તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 19th March 2026
જંગલેશ્વરમાં કલેકટર તંત્રની નોટીસો અંગે મહેસૂલપંચનો હવે ગમે ત્યારે ચૂકાદોઃ સૂનાવણી પૂરીઃ ભારે ઉતેજના
કૂલ ૧૩૫૮ દબાણકારોને નોટીસ અપાઇ છેઃ ૪૦૦ કરોડની ૧ લાખ ચો.મી. જમીનનો મામલો

રાજકોટ તા.૧૯: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા વિશાળ દબાણના મામલે હવે અંતિમ ઘડીઓ ગણાઈ રહી હોય તેમ જણાય છે. કલેક્ટર તંત્ર દ્વારા અપાયેલી નોટિસ બાદ હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા, જેના પગલે હવે ગુજરાત મહેસૂલ પંચ ગમે ત્યારે પોતાનો ચુકાદો સંભળાવે તેવી શકયતા કલેકટર તંત્રના અધીકારીઓ દાખવી રહયા છે. શહરેના જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૧ લાખ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર ૧,૩૫૮ જેટલા ગેરકાયદેસર મકાનો ઊભા કરી દેવામાં આવ્યા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. આ મામલે કલેક્ટર તંત્ર દ્વારા તમામ મકાનધારકોને દબાણ દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.તંત્રની આ કાર્યવાહી સામે સ્થાનિકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આ મામલે મધ્યસ્થી કરી ગુજરાત મહેસૂલ પંચને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરી ૯૦ દિવસમાં સુનાવણી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહેસૂલ પંચ દ્વારા તમામ પક્ષકારોની દલીલો વિગતવાર સાંભળવામાં આવી છે.સ્થાનિક રહેવાસીઓ અને સરકારી તંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને જવાબોની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે.કાયદાકીય પ્રક્રિયાના તમામ તબક્કાઓ પૂરા થઈ ચૂકયા હોવાથી હવે માત્ર ચુકાદો જાહેર કરવાનો જ બાકી છે. ‘‘૧ લાખ ચોરસ મીટર જમીન પરના દબાણનો આ મામલો રાજ્યના મોટા જમીન વિવાદોમાંનો એક માનવામાં આવે છે. પંચના નિર્ણય પર હજારો પરિવારોના ભાવિનો દારૂમદાર છે.''હવે જોવાનું એ રહેશે કે મહેસૂલ પંચ આટલી મોટી સંખ્યામાં રહેલા મકાનો અંગે માનવીય અભિગમ અપનાવે છે કે પછી સરકારી જમીન ખુલ્લી કરવાનો કડક આદેશ આપે છે. આ ચુકાદાને પગલે જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને તંત્રની સજ્જતા પણ ચર્ચાનો વિષય બની છે
(3:38 PM IST)










