<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

શાપર-વેરાવળ પંથકમાં રાંધણ ગેસના બુકિંગમાં ‘બ્‍લાસ્‍ટ': ૮ ગામોમાં સિલિન્‍ડરની માંગમાં સીધો ડબલ ઉછાળો!

મોંઘવારીના માહોલ વચ્‍ચે ગેસની ભારે ખેંચતાણઃ શાપરના ઔદ્યોગિક બેલ્‍ટમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: એજન્‍સીઓ પર બુકિંગનો મારો

રાજકોટઃ રાજકોટના મહત્‍વના ઔદ્યોગિક કેન્‍દ્ર ગણાતા શાપર-વેરાવળ અને તેની આસપાસના ૮ ગામોમાં અત્‍યારે રાંધણ ગેસના બાટલા માટે ભારે અફરાતફરી જેવો માહોલ સર્જાયો છે. સામાન્‍ય રીતે જે માંગ રહેતી હોય છે તેના કરતા બુકિંગમાં અચાનક બમણો ઉછાળો આવતા વહીવટી તંત્ર અને ગેસ એજન્‍સીઓ પણ ચોંકી ઉઠી છે.

માંગમાં ૧૦૦%નો વધારો થયો છે.  સામાન્‍ય દિવસોની સરખામણીએ બુકિગનો આંકડો સીધો ડબલ થઈ ગયો છે. શાપર-વેરાવળમાં રહેતા હજારો પરપ્રાંતિય શ્રમિકો અને સ્‍થાનિક પરિવારોમાં ગેસની અછતનો ફફડાટ ફેલાઇ ગયો હોવાનું જાણવા મળે છે.

બુકિંગના ભારે ઘોડાપૂરને કારણે ગેસના બાટલા ઘરે પહોંચવામાં અત્‍યારે વેઇટિંગ પિરિયડ વધી રહ્યો છે.

ગેસના બુકિંગમાં આવેલા આ અચાનક ઉછાળા પાછળ કોઈ અફવા છે કે પછી તહેવારોની અસર, તે અંગે હજુ સ્‍પષ્ટતા થઈ નથી. પરંતુ સ્‍થાનિક રહેવાસીઓ અત્‍યારે વહેલી તકે સિલિન્‍ડર મેળવવા દોડધામ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

શાપર, વેરાવળ સહિતના આઠ ગામડાઓમાં રહેતી ગૃહિણીઓ માટે આ ચિંતાનો વિષય બન્‍યો છે. ગેસ એજન્‍સીઓના ફોન રણકી રહ્યા છે અને ઓનલાઇન બુકિંગમાં પણ મોટો વેઇટિંગ લિસ્‍ટ જોવા મળી રહ્યો છે. જો સપ્‍લાય ચેઈન ઝડપથી પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ પંથકમાં ગેસ માટે લાંબી લાઈનો જોવા મળી શકે છે. 

(9:59 AM IST)