<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

રાજકોટમાં રાંધણ ગેસ માટે હાહાકાર: યુદ્ધની આગ રસોડા સુધી પહોંચી! સગડીઓનો સ્ટોક ખતમ, ઈલેક્ટ્રિક ચુલામાં ૧૫ દિવસનું વેઈટિંગ

LPG ના બાટલા માટે એજન્સીઓ પર લાંબી કતારો; મધ્ય પૂર્વના તણાવે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું, લાકડાના ભાવમાં પણ ભડકો થતા ગરીબોની હાલત કફોડી.

રાજકોટ: રંગીલા રાજકોટમાં અત્યારે રાંધણ ગેસને લઈને ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા યુદ્ધના તણાવની સીધી અસર હવે રાજકોટના રસોડા સુધી પહોંચી છે. શહેરમાં રાંધણ ગેસ (LPG) ની અછત સર્જાતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, અને પેનિક બુકિંગને કારણે ઓઈલ કંપનીઓના સર્વર પણ વારંવાર ક્રેશ થઈ રહ્યા છે.
ચુલા અને સગડીઓ માટે દોડધામ
ગેસના બાટલા ન મળતા લોકો હવે જૂની પદ્ધતિ તરફ વળ્યા છે. બજારમાં કોલસા અને છાણાથી ચાલતી સગડીઓ તેમજ ઈલેક્ટ્રિક ચુલા ખરીદવા માટે પડાપડી થઈ રહી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે શહેરના વેપારીઓ પાસે સગડીઓનો સ્ટોક ખલાસ થઈ ગયો છે અને ઈલેક્ટ્રિક ચુલા માટે ૧૫-૧૫ દિવસનું વેઈટિંગ બોલાઈ રહ્યું છે. જે શ્રમિકો રોજનું રળીને રોજ ખાય છે, તેમની હાલત તો સાવ દયાજનક બની છે. લાકડાના ભાવ પણ રાતોરાત વધીને ૨૦૦ રૂપિયે મણ થઈ જતા ગરીબ પરિવારો માટે બે ટંકનું ભોજન રાંધવું પણ મુશ્કેલ બન્યું છે.
હોટલોમાં મેનુ ટૂંકા થયા, હાઈવે પર ચુલા સળગ્યા
કોમર્શિયલ ગેસના બાટલાનું વિતરણ લગભગ બંધ જેવું હોવાથી હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. હાઈવે પરની અનેક હોટલોમાં હવે ગેસને બદલે લાકડાના ચુલા પર રસોઈ બનાવવાની ફરજ પડી છે. ગેસની બચત કરવા માટે અનેક હોટલ સંચાલકોએ તેમના મેનુમાંથી સાઉથ ઈન્ડિયન અને ચાઈનીઝ જેવી વાનગીઓ પર કાપ મૂક્યો છે, કારણ કે આ વાનગીઓ બનાવવામાં ગેસનો વપરાશ વધુ થાય છે.
જોકે, સરકાર તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઉર્જાની કોઈ મોટી અછત નથી, પરંતુ લોકોમાં ફેલાયેલા ડરને કારણે બુકિંગમાં અચાનક ઉછાળો આવ્યો છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે ૨૫-૩૦ દિવસ રાહ જોયા છતાં ગેસના બાટલાની ડિલિવરી મળતી નથી. રાજકોટવાસીઓ અત્યારે બસ એક જ આશા રાખી રહ્યા છે કે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાય અને તેમના રસોડામાં ફરી ગેસની જ્યોત નિયમિત સળગતી થાય.

(6:56 PM IST)