તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
આજી માસાંતે-ન્યારી એપ્રીલમાં છલોછલ ભરાશે
ઉનાળો રહેશે પાણીદાર : સૌની યોજના અંતર્ગત બન્ને ડેમોમાં દરરોજ ૧૪ થી ૧૮ એમસીએફટી નર્મદાનીર ઠલવાય છે : રાજકોટીયનોને પાણીની ચિંતામાંથી મુકિતઃ ગરમી હેમખેમ પસાર થશેઃ ૧૦ જુન સુધી ચાલે તેટલું પાણી સંગ્રહ કરાશે

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ શહેરમાં ઉનાળામાં પાણીની અછત ન સર્જાય તે માટે કોર્પોરેશન દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આજી ડેમ અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદા નદીનું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી બંને જળાશયો ચોમાસા સુધી માટે ભરાઈ જશે.
આજી ડેમમાં હાલ નોંધપાત્ર જળસંગ્રહ છે અને જૂન સુધી પાણી પૂરતું રહેશે. ન્યારી ડેમમાં પણ એપ્રિલ સુધીમાં મોટો જળજથ્થો સંગ્રહિત થઈ જશે. શહેરવાસીઓને નિયમિત રીતે લગભગ ૨૦ મિનિટ પાણી મળી રહે તે માટે ગોઠવણ કરવામાં આવી રહી છે.
ભાદર ડેમમાં હાલમાં જુલાઈ અંત સુધી ચાલે એટલું પાણી સંગ્રહિત છે, તેથી તાત્કાલિક કોઈ સંકટ નથી. જોકે ભાદર ડેમની જૂની પાઈપલાઈન બદલવાનું કામ નેશનલ હાઈવે ઓથોરિટી પાસેથી એનઓસી ન મળવાને કારણે અટકયું છે. મંજૂરી મળતા જ કામ શરૂ થવાની શકયતા છે.
મનપાના વોટર વર્કસ શાખાના સુત્રોમાંથી જણાવ્યા મુજબ શહેરમાં વિતરણ વ્યવસથા ખોરવાય નહિ તે માટે શહેરીજનોને પાણીની વ્યવસ્થા પુરી પાડતા આજી ડેમ-૧ અને ન્યારી ડેમ-૧માં સૌની યોજનાના નીર ઠાલવવા મનપા તંત્ર દ્વારા સરકારમાં પત્ર પાઠવવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કે આજીમાં ૬પ૪ એમ.સી. એફ.ટી. નીર ઠાલવવામાં આવ્યું હતું. હવે બીજા તબક્કામાં બન્ને બેઠકોમાં પાણી ઠાલવવા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
આજી ડેમની સપાટી ૨૯ ફૂટ છે અને ડેમમાં ૯૧૭.૮૮ એમસીએફટી પાણી સંગ્રહિત છે. હાલ ડેમની જીવંત જળ સપાટી ૨૬.૪૪ ફૂટ છે અને ડેમમાં ૭૫૪ એમસીએફટી પાણી સંગ્રહિત છે. માર્ચ મહિનાના અંત સુધીમાં ડેમને ૨૮.૮૦ ફૂટ સુધી ભરી દેવામાં આવશે. ૯૦૦ એમસીએફટી પાણી સંગ્રહિત થઇ જશે. જે ૧૦ જૂન સુધી ચાલશે. વચ્ચે જો પાણીની જરૂરિયાત ઉભું થશે તો ફરી સૌની યોજના અંતર્ગત નર્મદાના પાણી ઠાલવવામાં આવશે. હાલ ડેમમાં દૈનિક ૧૮ એમસીએફટી પાણી ઠલવાઇ રહ્યું છે. ન્યારી ડેમની વાત કરવામાં આવે તો ડેમની કુલ સપાટી ૨૫.૧૦ ફૂટની છે અને સંગ્રહશક્તિ ૧૨૪૮.૨૬ એમસીએફટીની છે. સૌની યોજના અંતર્ગત ડેમમાં અત્યાર સુધીમાં ૧૩૮.૦૨ એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું છે. હાલ આજની તારીખે ડેમની જીવંત સપાટી ૨૦.૮૩ ફૂટ છે અને ૮૦૦ એમસીએફટી પાણી ભરેલું છે. ૧૦ એપ્રિલ સુધીમાં ડેમમાં ૧૦૦૦ એમસીએફટી પાણી સંગ્રહિત થઇ જાય તે પ્રકારનું આયોજન છે. ટૂંકમાં શહેરીજનોને ચોમાસા સુધી નિયમિત ૨૦ મિનિટ પાણી મળી રહે તે પ્રકારની ગોઠવણ કરવામાં આવી રહી છે. ભાદર ડેમમાં ૩૦૦૦ એમસીએફટી પાણી છે. જે જુલાઇ માસ સુધી ચાલશે
નેશનલ હાઇવે ઓથોરીટીના એનઓસીના કારણે ભાદરની પાઇપલાઇનનું કામ ઘોંચમાં
પાડાના વાંકે પખાલીને ડામની સ્થિતિ જેવો ઘાટ
રાજકોટ : ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ રોડ ચોકડી અને રિબડાથી ગોમટા ચોકડી એમ કુલ ૪૨ કિ.મી. વિસ્તારમાં નેશનલ હાઇવેની પેરેલલ ભાદર ડેમની હયાત પાઇપલાઇન બદલવા માટે રૂ.૧૨૬.૧૦ કરોડનો ખર્ચ મંજૂર કરી દેવામાં આવ્યો છે. એજન્સીને વર્કઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. પાઇપલાઇન પણ આવી ગઇ છે પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કામ શરૂ કરવા માટે જરૂરી એનઓસી આપવામાં આવતી ન હોવાના કારણે કામ શરૂ થઇ શકયું નથી. ટૂંક સમયમાં એનઓસી મળી રહે તેવી શકયતા અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
(3:58 PM IST)










