તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th March 2026
આજી-ન્યારી છલોછલ છતાં રાજકોટીયનો તરસ્યાઃ ૧૩ દિ'માં ૧૩૯૧ પાણીની ફરીયાદોનો ધોધ : લોક રોષ
મનપામાં વોર્ડવાઇઝ પાણી ચોરી અટકાવવા ચેકીંગની અછત : ઝડપી ઉકેલ ન આવતા નાગરિકોમાં આક્રોશ : ઓછા ફોર્સથી પાણી મળવાની ૮૩૯, પ્રદુષીત પાણી વિતરણ પપર ફરીયાદો મનપાના કોલ સેન્ટરમાં નોંધાઇ : કેટલાક કિસ્સામાં ફરીયાદ ઠેરની ઠેર પણ તે ઉકેલાય ગયાના મેસેજ આવ્યાનો આક્ષેપ

રાજકોટ, તા.,૧૩ : ઉનાળાના આરંભ સાથે જ શહેરમાં પાણી માટે હાહાકાર મચી ગયો છે. તા. ૧ માર્ચથી આજદિન સુધીમાં પાણી સંબંધિત કુલ ૧૩૯૧ ફરિયાદો નોંધાતા શહેરના પાણી વિતરણ પર ગંભીર સવાલો ઊભા થયા છે.
મનપાના કોલ સન્ટરમાં પાણી ન મળવું, ઓછા ફોર્સથી પાણી આવવું, પૂરતું પાણી ન મળવું તેમજ પ્રદૂષિત પાણી મળવું જેવી વિવિધ સમસ્યાઓ અંગે ફરિયાદોના આંકડા પર નજર કરીએ તો ૧ માર્ચથી ૧૩ માર્ચ સુધીમાં બિલકુલ પાણી ન મળવું અથવા અત્યંત ઓછા દબાણથી પાણી મળતું હોવાની ૮૩૯ ફરિયાદો અને પ્રદૂષિત પાણી મળ્યાની ૫૫૨ ફરિયાદો નોંધાઇ હોવાનું જાણવા મળે છે.
વિશેષ વાત એ છે કે શહેરને પાણી પૂરું પાડતા આજી ડેમ અને ન્યારી ડેમ બંને છલોછલ ભરેલા છે અને નર્મદાનું પાણી છોડવાની પ્રક્રિયા પણ ચાલુ છે, છતાં શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકોને પૂરતું પાણી મળતું નથી. વિતરણમાં યોગ્ય મોનિટરિંગના અભાવે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું મનાય છે.
દર વર્ષે ઉનાળામાં થતા પાણીચોરીના કેસોને અટકાવવા વોર્ડવાઇઝ ચેકિંગ શરૂ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે હજુ સુધી ભૂતિયા નળ જોડાણ અથવા ઇલેક્ટ્રિક મોટર વડે ડાયરેક્ટ પમ્પિંગ કરીને થતી પાણીચોરી સામે કોઈ ખાસ કાર્યવાહી શરૂ ન થતા ઓછા ફોર્સથી પાણી મળવાની ફરિયાદો વધતી જાય છે.
શહેરજનોમાં સૌથી વધુ રોષ એ બાબતે જોવા મળે છે કે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી. કોલ સેન્ટર નંબર ૧૫૫૩૦૪, વોટ્સએપ સેવા તથા વેબસાઇટ પર ફરિયાદ નોંધાવ્યા છતાં કામગીરી થતી નથી અને કેટલાક કિસ્સાઓમાં સમસ્યા યથાવત હોવા છતાં ફરિયાદ ઉકેલાઈ ગઈ એવા મેસેજ મળતા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
નાગરિકોનો આક્ષેપ છે કે ઓછા ફોર્સથી પાણી મળવાની ફરિયાદ બાદ સ્થળ તપાસ માટે કોઈ આવતું નથી, જેના કારણે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની તંગીથી લોકો પરેશાન બન્યા છે.
(3:23 PM IST)










