<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

લાખાજીરાજ રોડ પર થયેલી ચોરીનો ભેદ ખુલ્‍યો : અર્જુન ઉર્ફે ચોટલો ઝડપાયો

થોરાળા પોલીસે ભેદ ઉકેલી મુદ્દામાલ કબ્‍જે કર્યો

રાજકોટ, તા. ૯ : લાખાજી રોડ, ઉદ્યોગનગર, શેરી નં. ૧૪, સામેની શેરીમાં સીસીટીવી કેમેરા તોડી રૂા. ર,૦૦૦ નું નુકશાન કરી મકાનમાં રાખેલ ૧પ૦ કિલો તાંબાના વાયર જેની કુલ કિંમત દોઢ લાખ હોયની ચોરી થયાની ફરિયાદ થોરાળા પોલીસ સ્‍ટેશનમાં નોંધાઇ હતી. જેનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડવામાં આવ્‍યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર સર્વેલન્‍સ સ્‍કોડના ઇન્‍ચાર્જ ચોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એચ.ટી. જીંજાળા સહિતનાઓ  તપાસમાં હતા. તે દરમ્‍યાન એ.એસ.આઇ. જયેશભાઇ નિમાવત તથા પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ વિક્રમભાઇ લોખિલને મેળેલી બાતમીના આધારે લાખાજીરાજ રોડ પર ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ શખ્‍સ ક્રિષ્‍ના પાર્કની પાછળ ભુગર્ભ ગટરની કુંડી પાસે ખુલ્લા પટ્ટામાં આજી નદીના કાંઠે બેઠેલ શખ્‍સની જડતી લેવામાં આવી હતી. જેમાં તેની પાસે રહેલા પ્‍લાસ્‍ટિકનાં બાચકામાં તાંબા (કોપર)ના વાયરનો ભંગાર મળી આવ્‍યો હતો. જેને લઇને પોલીસે પૂછપરછ કરતાં બે દિવસ પહેલા લાખાજીરાજ રોડ પર આવેલા બંધ મકાનમાંથી ચોરી કર્યાનું કબુલ કર્યું હતું. જેને આધારે થોરાળા પોલીસ ઇન્‍સ્‍પેકટર એન.જી. વાઘેલા, પોલીસ સબઇન્‍સ્‍પેકટર એચ.જી. જીંજાળા, એએસઆઇ જયેશભાઇ નિમાવત તથા મહેશભાઇ સોલંકી, પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ કિશોરભાઇ પરમાર તથા હસમુખભાઇ નિનામા તથા ધર્મેન્‍દ્રભાઇ ગઢવી, ઇમરાનભાઇ ચુડાસમા તથા હિતેશભાઇ પરમાર, વિક્રમભાઇ લોખીલ, પોલીસ કોન્‍સ્‍ટેબલ નિલેશભાઇ ચૌહાણે કાર્યવાહી કરી અર્જુન ઉર્ફે ચુની ચોટલો દિલીપભાઇ ગીરધરભાઇ સોલંકી (ઉં.વ. ૧૯)ને દોઢ લાખની ૧પ૦ કિ.ગ્રા. તાંબાના વયાર સાથે  ઝડપી પાડયો હતો.

ઉલ્લેખનીય છે કે પ્રદીપભાઇ પ્રહલાદભાઇ વાસવાણીએ થોરાળા પોલીસમાં લાખાજીરાજ રોડ પર પોતાના બંધ મકાનમાં તા. ૬ થી ૭ દરમ્‍યાન દોઢ લાખના તાંબાના વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડયો હતો.

(11:23 AM IST)