News of Saturday, 7th March 2026
નવાગામના મંથન બારૈયાને મિત્રએ મળવા બોલાવી ફટકાર્યોઃ લૂંટી લીધાનો આક્ષેપ
મિત્ર સાથે અન્ય એક શખ્સ પણ હતોઃ આક્ષેપો અંગે પોલીસ તપાસ

રાજકોટ તા. ૭: કુવાડવા રોડ પર નવાગામમાં આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં મંથન યતીનભાઇ બારૈયા (ઉ.વ.૧૯)ને રાતે બારેક વાગ્યે તેના મિત્ર રાહિલે વાત કરવાના બહાને નવાગામ પોલીસ ચોકી નજીક બોલાવ્યા બાદ બીજા એક શખ્સ ફારૂક સાથે મળી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. આ યુવાને પોતાને માર મારી લૂંટ ચલાવવામાં આવ્યાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
મંથન રાતે લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં અને મારકુટ થયાનું કહેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. મંથને જણાવ્યું હતું કે હું એક બહેનથી નાનો છું અને છુટક કામ કરુ છું. મારા મિત્ર રાહિલે મને રાતે ફોન કરી મળવા માટે બોલાવતાં હું બાઇક લઇને ગયો હતો. ત્યાં ગયો ત્યારે રાહિલ સાથે ફારૂક નામનો શખ્સ પણ હોઇ તે મને લૂંટી લેવા આવ્યાનું જણાતાં હું ભાગવા જતાં મને પકડી લીધો હતો અને હાથમાં પહેરેલા લોખંડના પંચથી માર માર્યો હતો. મંથને આક્ષેપ કર્યો છે કે આ લોકો મારકુટ કરી મારી સોનાની વીંટી, રોકડ પડાવી ગયા છે. બી-ડિવીઝન પોલીસે આક્ષેપોની તપાસ હાથ ધરી છે.
(3:00 PM IST)










