તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
મનપાનો મિલ્કત-પાણી વેરો ભરવાનો બાકી છે ? રજાઓમાં પણ ઓફીસો ખુલ્લી રહેશે
તંત્ર દ્વારા પ્રોપર્ટી-વોટર ટેકસ માટે વિશેષ આયોજન : તમામ વોર્ડ ઓફીસ, ઝોન કચેરીઓ, સવારે ૯:૩૦ થી સાંજે પ વાગ્યા સુધી કાર્યરત : વ્યાજમાં માફી યોજનાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ

રાજકોટ, તા. ૧૧ : રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના આવક લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તે મુજબ તા. ૧૫ જાન્યુઆરી થી તા. ૩૧ માર્ચ દરમિયાન જાહેર રજાના તમામ દિવસોમાં પણ વેરા વસુલાત શાખા, અસેસમેન્ટ સેલ તેમજ રીકવરી સેલની કામગીરી નિયમિત રીતે ચાલુ રાખવામાં આવી છે, જેથી નાગરિકોને વેરા ભરવામાં કોઈ અસુવિધા ન થાય અને તેઓ સરળતાથી પોતાની બાકી રકમ ભરપાઈ કરી શકે.
મહાનગરપાલિકા દ્વારા હાલમાં તા. ૩૧ માર્ચ સુધી મિલકતવેરા અને પાણી વેરા પર વ્યાજ માફી સ્કીમ અમલમાં રાખવામાં આવી છે. આ સ્કીમ અંતર્ગત નાગરિકો પોતાની બાકી રહેલ મિલકતવેરા અને પાણી વેરાની રકમ ભરી વ્યાજમાંથી રાહત મેળવી શકે છે.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ સુવર્ણ તકનો લાભ લઈ સમયસર વેરો ભરવા અને શહેરના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવે છે.
તા. ૧૨ માર્ચ થી તા. ૨૫ માર્ચ સુધી
આ સમયગાળા દરમિયાન તમામ દિવસોમાં, જેમાં બીજા અને ચોથા શનિવાર, રવિવાર તેમજ તહેવારોની જાહેર રજાઓનો સમાવેશ થાય છે, શહેરની તમામ વોર્ડ ઓફિસ, તમામ સિવિક સેન્ટર અને તમામ ઝોનલ કચેરીઓ ખાતે મિલકતવેરા અને પાણી વેરાની વસુલાત સવારે ૯:૩૦ કલાકથી સાંજે ૫:૦૦ કલાક સુધી ચાલુ રાખવામાં આવશે.
તા. ૨૬ માર્ચ થી તા. ૩૧માર્ચ સુધી
નાણાકીય વર્ષ પૂર્ણ થવાને કારણે અંતિમ દિવસોમાં વધતા વેરા ભરવાના ધસારાને ધ્યાનમાં રાખીને આ સમયગાળા દરમિયાન પણ તમામ દિવસોમાં (બીજા અને ચોથા શનિવાર, રવિવાર તથા તહેવારોની જાહેર રજાઓ સહિત) શહેરની તમામ વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર અને ઝોનલ કચેરીઓ ખાતે મિલકતવેરા અને પાણી વેરાની વસુલાત સવારે ૯:૩૦ કલાકથી સાંજે ૬:૧૦ કલાક સુધી ચાલુ રાખવામાં આવશે
(3:23 PM IST)










