તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
રાજકોટ ‘હોટ સિટી' બન્યું: બપોરે પારો ૪૧.૮ ડિગ્રી : આજે સીઝનનું સૌથી ઊંચું તાપમાન નોંધાવાની શકયતા
સૂર્યનારાયણ આકરા પાણીએઃ બપોરે ૨:૩૦ વાગ્યે કાળઝાળ ગરમીથી રાજમાર્ગો ઉપર ચહલપહલ ઓછી, અંગદઝાડતી લૂએ જનજીવન બાનમાં લીધું

રાજકોટ, તા. ૧૧ : રંગિલા રાજકોટમાં ઉનાળાએ સત્તાવાર રીતે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આજે બપોરે ૨:૩૦ વાગ્યાના સુમારે શહેરનું મહત્તમ તાપમાન ૪૧.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા રાજકોટવાસીઓ ગરમીમાં શેકાયા હતા. હવામાન વિભાગના વર્તારા મુજબ, સાંજ સુધીમાં આ આંકડો હજુ વધશે અને આજે ચાલુ સીઝનનું સૌથી ઊંચું તાપમાન નોંધાઈને નવો રેકોર્ડ સર્જાશે તેવી પ્રબળ શકયતા છે.
આજે સવારથી જ આકરા તડકાએ પોતાનો મિજાજ બતાવવાનું શરૂ કર્યું હતું. બપોરે ૧૨ વાગ્યા પછી સૂર્યદેવે અગનગોળા વરસાવવાનું શરૂ કરતા શહેરના વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ અને રેસકોર્સ જેવા વિસ્તારોમાં ટ્રાફિક નહિવત જોવા મળ્યો હતો. ગરમ પવનોને કારણે ટુ-વ્હીલર ચાલકોની હાલત કફોડી બની હતી. લોકોએ ગરમીથી બચવા મોઢે રૂમાલ, હેલ્મેટ અને ચશ્માનો સહારો લેવો પડ્યો હતો.
ગરમીના કહેર વચ્ચે રાજકોટના બજારોમાં શેરડીના રસ, લીંબુ શરબત અને બરફના ગોળાની લારીઓ પર ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાં અને છાશનો આશરો લઈ રહ્યા છે. બપોરના સમયે મોટાભાગના વેપારીઓએ દુકાનોના શટર અડધા નમાવી દીધા હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ આગામી બે દિવસ સુધી તાપમાન ઊંચું રહેવાની સંભાવના છે. પવનની ગતિ અને ભેજનું પ્રમાણ ઘટતા ગરમીમાં વધારો થયો છે. સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી રહ્યો છે, પરંતુ રાજકોટ આજે સૌથી વધુ ગરમ શહેર તરીકે ઉભરી આવ્યું છે.
(3:45 PM IST)










