News of Wednesday, 18th March 2026
બેડલામાં જમીનના ડખ્ખામાં હેમતભાઇ અને સગર્ભા પત્નિ શીતલબેન પર કુટુંબીઓનો હુમલોઃ ખૂનની ધમકી
હેમતભાઇ ગોવાણીની ફરિયાદ પરથી તેના પિતા બાબુ નાગજીભાઇ, મોટા ભાઇ મુકેશ, ભત્રીજા રોહિત, ભત્રીજી નયના, ભાભી રસીલાબેન વિરૂધ્ધ ગુનોઃ શિતલબેન પર એસિડ છાંટવાની પણ સસરાએ ધમકી દીધીઃ એરપોર્ટ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૮: રાજકોટના બેડલા ગામે જમીનના ડખ્ખામાં યુવાન પર તેના પિતા, ભાઇ, ભાભી, ભત્રીજો-ભત્રીજી સહિતે લાકડીથી હુમલો કરી તેની સગર્ભા પત્નિને પણ માર મારતાં અને વાડી મુકી ભાગી જવાનું કહી ધમકી આપતાં તેમજ સગર્ભા ઉપર સસરાએ એસિડ છાંટવાની પણ ધમકી આપતાં પોલીસે કાર્યવાહી કરી છે. આ બનાવમાં એરપોર્ટ પોલીસે બેડલા ગામે રહેતાં હેમતભાઇ બાબુભાઇ ગોવાણી (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી બેડલાના બાબુ નાગજીભાઇ ગોવાણી, રોહિત મુકેશભાઇ ગોવાણી, નયનાબેન મુકેશ ગોવાણી, મુકેશ બાબુભાઇ ગોવાણી અને રસીલાબેન મુકેશભાઇ ગોવાણી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
હેમતભાઇએ જણાવ્યું છે કે હું પરીવાર સાથે રહુ છું અને ખેતીકામ કરૂ છું. મારા પત્નિનું નામ શીતલબેન છે અને હાલે તેણી સગર્ભા છે. મારે સંતાનમા બે દિકરા-દીકરીઓ છે. ગઇ તા.૧૨/૦૩ના સવારના આશરે સાડા સાતેક વાગ્યે હું મારી વાડી જે મારા ગામમાં રાણીંગપર રોડ ઉપર છે ત્યાથી કામ સબબ અમારા ગામમા ગયેલ હતો. એ વખતે વાડીએ મારા પત્નિ શીતલબેન તથા મારી દીકરી આરતી (ઉ.વ.૮) હતી. આશરે આઠેક વાગ્યે મારી દીકરી આરતીએ મને ફોન કરેલ અને વાત કરેલ કે મારા મમ્મી સાથે બાબુદાદા તથા રોહીતભાઈ તથા નયનાબેન એમ બધા લોકો માથાકુટ કરે છે અને મમ્મી ને ગાળો આપે છે, તો તમે વાડીએ આવો તેમ મને ફોનમાં વાત કરતાં હું તરત જ વાડીએ પહોંચ્યો હતો. ત્યાં જોયુ તો આ બધા લોકો મારી પત્નિની સાથે માથાકુટ કરતા હતા. મારા બાપુજી બાબુભાઈના હાથમાં લાકડા લાકડી હતી, તે મારા પત્નિને ગાળો આપતા હતા અને વાડી મુકીને જતા રહો નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં હતાં.
બાદમાં મારા બાપુજીએ મારા પત્નિને લાકડથી માર મારતાં તેણીને હાથ, ડાબા પગ, પડખામાં ઇજા થઇ હતી. માથાકુટ ચાલુ હતી ત્યાં મારા ભાઇ મુકેશભાઈ તથા તેની પત્નિ રસીલાબેન પણ વાડીએ આવી ગયેલ અને અમને પતિ-પત્નિને ભુંડી ગાળો આપવા લાગેલ અને મારા બાપુજીએ મને કહેલ કે વાડી મુકીને કયાંક જતો રહેજે હવે જો અહીંયા વાડીએ રહેશો તો જાનથી મારી નાખીશ. દરમિયાન મારા મોટી મા લાભુબેન જબુબેન સહિતે અમને બચાવ્યા હતાં. આ પછી મારી પત્નિએ વાત કરી હતી કે તેના ઉપર એસિડ ફેંકવાની ધમકી પણ મારા બાપુજી બાબુભાઇએ તેણીને આપી હતી. હુમલામાં મને અને પત્નિને મુંઢ ઇજાઓ થઇ હોઇ ૧૦૮ બોલાવી સારવાર માટે કુવાડવા ગયા હતાં. જ્યાં મને પ્રાથમીક સારવાર અપાઇ હતી. પત્નિને બે મહિનાની પ્રેગનન્સી હોઇ રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ માથાકુટમાં શરૂઆતમાં અમારે કુટુંબના મોટા વડીલો દ્વારા સમાધાનની વાત ચાલુ હોઇ જેથી ે ફરીયાદ કરેલ ન હતી. ૫રંતુ સમાધાન ન થતાં ફરિયાદ કરી હતી. જમીનના ભાગ બાબતે આ માથાકુટ થઇ હતી. એએસઆઇ પી. એમ. સાંગાણીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(2:19 PM IST)










