<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

સ્‍થાનિક સ્‍વરાજ ચૂંટણીઃ કલેકટર તંત્ર સાબદુઃ ૧૧મીએ આખરી મતદાર યાદી પ્રસિધ્‍ધ થશેઃ હવે બૂથ દીઠ ૧ર૦૦ મતદારો

રાજકોટ કોર્પોરેશનમાં આ વખતે ૧૧૭ર મતદાન મથકોઃ જીલ્લા પંચાયતમાં ૧૧૯૭ બૂથ : મહાનગરપાલિકા ચૂંટણીમાં મનપાનો સ્‍ટાફ નહી લેવાયઃ ૧૩ હજાર કર્મચારીઓની જરૂરિયાતઃ વિગતો મંગાવાઇ

રાજકોટ, તા. ૭: રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને જિલ્લા વહીવટી તંત્ર એક્‍શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી પંચના દિશાનિર્દેશો મુજબ મતદાર યાદીથી લઈને મતદાન મથકોના સીમાંકન સુધીની કામગીરી પૂર્ણતાના આરે છે. આગામી ૧૧મી તારીખે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, જેની સાથે જ રાજકીય ગરમાવો વધવાની શકયતા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચૂંટણી પંચના નવા નિયમોને કારણે હવે એક મતદાન મથક (બુથ) દીઠ મતદારોની સંખ્‍યા મર્યાદિત કરવામાં આવી છે. અગાઉના એક બુથ પર ૧૫૦૦થી વધુ મતદારો હતા, પરંતુ હવે એક બુથ દીઠ માત્ર ૧૨૦૦ મતદારોનો જ સમાવેશ કરી શકાશે.આ ફેરફારને કારણે સમગ્ર મતદાન મથકોની સંખ્‍યામાં વધારો થશે.

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થા ૨૦૨૧માં મતદાન મથકો

રાજકોટ મહાનગરપાલિકા ૨૦૨૧ માં ૯૯૧ મતદાન મથક હતા. આ વખતે ૧૧૭૨ થશે ૧૮૧ જેટલા મતદાન મથકોનો વધારો થશે ત્‍યારે જિલ્લા પંચાયત ૨૦૨૧ માં મતદાન મથક હતા. ૧૧૪૫ જે આ વખતે વધીને ૧૧૯૭ થશે. ૫૨ જેટલા મતદાન મથકોનો વધારો થશે જ્‍યારે ગોંડલ નગરપાલિકા ૨૦૨૧ માં ૯૦ મતદાન મથક હતા જે આ વખતે વધીને ૧૦૭ થશે ૧૭ જેટલા મતદાન મથકમાં વધારો થશે.

તો બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોઈપણ મહાનગરપાલિકાના કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવશે. એક તરફ મતદાન મથકો વધી રહ્યા છે, તો બીજી તરફ  મહાનગરપાલિકાની ચૂંટણીમાં મનપાનો કોઈપણ સ્‍ટાફ ફરજ પર લેવામાં આવશે નહીં. ચૂંટણી પંચના નિયમ મુજબ, એક મતદાન મથક પર અંદાજે ૫ કર્મચારીઓ કાર્યરત હોય છે. મનપા ચૂંટણી માટેઃ અંદાજે ૫,૮૬૦ કર્મચારીઓ. જિલ્લા પંચાયત માટે અંદાજે ૫,૯૮૫ કર્મચારીઓ. ગોંડલ નગરપાલિકા માટેઃ અંદાજે ૫૩૫ કર્મચારીઓની જરૂર પડશે. કુલ મળીને ત્રણેય સ્‍તરે ૧૩,૦૦૦ જેટલા સરકારી કર્મચારીઓના કાફલાની જરૂર પડશે.  વહીવટી તંત્રએ અત્‍યારથી જ તમામ સરકારી કચેરીઓ પાસેથી કર્મચારીઓની યાદી અને વિગતો મંગાવવાની પ્રક્રિયા હાથ ધરી છે

(3:15 PM IST)