તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
ઇન્સ્ટાગ્રામથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું: પ્રતિક મકવાણા ઝડપાયો
વેલેન્ટાઇન ડેના દિવસે સ્કુલ પાસેથી ભગાડી ગયો'તોઃ AHTU પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ અને ટીમે આરોપીને પકડયોઃ પોકસો હેઠળ કાર્યવાહી

રાજકોટ તા.૧૦: વેલેન્ટાઇનના દિવસે ધોરણ ૧૦માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરનાર આરોપીને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે અમદાવાદથી ઝડપી પાડયો હતો. આરોપીએ તરૂણી પર દુષ્કર્મ આચર્યાનું ખૂલતા પોકસો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કરી તપાસ હાથધરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે શહેરના એક વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની તરૂણી વેલેન્ટાઇન ડેના શાળાએ ગયા બાદ ઘરે પરત ફરી ન હતી. પરિવારજનોએ શોધખોળ કર્યા પછી પણ પતો ન લાગતા પોલીસને જાણ કરી અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. દરમ્યાન એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટમાં એએસઆઇ અજયકુમાર શુકલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ હરસુખભાઇ ડી. વાછાણી, જીજ્ઞેશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઇ બાલઘાએ તરૂણી અમદાવાદ હોવાની જાણ થઇ હતી. જેથી હ્યુમન રિસોર્સના આધારે તપાસ કરતા તરૂણીનું અપહરણ કરનાર આરોપી પ્રતિક મકવાણા (ઉ.વ.૧૯) મળી આવ્યો હતો. જેની ધરપકડ કરી માલવિયાનગર પોલીસને સોંપ્યો હતો.
આરોપીની પૂછપરછમાં તરૂણી સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોવાનું સામે આવ્યુ હતું. જે પછી વેલેન્ટાઇનના દિવસે આરોપી તરૂણીનું સ્કુલ પાસેથી અપહરણ કરી અમદાવાદ લઇ ગયો હતો. જયાં એક રૂમ ભાડે રાખી બંને સાથે રહેતા હતા. તપાસમાં આરોપીએ તરૂણી પર દુષ્કર્મ આચાર્યાનું ખૂલતા પોકસો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કર્યા હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર ભાર્ગવસિંહ એમ. ઝણકાટ, બી.વી. ચુડાસમા, અજયકુમાર શુકલા, જીજ્ઞેશભાઇ મારૂ, હરસુખભાઇ વાછાણી, હસમુખભાઇ બાલઘા, મહેશ ગણેશપ્રસાદ, મહિલા લોકરક્ષક જયોતિબેન બાબરીયા, સુર્યકાંતભાઇ સહિતનાઓ સામેલ હતા
(11:58 AM IST)










