<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

કાલાવડના શીશાંગ પાસે બાઇક સ્‍લીપ થતાં ધોરણ-૯ના છાત્ર સૂર્યદિપસિંહ જાડેજાનું મૃત્‍યુઃ શિક્ષકને ઇજા

રાતે સૂર્યદિપસિંહના કાકાના લગ્ન હોઇ શિક્ષકે પણ હાજરી આપી હતીઃ સવારે પરિક્ષાનું પેપર હોવાથી શિક્ષક સૂર્યદિપસિંહને સ્‍કૂલ ખાતે લઇ જતાં હતાં ત્‍યારે બનાવઃ એક તરફ લગ્નની ખુશી, બીજી તરફ લાડકવાયાના મૃત્‍યુથી મોટા વડાળાના જાડેજા પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૦: કાલાવડના શીશાંગ ગામ નજીક બાઇક સ્‍લીપ થતાં કાલાવડના મોટા વડાળાના ધોરણ-૯ના વિદ્યાર્થીનું મોત થયું છે. જ્‍યારે બાઇક ચાલક તેના શિક્ષકનો ઇજા સાથે બચાવ થયો છે. મૃતક વિદ્યાર્થીના કાકાના લગ્ન હોઇ તેમાં હાજરી આપ્‍યા બાદ શિક્ષક આજે પરિક્ષાનું પેપર હોવાથી છાત્રને લઇને સ્‍કૂલે જવા નીકળ્‍યા ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. ગંભીર ઇજાગ્રસ્‍ત છાત્રને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ શીશાગ ગામથી કાલાવડ જવાના રસ્‍તે બાઇક સ્‍લીપ થતાં બાઇકચાલક શિક્ષક રાજેન્‍દ્રભાઇ સોનાગરા (ઉ.વ.૩૫) અને પાછળ બેઠેલા ધોરણ-૯ના વિદ્યાર્થી મોટા વડાળાના સૂર્યદિપસિંહ કુલદીપસિંહ જાડેજા (ઉ.વ.૧૬)ને ઇજાઓ થઇ હતી. જેમાં શિક્ષકને પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્‍યારે સૂર્યદિપસિંહને ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કાલાવડ પોલીસને જાણ કરી હતી.

વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામના સૂર્યદિપસિંહ જાડેજા બે ભાઇમાં મોટો હતો અને ધોરણ-૯માં કાલાવડ ખાતે અંગ્રેજી માધ્‍યમ સ્‍કૂલમાં ભણતો હતો. ગઇકાલે તેના કાકાના લગ્ન હોઇ તેમાં હાજરી આપવા માટે શિક્ષક રાતે મોટા વડાળા ગામે આવ્‍યા હતાં. આજે સવારે શિક્ષક વિદ્યાર્થી સૂર્યદિપસિંહને બાઇકમાં બેસાડી પરત સ્‍કૂલ ખાતે જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. એક તરફ જાડેજા પરિવારમાં લગ્નનો પ્રસંગ અને બીજી તરફ સોળ વર્ષના દિકરાના આકસ્‍મીક મૃત્‍યુની ઘટનાને પગલે અરેરાટી વ્‍યાપી ગઇ છે. આજે સવારે પરિક્ષા હોવાથી શિક્ષક સૂર્યદિપસિંહને સ્‍કૂલ ખાતે લઇ જવા નીકળ્‍યા હતાં. ત્‍યારે રસ્‍તામાં આ ઘટના બની હતી

(3:18 PM IST)