<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના અઢી વર્ષનો કાર્યકાળ : સંખ્‍યાબંધ વિકાસ કાર્યો

રાજકોટ : મહાનગરપાલિકા (આરએમસી)ના સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીન ઠાકરના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન મનપા દ્વારા કુલ રૂ.૪૪૧૪.૧૦ કરોડના વિકાસ અને પ્રાથમિક સુવિધાના કામો મંજૂર કરવામાં આવ્‍યા છે. ૪૮ બેઠકોમાં લેવાયેલા આ નિર્ણયોમાં દૈનિક સરેરાશ રૂ. ૪.૮૪ કરોડના કામોને બહાલી અપાઈ છે. આ ઉપરાંત, આંતરમાળખાકીય સુવિધાઓ માટે રાજ્‍ય સરકાર તરફથી રૂ.૧૦૯૨ કરોડની ગ્રાન્‍ટ ફાળવવામાં આવી હોવાનું તેમની લેખિત યાદીમાં જણાવ્‍યું છે. તેઓશ્રીએ મોકલેલ લેખિત વિગતો મુજબ...

મુખ્‍ય વિકાસ કાર્યો અને બજેટ ફાળવણી

* ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર : રસ્‍તાના કામો પાછળ રૂ.૧૧૧૧.૭૧ કરોડ, વોટર વર્ક્‍સ માટે રૂ.૭૦૦.૧૭ કરોડ, ડ્રેનેજ પ્રોજેક્‍ટ્‍સ માટે રૂ.૨૯૫.૫૮ કરોડ અને બ્રિજના કામો માટે રૂ.૩૬૧.૧૨ કરોડ મંજૂર કરાયા. કાલાવડ રોડ પરના મલ્‍ટિલેવલ બ્રિજનું નામ ‘શ્રી રામ બ્રિજ' રખાયું અને ૧૫૦ ફૂટ રિગ રોડ પર આઇકોનિક બ્રિજનું નિર્માણ હાથ ધરાયું.

* વહીવટી અને ઝોનલ માળખું : નવા ‘સાઉથ ઝોન'ની રચના કરવામાં આવી. તમામ વોર્ડમાં નવી વોર્ડ ઓફિસ, આરોગ્‍ય કેન્‍દ્ર, આધાર કેન્‍દ્ર, આંગણવાડી, કોમ્‍યુનિટી હોલ અને ૧૭ વોર્ડમાં ફાયર સ્‍ટેશનનું આયોજન કરાયું.

* પર્યાવરણ અને જાહેર સ્‍થળો : શહેરમાં નવા ૧૭ બગીચા બનાવવામાં આવ્‍યા અને ૧૩.૭૮ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું. અટલ સરોવર-સ્‍માર્ટ સિટી પ્રોજેક્‍ટનું લોકાર્પણ અને કાલાવડ રોડ પર ઓક્‍સિજન પાર્કનું આયોજન.

* નાગરિક સુવિધાઓ : સિનિયર સિટિઝન, દિવ્‍યાંગો અને થેલેસેમિયા/ડાયાબિટીસના દર્દીઓ માટે સિટી બસ/BRTSમાં મફત મુસાફરીના ૫૦,૨૩૨ પાસ ઇશ્‍યૂ કરાયા. ૭ નવા વિદ્યાર્થી વાંચનાલયો શરૂ કરાયા. ૮૦૦૦ જેટલા જન્‍મ-મરણના પ્રમાણપત્રો (પ્રથમ પાંચ નકલ) વિનામૂલ્‍યે અપાયા.

* વેરા વસૂલાત અને આરોગ્‍ય : મિલકત વેરાના ચડત વ્‍યાજ માફી/ડિસ્‍કાઉન્‍ટ યોજના હેઠળ ૧૭,૫૦૦ કરદાતાઓ પાસેથી રૂ.૨૯ કરોડથી વધુની વસૂલાત થઈ. શહેરની વિવિધ સાર્વજાનિક હોસ્‍પિટલોને અપાતી વાર્ષિક ગ્રાન્‍ટ વધારીને કુલ રૂ.૧.૬૧ કરોડ કરવામાં આવી.

જયમીન ઠાકરના કાર્યકાળ

દરમિયાન સર્જાયેલા મુખ્‍ય વિવાદો

જયમીન ઠાકરનો આ અઢી વર્ષનો કાર્યકાળ માત્ર વિકાસ કામો પૂરતો સીમિત રહ્યો નથી. વિવિધ ન્‍યૂઝ ચેનલો અને અખબારો (જેવા કે સંદેશ, વીટીવી, ટીવી૯, ગુજરાત સમાચાર, ગુજરાત ફર્સ્‍ટ)ના ડિજિટલ પ્‍લેટફોર્મ પર પ્રસિદ્ધ થયેલા અહેવાલો મુજબ, તેમનો કાર્યકાળ અત્‍યંત વિવાદાસ્‍પદ પણ રહ્યો છે.

* સાંસદ રામભાઈ મોકરિયા સાથે શાબ્‍દિક ટપાટપી (નવેમ્‍બર ૨૦૨૩) : વોર્ડ નંબર ૩ માં યોજાયેલી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા'ના કાર્યક્રમમાં રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને જયમીન ઠાકર વચ્‍ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. સાંસદે મનપામાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર અને કૌભાંડો અંગે નિવેદન આપતા આ વિવાદ વકર્યો હતો.

* ગેમ ઝોન અગ્નિકાંડમાં મૌન અને નિવેદન (મે ૨૦૨૪) : રાજકોટના ગોઝારા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ભાજપના નેતાઓએ પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી હતી, જેમાં મનપાની બેદરકારી અંગેના મીડિયાના સવાલોના જવાબ આપવામાં નેતાઓને ફાંફાં પડ્‍યા હતા. આ મામલે જયમીન ઠાકરે વિવાદાસ્‍પદ નિવેદન આપ્‍યું હતું કે જો આ કાંડમાં તેમનું નામ આવશે કે પાર્ટી કહેશે તો જ તેઓ રાજીનામું આપશે, બાકી સ્‍વૈચ્‍છિક રાજીનામું આપી શકાય નહીં.

* સિનિયર કોર્પોરેટર નેહલ શુક્‍લ સાથે ઘર્ષણ (જાન્‍યુઆરી ૨૦૨૫ / ફેબ્રુઆરી ૨૦૨૬) : સંકલન સમિતિની બેઠકમાં ચેરમેન મનમાની કરતા હોવાના અને કોર્પોરેટરોના કામો ન થતા હોવાના મુદ્દે સિનિયર નેતા નેહલ શુક્‍લ અને જયમીન ઠાકર વચ્‍ચે ભારે ઉગ્ર શાબ્‍દિક બોલાચાલી થઈ હતી. તાજેતરમાં નેહલ શુક્‍લને જનરલ બોર્ડમાં ગેરહાજરી બદલ બરતરફ કરવાની નોટિસ અપાતા પણ જૂથવાદ સપાટી પર આવ્‍યો હતો.

* મેયર નયનાબેને પોતાના  કુંભમેળાના ઊભા કરાયેલા  વિવાદના સર્જન માટે સીધા જ જૈમીનભાઈને દોષિત ઠરાવેલ. અને ઉપર સુધી રજૂઆત કરેલ. આ બાબતે ભારે મોટો વિવાદ સર્જાયેલ..

* મધરાતે પીજીવીસીએલ કચેરીએ હલ્‍લાબોલ (મે ૨૦૨૫) : વોર્ડ નંબર ૨ માં રાત્રે વારંવાર લાઈટ જવાના પ્રશ્ને ચેરમેન ઠાકરે મધરાતે ૧ વાગ્‍યે પીજીવીસીએલ કચેરીએ પહોંચીને અધિકારીઓને બોલાવી ઉધડો લીધો હતો, જેની કામગીરીની પદ્ધતિ અંગે ભારે ચર્ચા જાગી હતી.

* મેયરના પતિના ગેરકાયદે બાંધકામનો મુદ્દો (ફેબ્રુઆરી ૨૦૨૬) : મેયર નયનાબેન પેઢડિયાના પતિ દ્વારા સંત કબીર રોડ પર સૂચિત પ્‍લોટમાં થઈ રહેલા કોમર્શિયલ બાંધકામના વિવાદમાં શાસક પક્ષના બે ફાંટા સામે આવ્‍યા હતા.

એક તરફ મેયરે બાંધકામને યોગ્‍ય ઠેરવ્‍યું હતું, જ્‍યારે જયમીન ઠાકરે જાહેરમાં સ્‍વીકાર્યું હતું કે સૂચિત પ્‍લોટમાં બાંધકામની મંજૂરી ન મળી શકે અને તે ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવશે.

એકંદરે તેમનો કાર્યકાળ અનેકવિધ વિકાસના તેમના કહેવા મુજબના કાર્યો અને અખબારોમાં પ્રસિધ્‍ધ થયેલ અનેક વિવાદોથી ભરપૂર રહ્યો છે..

આવતીકાલે કોર્પોરેશનની વર્તમાન બોડીનો છેલ્‍લો દિવસ છે ત્‍યારબાદ તમામ કોર્પોરેટરો પદાધિકારીઓ ભૂતપૂર્વ બની જશે. 

 

(3:57 PM IST)