તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Monday, 9th March 2026
રાજકોટ રેન્જના નવનિયુકત આઇજીપી નિર્લિપ્ત રાય ચાર્જ સંભાળતાની સાથે જ એકશનમાં : મિટીંગોનો દોર
સ્ટેટ મોનીટરીંગ સેલમાં ફરજકાળ દરમિયાન અબજોનો દારૂ પકડી બુટલેગરોમાં ફફડાટ મચાવનાર : બપોરે ચાર્જ સંભાળી પાંચેય જીલ્લાના પોલીસ વડા સાથે મિટીંગ યોજી : બાદમાં ડીવાયએસપી તથા પોલીસ ઇન્સ્પેકટરો સાથે મિટીંગ : મોડી સાંજે ગોંડલની મુલાકાત લ્યે તેવી શકયતા

તસ્વીરમાં સર્કિટ હાઉસ ખાતે નવનિયુકત રેન્જ આઇજીપી નિર્લિપ્ત રાયનું સ્વાગત કરતા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તથા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ગોંડલીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ૯: તાજેતરમાં રાજય સરકાર દ્વારા આઇપીએસ અધિકારીઓની કરાયેલ સામુહિક બદલીમાં રાજયમાં કડક અધિકારીની છાપ ધરાવતા અને રાજકોટ રેન્જમાં નિમણુંક પામેલ આઇજીપી નિર્લિપ્ત રાયએ બપોરે ચાર્જ સંભાળતાની સાથે જ એકશનમાં આવી રાજકોટ રેન્જના જીલ્લા પોલીસ વડા તથા પોલીસ અધિકારીઓ સાથે મીટીંગનો દોર શરૂ કર્યો છે.
મૂળ ઉતરપ્રદેશના અને ર૦૧૦ ની બેંચના આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રાય પોલીસ સેવામાં જોડાયા પહેલા ઇન્ડીયન રેવન્યુ સર્વિસમાં અધિકારી હતા. એ પહેલા તેઓ દિલ્હીની યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હતા. આઇપીએસ અધિકારી તરીકે પોલીસ વિભાગમાં જોડાયા પછી તેઓની પ્રથમ નિમણુંક હિંમતનગરમાં થઇ હતી. ત્યાર બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આસી. પોલીસ કમિશ્નર તરીકે મુકવામાં આવ્યા હતા. ત્યાંથી બઢતી મેળવીને તેઓ નાયબ પોલીસ અધિક્ષક તરીકે અમદાવાદમાં અને ત્યાર બાદ અમરેલી એસપી તરીકે પ્રશંસનીય ફરજ બજાવી હતી. ત્યારબાદ સ્ટટ મોનીટરીંગ સેલમાં એસપી તરીકે નિમણુંક થયા બાદ રાજયમાં અબજોનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી વિદેશી દારૂના ધંધાર્થીઓનું નેટવર્ક છિન્નભિન્ન કરી નાખતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલમાં જ તેમને ડીઆઇજી તરીકે પ્રમોશન મળ્યું હતું અને ત્યાંથી રાજકોટ રેન્જમાં ડીઆઇજીપી તરીકે નિમણુંક થઇ હતી.
રાજકોટ રેન્જ હેઠળ રાજકોટ ગ્રામ્ય, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર એમ પાંચ જિલ્લાઓની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી ડીઆઇજી નિર્લિપ્ત રાયના શિરે રહેશે. નિર્લિપ્ત રાય પોતાની કડક છબી અને પ્રામાણિકતા માટે જાણીતા છે.
આજે બપોરે રેન્જ આઇજીપી નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતાની સાથે જ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ, જામનગર તથા દેવભુમી દ્વારકાને જીલ્લા પોલીસ વડા સાથે મીટીંગ યોજી ગુનાખોરી પર લગામ મુકવાની વાતને દોહરાવી હતી. દારૂ, જુગાર અને વ્યાજખોરી જેવી અસામાજિક પ્રવળત્તિઓ સામે કડક ઝુંબેશ ચલાવવા પર ભાર મુક્યો છે. તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુના ઉકેલવા માટે આધુનિક ટેકનોલોજી અને ડેટાનો ઉપયોગ કરવા અધિકારીઓને સુચના આપી છે.
રાજકોટ રેન્જના પાંચેય જીલ્લા પોલીસ વડાની મીટીંગ બાદ રેન્જના તમામ ડીવાયએસપી અને ત્યાર બાદ તમામ પોલીસ ઇન્સ્પેકટરો સાથે મીટીંગ યોજી છે. મોડી સાંજે નવનિયુકત આઇજીપી નિર્લિપ્ત રાય ગોંડલની મુલાકાત લ્યે તેવી શકયતા છે.
રાજકોટ રેન્જ આઇજીપી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂકથી સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવળત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અગાઉ તેમણે અમરેલી અને એસએમસીમાં જે રીતે કામગીરી કરી છે, તેવી જ આક્રમક કામગીરીની અપેક્ષા હવે રાજકોટ રેન્જમાં પણ રાખવામાં આવી રહી છે.
(3:22 PM IST)










