<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

સંઘ શક્‍તિનો સાક્ષાત્‍કારઃ દેશભરમાં દૈનિક શાખાઓનો આંકડો ૮૮,૦૦૦ને પાર, એક જ વર્ષમાં ૫,૮૨૦નો તોતિંગ વધારો

અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં સૌરાષ્ટ્ર-કચ્‍છના સેવાકીય મોડેલની ગુંજઃ ૧૪ લાખ ઘરો સુધી સંઘનો ‘વિજયાદશમી' સંદેશ પહોંચ્‍યોઃ પત્રકાર પરીષદમાં વિગતો આપતા મુકેશ મલકાણ-વિપુલ અઘારા

રાજકોટઃ રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના શતાબ્‍દી વર્ષ પૂર્વે સંગઠનનો વ્‍યાપ દેશભરમાં વાયુવેગે વધી રહ્યો છે. હરિયાણાના સમાલખા ખાતે યોજાએલ  ‘અખિલ ભારતીય પ્રતિનિધિ સભા'અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણે જણાવ્‍યું હતું કે, ગત વર્ષની ૮૩,૧૨૬ શાખાઓની સામે આ વર્ષે દૈનિક શાખાઓની સંખ્‍યા વધીને ૮૮,૯૪૯ પર પહોંચી છે. સમાજમાં વધતી જતી રાષ્ટ્રભાવનાને કારણે ઓનલાઈન Join RSS માધ્‍યમથી પણ માત્ર જાન્‍યુઆરી માસમાં જ ૨૬,૪૪૫ યુવાનોએ સંઘ સાથે જોડાવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી છે.

સૌરાષ્ટ્ર પ્રાંતમાં હાલ ૨૯૪ સ્‍થાનો પર ૬૦૧ દૈનિક શાખાઓ કાર્યરત છે. સંગઠનને વધુ મજબૂત કરવા માટે ૧૬ મે થી ૧ જૂન, ૨૦૨૬ દરમિયાન અંજાર ખાતે ‘સંઘ શિક્ષા વર્ગ'નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં સ્‍વયંસેવકો પ્રશિક્ષણ મેળવશે. શતાબ્‍દી વર્ષ નિમિત્તે સૌરાષ્ટ્રના ૧૯,૧૭૫ કાર્યકર્તાઓએ ૧૪.૫૧ લાખ ઘરોમાં વ્‍યક્‍તિગત સંપર્ક કરી ‘પંચ પરિવર્તન' (સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્‍વદેશી અને નાગરિક કર્તવ્‍ય) વિશે જાગૃતિ ફેલાવી છે.

કચ્‍છનું ‘ગૌ-સેવા' અને જૂનાગઢનું ‘મધુવન' મોડેલ છવાયું

પ્રતિનિધિ સભામાં સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલજીએ સૌરાષ્ટ્ર-કચ્‍છના વિશિષ્ટ પ્રકલ્‍પોની વિશેષ પ્રશંસા કરી હતી.

પર્યાવરણઃ જૂનાગઢના ખાંભલા ગામે લોકસહયોગથી ૩૦ વીઘામાં ‘મધુવન પ્‍લાન્‍ટેશન' ઊભું કરી ૫૫૦૦ રોપાઓનું જતન કરાયું.

ગૌ-સેવાઃ કચ્‍છમાં આયોજિત ‘ગૌ-સેવા સંગમ'માં ૧૨,૦૦૦ નાગરિકોની ઉપસ્‍થિતિ અને ૧૮ આયામો પર માર્ગદર્શન અપાયું.

આરોગ્‍યઃ રાજકોટ અને ગોંડલમાં ડો. આંબેડકર જયંતિ નિમિત્તે એક જ દિવસે ૧૭૦ શિબિરો દ્વારા ૯૦૦૦ લોકોની સેવાનો રેકોર્ડ.

હરિયાણાના સમાલખા ખાતે આયોજીત બેઠકમાં પૂ.સદ્‌ગુરૂદાસ મહારાજ (શ્રી વિજયરાવ દેશમુખ) વિદર્ભ, ડો.માધવ ગાડગિલ-પર્યાવરણ વૈજ્ઞાનિક, શિવરાજ પાટીલ-ભૂતપૂર્વ ગૃહમંત્રી, કે.એન.દીક્ષિત પદ્મભૂષણ, વિખ્‍યાત પુરાતત્‍વવિદ, અજિત પવાર-મહારાષ્‍ટ્ર રાજ્‍યના ઉપમુખ્‍યમંત્રી,  ધમેન્‍દ્ર (ધરમસિંગ) દેઓલ-અભિનેતા અને પૂર્વ સાંસદ, સુલક્ષણા પંડિત અભિનેત્રી, શ્રીમી સિમોન દુનોયર ટાટા-ઉદ્યોજક-લેકમે ની ચેરપર્સન, સૌરાષ્‍ટ્રના કિશોરભાઈ કોટક-જૂનાગઢના વભાગ સંઘચાલકજી તેમજ હસમુખભાઈ પંડયા-જૂનાગઢ વિભાગ કાર્યવાહ સહિત મહાપુરૂષોને શ્રદ્ધાંજલી આપવામાં આવી.

સંઘ દ્વારા સંત શિરોમણી રવિદાસજીના ૬૫૦મા પ્રાગટ્‍ય વર્ષની ઉજવણીના ભાગરૂપે સામાજિક સમરસતા પર ભાર મૂકવામાં આવ્‍યો છે. મુકેશભાઈએ જણાવ્‍યું કે, સંત રવિદાસજીએ જે રીતે આક્રમણખોરો સામે ધર્મનું રક્ષણ કર્યું અને ભેદભાવ મુક્‍ત સમાજની કલ્‍પના કરી, તે જ પથ પર સંઘ આજે કાર્ય કરી રહ્યો છે.

તસ્‍વીરમાં વિશ્‍વ સંવાદ કેન્‍દ્ર, સૌરાષ્‍ટ્ર પ્રાંતના મુકેશભાઈ મલકાણ અને વિપુલભાઈ અઘારા નજરે પડે છે. (તસ્‍વીરઃઅભિજીત બગથરીયા)

(3:32 PM IST)