હેમંતભાઇ ઘેલાણી

તસ્વીરમાં પત્રકારોને માહિતી આપતા હેમંતભાઇ ઘેલાણી નજરે પડે છે.
રાજકોટ, તા., ૨૩ : યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે લોકોમાં પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખુટી પડશે તેવી ચિંતા સતાવી રહી છે. જેના કારણે વારંવાર જુદી જુદી અફવાઓ ફેલાઇ રહી છે. આવી સ્થિતિમાં આજે રાજકોટમાં અનેક પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોની લાઇનો લાગી હતી. જેના કારણે પેટ્રોલ-ડીઝલ પુરાવવામાં મુશ્કેલી સર્જાઇ હતી.
આવી સ્થિતિમાં આજે રાજકોટ પેટ્રોલ ડીલર એસોસીએશન દ્વારા આઇઓસીએલ કંપની ખાતે ડીલરોની સમસ્યા મુદ્દે બેઠક મળી હતી. જેમાં પેટ્રોલ ડીઝલના સ્ટોક અંગે કોઇ ચિંતા ન કરવા કંપની દ્વારા જણાવાયું છે અને પુરતો સ્ટોક પણ ઉપલબ્ધ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનું રાજકોટ પેટ્રોલ ડીલર એસોસીએશનના હેમંતભાઇ ઘેલાણી (મો.નં. ૯૮ર૪ર ર૧૩૮૮) એ પત્રકારોને જણાવ્યું હતું.
રાજકોટ પેટ્રોલ ડીલર એસોસીએશનના હેમંતભાઇ ઘેલાણીએ વધુમાં જણાવ્યું હતું કે, શનિ-રવિની રજા હોવાથી સ્ટોકની સમસ્યા સર્જાઇ હતી અને લોકોએ અફવા પણ ફેલાવી હતી. પરંતુ પેટ્રોલ-ડીઝલ ખુટી પડે તેવી કોઇ વાત નથી. આ માત્ર અફવા છે. આવી કોઇ વાતમાં આવીને પેટ્રોલ પંપો ઉપર લાઇનો કરવાની જરૂર નથી. જરૂરીયાત મુજબ પુરતો સ્ટોક દરરોજ મળ્યા જ કરશે.
હેમંતભાઇ ઘેલાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ડીલરો સાથે કંપની દ્વારા મીટીંગ કરવામાં આવી હતી. જેમાં કોઇ ચિંતાનું કારણ નથી તેવુ જણાવ્યું હતું અને આજે સાંજ સુધીમાં અથવા તો કાલે સવાર સુધીમાં બધી સ્થિતિ પુર્વવત થઇ જશે. શનિ-રવિની રજા હોવાથી કોઇ-કોઇ પેટ્રોલ પંપમાં મુશ્કેલી સર્જાઇ હતી. એક સાથે મોટી સંખ્યામાં વાહનોમાં પેટ્રોલ ભરવા માટે વાહન ચાલકો આવી જતા સ્ટોક ખાલી થઇ ગયો હતો.
કંપની દ્વારા નવા નિયમો જાહેર કરીને જણાવાયું છે કે એક સાથે એક ડીલર ર૦ હજાર લીટરથી વધુ જથ્થો ઉપાડી નહિ શકે જેથી અમુક જગ્યાએ સ્ટોક ઓછો હોવાથી આવી મુશ્કેલી સર્જાઇ હોઇ શકે છે.
રાજકોટમાં ઇન્ડીયન ઓઇલના પ૭ ટકા જેટલા પેટ્રોલ પંપો છે જેના ઉપર કોઇ મુશ્કેલી નથી. નાયરા સહિતના ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપમાં કોઇ મુશ્કેલી પડી છે તેવું અમને જાણવા મળ્યું છે.
(2:52 PM IST)










