News of Saturday, 21st March 2026
શહેરની શાકમાર્કેટોમાં દુવિધા જ દુવિધાઃ છતાં ભાડામાં તોતિંગ વધારો
વેપારીઓની મ્યુનિસિપલ કમિશનર અને ધારાસભ્યને રજુઆત

રાજકોટઃ મહાનગરપાલિકા અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શહેરની મુખ્ય શાકમાર્કેટો જેવી કે ભોજાભગત (દેવપરા), હડુકો, જ્યુબેલી, લાખાજીરાજ રોડ અને ગોવિંદબાગ વગેરેમાં આવેલા થડાના ભાડા અને સફાઈ ચાર્જમાં વર્તમાન દર કરતા સીધો બમણો વધારો ઝીંકી દેવામાં આવતા નાના વેપારીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
આ નિર્ણય વિરુદ્ધ શાકમાર્કેટ વેપારી એસોસિએશનના અગ્રણી અશ્વિનભાઇ જોબનપુત્રાની આગેવાનીમાં મોટી સંખ્યામાં વેપારીઓએ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષારભાઈ સુમેરા અને વિધાનસભા-૭૦ ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.
વેપારીઓએ આકોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક તરફ કોર્પોરેશન સફાઈ ચાર્જમાં તોતિંગ વધારો કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે માર્કેટોમાં સફાઈના નામે તંત્ર નિષ્ફળ ગયું છે અને ગંદકીના ગંજ વચ્ચે વેપારીઓએ પોતે જ ફાળો ઉઘરાવી કે જાતે સફાઈ કરવી પડે છે. માર્કેટોની હાલત અત્યંત જર્જરિત અને બિસ્માર હોવા છતાં સુવિધા આપવાને બદલે માત્ર આર્થિક બોજ વધારવામાં આવી રહ્યા છે.
વેપારીઓએ વધુમા વધુમાં જણાવેલ કે, લાખાજીરાજ રોડ પાસેની શાકમાર્કેટને રિનોવેશન માટે છેલ્લા ૪ મહિનાથી ખાલી કરાવી દેવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી ત્યાં કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો નથી. અત્યારે કેરીની મુખ્ય સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં માર્કેટ બંધ રહેતા નાના અને મધ્યમ વર્ગના સેંકડો વેપારીઓની રોજીરોટી છીનવાઈ રહી છે, તંત્રની આ ઢીલી નીતિના કારણે ગરીબ વેપારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
આ રજૂઆત દરમિયાન રઘુવંશી યુવા શક્તિ સંઘના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે.ડી. રઘુવંશી, રાજકોટ શહેર સંગઠન વોર્ડ સંયોજક રામભાઈ લાલચેતા, મીતભાઈ અનડકટ તેમજ અન્ય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી ભાડા વધારો તાત્કાલિક પરત ખેંચાય અને માર્કેટોનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માંગ કરવામાં આવી હતી.
(2:38 PM IST)










