<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

શાપરમાં વૃધ્‍ધાએ વૃધ્‍ધ પતિની ૨૧ વર્ષિય પરિચીત યુવતિની આંખમાં ચટણી છાંટી ધોલધપાટ કરી

૬૦ વર્ષિય વિનુભાઇ પરમારનો પરિચય ચારેક મહિના પહેલા ૨૧ વર્ષની યુવતિ સાથે થતાં તેણીને ઇન્‍ટરવ્‍યુ આપવા જવામાં મદદ કરી હતીઃ ગઇકાલે વિનુભાઇ તેણીને પોતાના ઘરે જમવા લઇ જતાં વિનુભાઇને દહીં લેવા મોકલ્‍યા બાદ તેના પત્‍નિ-પુત્રીએ શંકા કરી ઢીકાપાટુ-પાઇપનો માર માર્યો

રાજકોટ તા. ૧૦: શાપરના પારડી ગામે રહેતી ૨૧ વર્ષની યુવતિ પોતાના પરિચીત એવા શાપરના ૬૦ વર્ષિય વૃધ્‍ધ સાથે તેના ઘરે જમવા માટે ગઇ ત્‍યારે આ વૃધ્‍ધના પત્‍નિ, પુત્રીએ શંકા કરી વૃધ્‍ધને દહીં લેવાના બહાને બહાર મોકલી દીધા બાદ આ યુવતિ સાથે ઝઘડો કરી તેની આંખમાં ચટણી છાંટી ઢીકાપાટુ અને પાઇપથી માર મારતાં સારવાર માટે દાખલ કરવામાં આવી  છે. માર મારી માથે જતાં ધમકી પણ દીધી હતી. જાણવા મળ્‍યા મુજબ પારડી ગામે રહેતી ૨૧ વર્ષની યુવતિને ગઇકાલે બપોરે દોઢેક વાગ્‍યે તેણી શાપરમાં વિનુભાઇ પરમાર નામના વૃધ્‍ધ સાથે તેમના ઘરે જમવા માટે ગઇ ત્‍યારે વિનુભાઇના દિકરી સાક્ષીબેન અને વિનભાઇના પત્‍નિએ મળી આ યુવતિની આંખમાં મરચાની ભુકી છાંટી બાદમાં બેફામ માર મારતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

યુવતિ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજી છે. તેના પિતા છુટક કામ કરે છે. યુવતિના માતાએ જણાવ્‍યું હતું કે મારી દિકરી હાલ કંપનીમાં નોકરી કરે છે. ચારેક મહિના પહેલા તે ગોંડલ ચોકડીએ કંપનીમાં ઇન્‍ટરવ્‍યુ આપવા માટે ગઇ ત્‍યારે ૬૦ વર્ષના વિનુભાઇ પરમાર કે જે શાપર રહે છે તેની મુલાકાત થઇ હતી અને તેમણે મારી દિકરીને નોકરી અપાવવામાં, ઇન્‍ટરવ્‍યુમાં મદદ કરી હતી. આ પછી અવાર-નવાર તે મારી દિકરીને મળતાં ત્‍યારે સામાન્‍ય વાતચીત કરતાં હતાં. ગઇકાલે આ વૃધ્‍ધ મારી દિકરીને તેમના ઘરે જમવા લઇ ગયા હતાં.

એ દરમિયાન વૃધ્‍ધ વિનુભાઇને તેના પત્‍નિ-પુત્રીએ દહીં લેવા મોકલી દીધા બાદ પાછળથી મારી દિકરી પર ખોટી શંકા કરી ઝઘડો કરી તેણીની આંખમાં મરચાની ભુકી છાંટી દઇ મારકુટ કરી હતી. ત્‍યાં વિનુભાઇ દહીં લઇને આવી જતાં તેણે મારી દિકરીને વધુ મારથી છોડાવી હતી. બાદમાં અમને જાણ થતાં દિકરીને અમે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી હતી.  તેમ વધુમાં યુવતિના માતાએ જણાવતાં શાપર પોલીસે તપાસ હાથ ધરી છે. યુવતિ હાલ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે.

(12:00 PM IST)