તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Saturday, 21st March 2026
મિત્ર ક્રિષ્નાના કપડા પહેરીને નીકળેલા કિશનને ક્રિષ્ના સમજી બેફામ ધોલધપાટ
ન્યારી ડેમ રોડ પર બનાવઃ સાગરને પાડોશી ક્રિષ્ના સાથે ડખ્ખો થયો હતોઃ તેના કપડા પહેરી કિશન નીકળ્યો ને છરી-ધોકાથી તૂટી પડયા

રાજકોટ તા. ૨૧: કાલાવડ રોડ ન્યારી ડેમના રસ્તે આવેલા બિલ્ડીંગમાં રહી કેટરીંગનું કામ કરતાં મુળ મુંબઇના યુવાનને તે સાંજે તે બહાર કોઇ ચીજવસ્તુ લેવા માટે નીકળ્યો ત્યારે પાડોશમાં રહેતાં શખ્સોએ ઘેરી લઇ હુમલો કરી છરી, લાકડીથી ઇજાઓ કરતાં સારવાર માટે દાખલ થયો છે. તેણે કહ્યું હતું કે આ લોકોને મારા મિત્ર સાથે માથાકુટ થઇ હતી, હું મિત્રના કપડા પહેરીને નીકળતાં મને તે સમજીને ભુલથી મારા પર હુમલો કરી દીધો હતો!
જાણવા મળ્યા મુજબ ન્યારી ડેમ રોડ પર આવેલા ડ્રીમ બિલ્ડીંગ ખાતે રહેતથાં કિશન ભુનેશભાઇ સોલંકી (ઉ.વ.૨૮) નામના યુવાન પર સાંજે ઘર નજીક સાગર સહિતનાએ છરી, ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.
હોસ્પિટલના બિછાનેથી કિશને કહ્યું હતું કે હું મુળ મુંબઇનો વતની છું અને રાજકોટ રહી કેટરીંગનું કામ કરુ છું. મારી સાથે મિત્ર રહે છે તેનું નામ ક્રિષ્ના છે. પાડોશી સાગરને આ મારા મિત્ર સાથે કોઇ વાતે માથાકુટ ઝઘડો થયો હતો. સાંજે હું બહાર નીકળ્યો ત્યારે મિત્રનો શર્ટ ખીંટીએ ટીંગાતો હોઇ તે પહેરીને નીકળ્યો ત્યારે મને સાગર સહિતનાએ ક્રિષ્ના સમજીને ઘેરી લઇ હુમલો કરી દીધો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
(3:18 PM IST)










