<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

રાજકોટના કપચી કાકરીના વેપારી સાથે અમદાવાદી શખ્‍સની ૮૦.૬૦ લાખની ઠગાઇ

શરૂઆતમાં એડવાન્‍સ આપી વિશ્વાસ કેળવ્‍યા બાદ ૨.૩ કરોડનો માલ ખરીદ કરી ૧.૪૩ કરોડ ચુકવ્‍યા બાદ બાકીની રકમ ઓળવી જવાઇઃ નવીનભાઇ ચોવટીયાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૨: શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રહેતા અને વડોદરામાં ભરડીયો ધરાવતાં  વેપારી સાથે રૂપિયા ૮૦ લાખથી વધુની છેતરપિંડી થયાનો મામલો સામે આવ્‍યો છે. અમદાવાદના એક શખ્‍સે શરૂઆતમાં એડવાન્‍સ પેમેન્‍ટ આપી વિશ્વાસ કેળવ્‍યા બાદ લાખો રૂપિયાનો માલ મંગાવી છેલ્લે હાથ ઊંચા કરી દેતા આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ  સાધુ વાસવાણી રોડ પર આઇસીઆઇસીઆઇ બેંક સામે ગાર્ડન સિટી અને હાલ ન્‍યુ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ધ ગ્રાન્‍ડ પેલેસમાં રહેતા નવીનભાઈ મોહનભાઈ ચોવટીયા (ઉ.વ. ૪૨) વડોદરાના વારસડા સેવલીયા ગામે સુખદેવ અર્થ મૂવર્સ નામે પાછલા ૧૦ વર્ષથી ઝીણી કાંકરી-કપચીનો વ્‍યવસાય કરે છે. આ પેઢી તેમની માતા મંજુલાબેનના નામે રજિસ્‍ટર્ડ છે અને તેની મુખ્‍ય ઓફિસ રાજકોટના યુનિવર્સિટી રોડ પર શિવશક્‍તિ કોલોનીમાં આવેલી છે.

વધુ વિગત અનુસાર તા. ૧૫/૦૫/૨૦૨૨ ના રોજ અમદાવાદના બોપલ અને મેમનગર વિસ્‍તારમાં રહેતા અરજણભાઇ ગગુભાઈ ભુતિયા (હેકટા ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર) નવીનભાઈની રાજકોટ સ્‍થિત ઓફિસે આવ્‍યા હતા. તેઓએ વડોદરા ખાતે ચાલતા પોતાના કામ માટે જીએસબી, ડબલ્‍યુએમએમ અને સ્‍ટોન ડસ્‍ટ મટીરીયલની જરૂરિયાત હોવાનું જણાવી વેપારની વાત કરી હતી. વિશ્વાસ જીતવા માટે અરજણભાઇએ શરૂઆતમાં જ ૧૦,૦૦,૦૦૦ એડવાન્‍સ આરટીજીએસથી ટ્રાન્‍સફર કર્યા હતા. એડવાન્‍સ પેમેન્‍ટ મળી જતાં નવીનભાઈએ તા. ૦૫/૦૬/૨૦૨૨થી માલ મોકલવાનું શરૂ કર્યું હતું. લાંબા સમય સુધી ચાલેલા આ વેપારમાં નવીનભાઈની પેઢી દ્વારા કુલ રૂપિયા ૨,૨૩,૬૦,૬૬૨ની કિંમતની ઝીણી કાંકરી અને મટીરીયલ મોકલવામાં આવ્‍યું હતું. જેની સામે અરજણભાઇએ સમયાંતરે કુલ ૧,૪૩,૦૦,૦૦૦ની ચુકવણી કરી હતી.

બાકી નીકળતી રકમ રૂપિયા ૮૦,૬૦,૬૬૨ની ચુકવણી માટે જ્‍યારે ગત તા. ૧૭/૧૦/૨૦૨૪ના રોજ રાજકોટ ઓફિસથી સંપર્ક કરવામાં આવ્‍યો ત્‍યારે અરજણભાઇ ભુતિયાએ રકમ જમા કરાવવાને બદલે ખોટા વાયદાઓ આપવાનું શરૂ કર્યું હતું. અંતે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા નવીનભાઈ ચોવટીયાએ આ અંગે અરજણભાઇ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ વી. ડી. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:13 PM IST)