તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
ઉદ્યોગો પર ‘ગેસ સંકટ'ની તલવાર... શું શાપર-વેરાવળમાં આવશે આર્થિક ભૂકંપ?
સૌરાષ્ટ્રના આર્થિક હબ ગણાતા રાજકોટના શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં હાલ ગંભીર પરિસ્થિતિઃ ગેસ સપ્લાયમાં અચાનક કરવામાં આવેલા કાપને કારણે અંદાજે ૬૦૦ જેટલા ગેસ આધારિત ઉદ્યોગોના અસ્તિત્વ પર ખતરો : કાસ્ટિંગ અને ફોજિઁગ જેવા મહત્વના એકમોમાં ઉત્પાદન ઠપ્પ થવાની આરે : ગેસ સપ્લાયમાં ઘટાડો થતાં આ ઉદ્યોગોમાં ઉત્પાદન ધીમું પડી રહ્યું છે અને ઘણા યુનિટોમાં કામકાજ પ્રભાવિત

રાજકોટ તા.૧૨: રાજકોટના શાપર-વેરાવળ ઉદ્યોગ વિસ્તારમાં ગેસ સપ્લાયમાં કાપને કારણે ઉદ્યોગકારોમાં ચિતા ફેલાઈ છે. ઉદ્યોગમાં ગેસના ઘટાડાથી અનેક યુનિટો પર સીધી અસર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આજે શાપર-વેરાવળના ઉદ્યોગકારોનું પ્રતિનિધિ મંડળ સરકાર સમક્ષ રજૂઆત કરવા જઈ રહ્યું છે. જો સરકાર તરફથી યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉદ્યોગકારો શટડાઉન જેવી સ્થિતિમાં જવા મજબૂર બનશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમ ન્યૂઝ ૧૮નો એક અહેવાલ જણાવે છે.
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ઉદ્યોગ વિસ્તારને સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીં અંદાજે ૨૦૦૦થી વધુ ઉદ્યોગ યુનિટ કાર્યરત છે, જેમાંથી લગભગ ૬૦૦ જેટલા યુનિટ ગેસ પર આધારિત છે. તાજેતરમાં ગેસ સપ્લાયમાં થયેલા કાપને કારણે અનેક ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે અને તેની સીધી અસર ઉત્પાદન પ્રક્રિયા પર પડી રહી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે ગેસનો ઉપયોગ ખાસ કરીને કાસ્ટિંગ, ફોર્જિગ અને હીટ ટ્રિટમેન્ટ જેવા ઉદ્યોગોમાં વધુ પ્રમાણમાં થાય છે. આ ઉદ્યોગોમાં ગેસ વિના ઉત્પાદન પ્રક્રિયા ચલાવવી ખૂબ મુશ્કેલ બને છે. ગેસ સપ્લાયમાં ઘટાડો થતાં આ ઉદ્યોગોમાં ઉત્પાદન ધીમું પડી રહ્યું છે અને ઘણા યુનિટોમાં કામકાજ પ્રભાવિત થયું છે. તેમ ન્યૂઝ ૧૮ જણાવે છે.
ઉદ્યોગકારો માટે આ સમય વધુ મહત્વપૂર્ણ છે કારણ કે માર્ચ મહિનાના અંત સાથે અનેક ઓર્ડરો પૂર્ણ કરવાની સમયમર્યાદા નજીક આવી રહી છે. ઘણા ઉદ્યોગકારોએ અગાઉથી ઓર્ડર સ્વીકારેલા હોય છે અને તેમને સમયસર પૂરા કરવાની જવાબદારી હોય છે. પરંતુ ગેસ સપ્લાયમાં અચાનક ઘટાડો થતાં ઉત્પાદન પ્રક્રિયામાં વિક્ષેપ આવ્યો છે અને જેના કારણે ઉદ્યોગકારોને મોટો આર્થિક ફટકો પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાપર-વેરાવળના ઉદ્યોગકારોનું પ્રતિનિધિ મંડળ સરકાર સમક્ષ રજૂઆત કરવા જઈ રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળ ધારાસભ્ય રમેશ ટીલાળાની આગેવાનીમાં રજૂઆત કરશે. ઉદ્યોગકારો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રી ઋષિકેશ પટેલ સાથે મુલાકાત કરી સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા કરશે.
ઉદ્યોગકારો દ્વારા અલગ અલગ માંગ સાથે રજૂઆત કરવામાં આવશે. હાલમાં ઉદ્યોગોને ૫૦ ટકા જેટલો ગેસ વાપરવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ ઉદ્યોગકારોની માંગ છે કે છેલ્લા એક મહિનાની સરેરાશને બદલે છેલ્લા ૧૨ મહિનાની સરેરાશ મુજબ ગેસ વાપરવાની છૂટ આપવામાં આવે જેથી ઉત્પાદન પર ઓછો પ્રભાવ પડે. ઉપરાંત ૫૦ ટકા કરતાં વધુ ગેસ વપરાશ પર ત્રણ ગણો વધારે ભાવ વસૂલવાની વાત ચાલી રહી છે, તેમાં પણ રાહત આપવામાં આવે તેવી માંગ ઉદ્યોગકારો કરી રહ્યા છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે શાપર-વેરાવળ વિસ્તારના ઘણા ઉદ્યોગો ડિફેન્સ ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છે. આવા ઉદ્યોગોમાં ઉત્પાદન અટકશે તો તેની અસર અન્ય મહત્વપૂર્ણ સપ્લાય ચેન પર પણ પડી શકે છે. તેથી સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે તેવી માંગ ઉદ્યોગકારો કરી રહ્યા છે.
બીજી તરફ સમગ્ર પરિસ્થિતિને લઈને રાજકોટ પુરવઠા વિભાગ પણ સક્રિય બન્યો છે. નાયબ કલેક્ટર પુરવઠા એ.એસ. ઝાંપડાએ પેટ્રોલ, ડીઝલ અને ગેસની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાનગી અને સરકારી એજન્સીઓના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. એ.એસ. ઝાંપડાએ જણાવ્યું હતું કે હાલ કોઈએ પેનિક થવાની જરૂર નથી. રાજકોટ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાત ગેસ દ્વારા પાઇપલાઇન મારફતે ગેસની સપ્લાય પણ ચાલુ રાખવામાં આવી રહી છે. કોમર્શિયલ ગેસના બાટલાને લઈને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે રાંધણ ગેસના બાટલાને લઈને સરકારે ૨૫ દિવસનો સમય નક્કી કર્યો છે.
પુરવઠા અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવાની અને અનાવશ્યક ચિતા ન કરવાની પણ અપીલ કરી છે. તેમનું કહેવું છે કે રાજકોટ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. તેમ છતાં ઉદ્યોગ ક્ષેત્રમાં ગેસ સપ્લાયમાં કાપને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને લઈને ઉદ્યોગકારોમાં ચિતા યથાવત જોવા મળી રહી છે. હવે સરકાર તરફથી શું નિર્ણય લેવામાં આવે છે અને ઉદ્યોગકારોની માંગ પર કેવી કાર્યવાહી થાય છે તેના પર રાજકોટના ઉદ્યોગ ક્ષેત્રની નજર ટકેલી.
(10:59 AM IST)










