News of Thursday, 12th March 2026
ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન અને એસ.ટી અકસ્માતમાં ભીનું સંકેલી લેવાતા આ પ્રશ્ન મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં મુકાયો
હજુએ જો ન્યાયી પગલા નહી ભરાય તો આરટીઆઇનુ શષા ઉગામવા મુસાફર હિતરક્ષક સમિતિની ચીમકી

રાજકોટ તા. ૧૨ : ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, નાગજીભાઈ વિરાણી, જયંતીભાઈ હિરપરા, પ્રતાપભાઈ વાળા, એસ.પી રાજાણીની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે કે રાજકોટ ડેપોની રાજકોટ નાના સગાડીયા રાજકોટ રૂટની બસ ગત તા.૧-૧૨-૨૦૨૫ના ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન સાથે અથડાઇ પડી હતી. અકસ્માતના પગલે નવી નકોર બસમાં ડ્રાઇવર સાઇડનો કલર ઉખડી ગયો હતો. મોટા ઘોબા પડી ગયા હતા. તેમ છતા પોલીસ કેસ કરવાને બદલે કુલડીમાં ગોળ ભાંગી ઢાંક પીછોડો કરી લેવાયો હતો.
જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા તત્કાલીન સમયના એસ.ટીના વિભાગીય નિયામકશ્રીને આધાર પુરાવા સાથે લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હતી. તેમ છતા આજ દિન સુધી કોઈ પણ જાતનો લેખિતમાં પ્રત્યુતર પાઠવવામાં ન આવતા જિલ્લા કલેકટર કચેરી ખાતે દર માસના ચોથા ગુરુવારે યોજાતા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ માર્ચ ૨૦૨૬ માં આ પ્રશ્ન રજૂ કરવામાં આવેલ છે.
મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ આ પ્રશ્નનો જો સંતોષકારક જવાબ નહીં મળે અને તપાસ દિશાહીન બનાવવામાં આવશે છેલ્લે આર.ટી.આઇ. કરીને પણ ન્યાય પગલાની માંગ કરવા અંતમાં એસ.ટી. મુસાફર હિત રક્ષક સમિતિ (૯૪૨૬૨ ૨૯૩૯૬)એ ચીમકી ઉચ્ચારી છે.
(3:43 PM IST)










