<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

રાજકોટ જિલ્‍લા - તાલુકા પંચાયતની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી : સ્‍થાનિક લોકોની પસંદગીના ઉમેદવારોને જ મેદાનમાં ઉતારાશે

દિલ્‍હી સ્‍થિત રાષ્ટ્રીય નેતૃત્‍વ તરફથી સ્‍પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પ્રજાના લોકપ્રિય ઉમેદવારોને જ ટિકિટ ફાળવવામાં આવે સંગઠન સૃજન અભિયાન વેગવંતુ : ૧૧ તાલુકાઓના પ્રભારીઓની ટૂંક સમયમાં નિમણૂક કરી બૂથ સ્‍તરથી પક્ષને મજબૂત કરાશે : વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ ચૂંટણી લડવા અંગે નારાજગી દર્શાવતા પક્ષમાં મંથન

રાજકોટ, તા.૧૭ : જિલ્‍લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષે અત્‍યારથી જ સઘન તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પક્ષના આધારભૂત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, આગામી થોડા જ સમયમાં જિલ્‍લાના ૧૧ (અગિયાર) તાલુકાઓ માટે પ્રભારીઓની નિમણૂક કરવામાં આવનાર છે. આ પ્રભારીઓ તાલુકા અને ગ્રામ્‍ય સ્‍તરે પ્રજાની વચ્‍ચે જઈને લોકોની પસંદગીના ઉમેદવારોને જ ટિકિટ ફાળવવા માટે કવાયત હાથ ધરશે, જેથી જનતાનો અકબંધ વિશ્વાસ મેળવી શકાય. અગાઉ પક્ષ દ્વારા આ પ્રકારની સીધી જનસંપર્કની પદ્ધતિનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્‍યો ન હતો.

બીજી તરફ, પક્ષમાં ક્‍યાંક જોવા મળતા છૂટાછવાયા આંતરિક મતભેદો કે જૂથવાદ વચ્‍ચે ‘સંગઠન સૃજન અભિયાન' અને મતદાન મથક (બૂથ) સ્‍તરની કામગીરી થકી પક્ષને કેટલી સફળતા સાંપડશે તે આવનારો સમય જ કહેશે.

હાલમાં જિલ્‍લા પંચાયતમાં ભાજપ સત્તા પર બિરાજમાન છે. વર્તમાન શાસનના કાર્યકાળમાં કેટલાક વહીવટી પ્રશ્નો અને વિકાસલક્ષી કામોમાં ઉણપ રહી જવા પામી હોવાના મુદ્દાઓ કોંગ્રેસ દ્વારા સમયાંતરે ઉઠાવવામાં આવતા રહ્યા છે. હવે આ પ્રશ્નોના યોગ્‍ય નિવારણ માટે કોંગ્રેસના આગેવાનો છેવાડાના માનવી સુધી પહોંચીને પક્ષની વિચારધારા સાથે ગામડાઓના વિકાસની દિશામાં નક્કર ચર્ચા-વિચારણા કરશે. આ માટે વિવિધ સમિતિઓની રચના અને ગ્રામ્‍ય સ્‍તરના કાર્યક્રમોનું આયોજન પણ હાલ પક્ષ દ્વારા હાથ ધરવામાં આવ્‍યું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ રાજકોટ જિલ્‍લા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા પાંચ સભ્‍યો કાર્યરત છે. જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખના જણાવ્‍યા મુજબ, આ પાંચેય સભ્‍યોની કામગીરી અત્‍યંત સક્રિય રહી છે, જેથી પક્ષ તેમને આગામી ચૂંટણીમાં પુનરાવર્તિત (રિપીટ) કરે તેવી પૂરી શક્‍યતા છે. ખાસ કરીને ભાડલા બેઠક પરથી ચૂંટાયેલા અને વિરોધ પક્ષના નેતા તરીકે મનસુખ સાકરીયાએ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સત્તાધારી પક્ષ સામે અવારનવાર અવાજ ઉઠાવ્‍યો છે.

જોકે, આ સંદર્ભે જ્‍યારે ખુદ શ્રી મનસુખ સાકરીયા એવું જણાવે છે કે, પક્ષ તરફથી જે પ્રકારનું મજબૂત પીઠબળ મળવું જોઈએ તે મળતું ન હોવાથી તેઓ આગામી ચૂંટણી લડવા માટે તૈયાર નથી. આ બાબતે જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખે સ્‍પષ્ટતા કરતા ઉમેર્યું છે કે, ટિકિટની ફાળવણીનો આખરી નિર્ણય તમામ સ્‍થાનિક આગેવાનોને સાથે રાખીને જ લેવામાં આવશે.

વધુમાં જાણવા મળ્‍યા મુજબ, ભૂતકાળમાં ટિકિટ ફાળવણીને લઈને ક્‍યાંક સ્‍થાનિક કક્ષાએ લોકોને અસંતોષ રહેતો હતો. પરંતુ આ વખતે દિલ્‍હી સ્‍થિત રાષ્ટ્રીય નેતૃત્‍વ તરફથી સ્‍પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પ્રજાના લોકપ્રિય ઉમેદવારોને જ ટિકિટ ફાળવવામાં આવે.

આ રણનીતિ થકી પક્ષ જનતાનો ભરોસો જીતવાની સાથે જિલ્‍લાનો સર્વાંગી વિકાસ સાધવા માંગે છે. શાસક પક્ષને સીધી ટક્કર આપવા માટે કોંગ્રેસ દ્વારા તાલુકા કક્ષાએથી જ લોકોનો સઘન સંપર્ક સાધીને તેઓના પસંદગીના ઉમેદવારો વિશે મંતવ્‍યો લેવામાં આવશે અને તેના જ આધારે ટિકિટોની વહેંચણી કરવામાં આવશે તેમ પણ જાણવા મળે છે.

પક્ષના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, હાલમાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પીવાના પાણીની સમસ્‍યાઓ અત્‍યારથી જ ઊભી થવા લાગી છે, તેમજ રસ્‍તાઓની બિસ્‍માર હાલત અંગે પણ લાંબા સમયથી તકલીફો જોવા મળી રહી છે. આ પ્રશ્નોનું હજુ સુધી યોગ્‍ય નિરાકરણ ન આવતા કોંગ્રેસે જણાવ્‍યું છે કે, આ વખતે પક્ષ દ્વારા લોકોની સમસ્‍યાઓ ઉકેલવા માટે વિવિધ નક્કર આયોજનો ઘડવામાં આવી રહ્યા છે જે અગાઉ ક્‍યારેય ન થયા હોય.

પક્ષનું માનવું છે કે લોકો હવે માત્ર વાયદાઓથી થાકી ગયા છે, તેથી તે દિશામાં જ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. ત્‍યારે હવે જોવું રસપ્રદ બની રહેશે કે, આગામી જિલ્‍લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારો માટે કોંગ્રેસ પસંદગીના કયા માપદંડ (સિલેક્‍શન ક્રાઈટેરિયા) અપનાવે છે.

(4:26 PM IST)