<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

પ્રજાકીય કાર્યો પ્રથમઃ કોઇ કસર છોડાશે નહીં: રેમ્‍યા મોહન : જુઓ વિડીયો

પાણી, ડ્રેનેજ, સ્‍ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું નિરાકરણ રાબેતા મુજબ જ ચાલશેઃ મનપાના વિવિધ વિભાગોની મૂલાકાત કરીઃ ગાંધીનગર જવા રવાના

સુસ્‍વાગતમઃ રેમ્‍યા મોહને મનપાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્‍યો : રાજકોટઃ કોર્પોરેશનની વર્તમાન ટર્મ ગઇકાલે પૂર્ણ થતા આજે વહીવટદાર તરીકે પૂર્વ કલેકટર રેમ્‍યા મોહને વિધિવત રીતે ચાર્જ સંભાળ્‍યો હતો. આ તકે મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્‍યુટી કમિશનર મહેશ જાની, પથિક પટેલ, ચેતન નંદાણી, હર્ષદ પટેલ સહિતના અધિકારીઓએ તેમને પુષ્‍પગુચ્‍છ આપી આવકાર્યા હતા. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ, તા. ૧રઃ  રાજકોટ મનપાના નવનિયુક્‍ત વહીવટદાર રેમ્‍યા મોહને આજે સવારે ચાર્જ સંભાળ્‍યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતુ કે, પોતાની પ્રાથમિકતાઓ સ્‍પષ્ટ કરી હતી. તેમણે પ્રજાજોગ સંદેશમાં જણાવ્‍યું હતું કે, ચૂંટાયેલી પાંખ (કોર્પોરેટરો)ના અભાવે પ્રજાકીય કામો અટકે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. લોકોની સુવિધાઓને પ્રાધાન્‍ય આપવું એ અમારી પ્રથમ ફરજ છે. પાણી, ગટર, અને સ્‍ટ્રીટ લાઈટ જેવા પાયાના પ્રશ્નોનું નિરાકરણ રાબેતા મુજબ જ ચાલશે અને તેમાં કોઈ મુશ્‍કેલી પડવા દેવામાં આવશે નહીં.

હું મહિનામાં એક દિવસ ચોક્કસપણે અહીં રૂબરૂ ઉપસ્‍થિત રહીશ. જો જરૂર જણાય તો બે વખત પણ મુલાકાત લઈશ જેથી કોઈ પણ કામમાં વિલંબ ન થાય.

મનપામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતા જ સરકાર દ્વારા રેમ્‍યા મોહનની વહીવટદાર તરીકે નિમણુંક કરવામાં આવી છે. જે અંતર્ગત રેમ્‍યા મોહન સવારે ૧૦ વાગ્‍યે સરકીટ હાઉસ ખાતે આવી પહોંચ્‍યા હતા. જ્‍યાં મહાપાલિકા કચેરીના અધિકારીઓ દ્વારા તેમનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ તેઓ ત્‍યાંથી સીધા મનપા કચેરી ખાતે પહોંચ્‍યા હતા. અગાઉ જ્‍યાં મેયર બેસતા હતા તે ચેમ્‍બરમાં જ રેમ્‍યા મોહનને સ્‍થાન આપવામાં આવ્‍યું હોય તેઓ સીધા ત્‍યાં પહોંચ્‍યા હતા. ત્‍યારબાદ તેમણે મ્‍યુ. કમિ‘ર સહિતનાં ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અને શહેરમાં હાલ ચાલતા વિકાસ કામોની જાણકારી મેળવી હતી.

રેમ્‍યા મોહન ગાંધીનગરમાં નગરપાલિકાઓના વહીવટી કમિશનર તરીકે ફરજ બજાવે છે અને તેઓને રાજકોટ મહાનગરપાલિકાના વહિવટદાર તરીકે વધારાનો ચાર્જ સુપરત કરવામાં આવ્‍યો છે. તેઓએ સપ્‍ટેમ્‍બર ૨૦૧૯થી રાજકોટના ૪૯માં કલેક્‍ટર તરીકે સેવા આપી હતી. ગુજરાત અર્બન ડેવલપમેન્‍ટ મિશન (GUDM)ના મેનેજિંગ ડાયરેક્‍ટર તરીકે પણ સંકળાયેલા છે.

રેમ્‍યા મોહને જણાવ્‍યું હતું કે, આજથી મેં મારો ચાર્જ સંભાળી લીધો છે. આગામી સમયમાં જનતાના હિતને લક્ષમાં રાખીને તમામ જરૂરી નિર્ણયો લેવામાં આવશે. રાજકોટની જનતાને હાલાકી પડે નહીં તે માટે તંત્ર સંપૂર્ણ સહયોગ સાથે કામગીરી કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્‍યક્‍ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, હાલના તબક્કે શોર્ટ ટર્મમાં જે સ્‍ટોપગેપ એરેન્‍જમેન્‍ટ તરીકે કામો કરવાના હોય તે બાબતે તમામ વિભાગો સાથે ચર્ચા કરીને નિર્ણયો લેવામાં આવશે. કોઈ ચોક્કસ કામ અંગે અત્‍યારે ટિપ્‍પણી કરવી યોગ્‍ય નથી, પરંતુ પ્રાથમિકતાના ધોરણે કામગીરી આગળ વધારવામાં આવશે. તેમજ જનતાને પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, રોડ-રસ્‍તા અને સફાઈ જેવી બાબતોમાં કોઈ અસુવિધા ન થાય તેનું ખાસ ધ્‍યાન રાખવામાં આવશે. શહેરી વિકાસ વિભાગમાં કાર્યરત હોવાથી તેઓ રાજકોટની ભૌગોલિક પરિસ્‍થિતિથી વાકેફ છે. મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે અને આગામી સમયમાં પણ પ્રજાલક્ષી કાર્યોને વેગ આપવામાં આવશે.

 

(3:12 PM IST)