<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

આજીડેમ ચોકડી પાસેના રામ પાર્કમાં રહેતો હિતેષભાઇ પાટડીયા વ્‍યાજખોરીમાં ફસાયોઃ ૬ જણા સામે ફરિયાદ

અલગ અલગ સમયે કાર, બાઇક, એક્‍ટીવા, સોનાની વિંટી, ફોન ગિરવે મુકી રકમો લીધી હતી અને વ્‍યાજ ચુકવ્‍યું હતું: પરિસ્‍થિતિ ખરાબ થતાં પેનલ્‍ટી વસુલાઇઃ ઘરે આવી પરિવારજનોને ધમકીઃ રસ્‍તામાં ઉભો રાખી જે મળે તે વસ્‍તુ પડાવી લેતાં હોવાનો આરોપઃ આજીડેમના હેડકોન્‍સ. ભરતભાઇ જોગીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી વિરમ ભરવાડ, ભરત બોસરીયા, ભરત લાવડીયા, ભુપત સેંગલીયા, સાગર જળુ અને દેવરાજ સોનારા વિરૂધ્‍ધ એફઆઇઆર દાખલ

રાજકોટ તા. ૧૮: વ્‍યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. જેમાં આજીડેમ ચોકડી પાસે રહેતાં યુવાને છ શખ્‍સો પાસેથી વાહનો, સોનાની વીંટી, ફોન ગીરવે મુકી જરૂરિયાતને કારણે અલગ અલગ રકમ વ્‍યાજે લીધી હતી. જેનું વયયાજ સમયસર ચુકવ્‍યું પણ હતું. પરંતુ હવે પરિસ્‍થિતિ ખરાબ થતાં પઠાણી ઉઘરાણી કરી ફોન પર અને ઘરે આવી ધમકી આપવાનું અને રસ્‍તામાં ઉભો રાખી ચીજવસ્‍તુ પડાવી લેવાનું ચાલું થતાં તેમજ વ્‍યાજ ન ચુકવી શકે તો રોજેરોજ પેનલ્‍ટી વસુલવાનું ચાલુ કરવામાં આવતાં અંતે કંટાળીને તેણે પોલીસ ફરિયાદ કરી છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી રામ પાર્ક શેરી નં. ૨ બંસીધર કાટા સામે રહેતાં હિતેષભાઇ ગોવિંદભાઇ પાટડીયા (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી કરણાભાઇના ગાર્ડન પાસે સરકારી સ્‍કૂલ નજીક રહેતાં વિરમ ભરવાડ, માલધારી સોસાયટીના ભરત બોસરીયા, રામ પાર્કના ભરત લાવડીયા, રાધાકૃષ્‍ણ સોસાયટી રામવનના ભુપત સેંગલીયા, સાગર જળુ અને દેવરાજ સોનારા વિરૂધ્‍ધ વ્‍યાજખોરીનો ગુનો નોંધ્‍યો છે.

હિતેષભાઇ પાટડીયા પરિવાર સાથે રહે છે અને રાજકોટના રોણકી ગામે લાઇફકેર લેબોરેટરીમાં પ્રાઇવેટ નોકરી કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારા પિતા કારખાનામાં મજૂરી કરે છે. મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. દોઢેક વર્ષ પહેલા મારે રૂપિયાની જરૂરીયાત ઉભી થતાં મારા ઓળખીતા વિરમ ભરવાડ પાસેથી મારી સ્‍વીફટ કાર જીજે૦૩કેસી-૩૮૫૧ ગીરવે મુકી રૂા. ૧,૬૫,૦૦૦ લીધા હતાં. જેનું દર મહિને રૂા. ૧૫૦૦૦ વ્‍યાજ ચુકવવાનું નક્કી થયું હતું. આ વ્‍યાજ આઠ મહિના સુધી મેં ચુકવ્‍યું હતું. બાદ મારી પરિસ્‍થિતિ સારી ન હોઇ હું વ્‍યાજ ચુકવી શક્‍યો નહોતો.

આ પછી એ વખતે જ મેં ભરત બોસરીયા-ભરવાડ પાસે મારુ બાઇક ગીરવે મુકી રૂા. ૨૫૦૦૦ મહિને ૧૦ ટકાના વ્‍યાજે લીધા હતાં. તેને પણ આઠ મહિના સુધી વ્‍યાજ ચુકવ્‍યું હતું. તેમજ આઠેક મહિના અગાઉ રામ પાર્કના ભરત લાવડીયા પાસે મેં બીજુ હોન્‍ડા જીજે૦૩પીસી-૮૬૪૯ ગીરવે મુકી રૂા. ૧,૦૨,૦૦૦ મહિને ૧૦ ટકાના વ્‍યાજથી લીધા હતાં. તેણે મારી પાસે સિક્‍યુરીટી પેટે બે કોરા ચેક પણ લીધા હતાં. તેને મેં છ મહિના સુધી વ્‍યાજ ચુકવ્‍યું હતું.

તેમજ ત્રણેક વર્ષ પહેલા રાધાકૃષ્‍ણ સોસાયટીના ભુપત સેગલીયા પાસે મેં એક્‍ટીવા ગીરવે મુકી એચડીએફસી બેંકના મારા ખાતાના ૧૦ કોરા ચેક આપી રૂા. ૮૦૦૦ લીધા હતાં. જેથી સામે મેં ૪૫ હજાર વ્‍યાજ ચુકવ્‍યું છે. આમ છતાં તે એક્‍ટીવા અને મારા કોરા ચેક પાછા આપતો નથી. આવી જ રીતે સાતેક મહિના પહેલા મેં સાગર જળુ પાસે મારી સોનાની ત્રણ ગ્રામની વીંટી તથા વન પ્‍લસ મોબાઇલ ફોન ગીરવે મુકીને રૂા. ૨૩૦૦૦ લીધા હતાં. જેનું મેં છ મહિના વ્‍યાજ કુલ રૂા. ૧૦૫૦૦ ભર્યુ છે. ગત ૨૩/૨/૨૬ના રોજ મેં રામવન પાસે રહેતાં દેવરાજ પાસેથી રૂા. ૨૦ હજાર એક અઠવાડીયા પુરતા ૪૦૦૦ વ્‍યાજ ચુકવવાની શરતે લીધા હતાં. સિક્‍યુરીટી પેટે મેં કોરો ચેક રૂા. ૪૦૦૦૦ રકમ ભરીને આપ્‍યો હતો. તેને મેં એક અઠવાડીયુ વ્‍યાજ ચુકવ્‍યું હતું. હવે દેવરાજ વ્‍યાજ ચુકવી ન શકું તો એક દિવસના ૧૦૦૦ પેનલ્‍ટી પેટે વસુલે છે અને ઘરે આવી મારા માતા-પત્‍નિને ધમકાવે છે. આ તમામ પાસેથી મેં વ્‍યાજે રકમ લીધી હોઇ સમયસર વ્‍યાજ ચુકવી ન શકું તો પેનલ્‍ટી વસુલે છે. દેવરાજ સોનારા ફોનમાં ગાળો દઇ ધમકીઓ આપે છે અને ઘરે આવી મારા પરિવારજનોને હેરાન પરેશાન કરે છે. સાગર મને રસ્‍તામાં ઉભો રાખી રૂપિયાની, વ્‍યાજની આકરી ઉઘરાણી કરે છે અને મારી પાસે જે વસ્‍તુ હોય તે પડાવી લે છે. આ બધાથી કંટાળીને મારે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં હિતેષભાઇએ જણાવતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્‍સ. ભરતભાઇ જોગીયાએ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

(4:04 PM IST)