<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

રાજકોટ રેલ્‍વે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ખોવાયેલા મોબાઇલ શોધી અપાયા

ફોન પરત મળતાં મુસાફરો ખુશઃ પીઆઇ એચ. એમ. રાણાની રાહબરીમાં ટીમની કામગીરી

રાજકોટઃ રેલવે પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ મુસાફરોના ગુમ થયેલા મોબાઈલ પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ગુજરાત સરકારના કોમ્‍યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અન્‍વયે યોજાયેલા આ કાર્યક્રમમાં છેલ્લા એક મહિના દરમિયાન ટ્રેનો અને રેલવે સ્‍ટેશન વિસ્‍તારમાંથી ગુમ કે ચોરી થયેલા કુલ ૪ મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકોને સોંપવામાં આવ્‍યા હતા. પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્‍યના માર્ગદર્શન હેઠળ અમદાવાદ રેલ્‍વેના ઇન્‍ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક પરિક્ષિતા રાઠોડ, પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તથા ઇન્‍ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી એચ.એમ. રાણાની સુચના મુજબ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રેલવે પોલીસ સ્‍ટેશનના ટેકનિકલ સેલ દ્વારા સીઇઆઇઆર પોર્ટલ પર સતત મોનિટરિંગ કરીને ટ્રેસ થયેલા કુલ ૭૪,૪૮૮ રૂપિયાની કિંમતના ૪ મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્‍યા હતા. આ મોબાઈલ ફોન આજે રાજકોટ રેલવે પોલીસ સ્‍ટેશન ખાતે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એચ.એમ. રાણાની ઉપસ્‍થિતિમાં અરજદારોને પરત કરવામાં આવ્‍યા હતા. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એચ.એમ. રાણા, ટેકનિકલ સેલના એ.એસ.આઈ. પ્રવિણભાઈ નથુભાઈ, હેડ કોન્‍સ્‍ટેબલ મધુરાજસિંહ ઇન્‍દ્રસિંહ તથા હેડ કોન્‍સ્‍ટેબલ મહેન્‍દ્રભાઈ સુરજીભાઈએ મહત્‍વની ભુમિકા ભજવી હતી. રેલવે પોલીસની આ ત્‍વરિત અને ટેકનિકલ કામગીરીને કારણે પોતાના કિંમતી મોબાઈલ પરત મેળવતા મુસાફરોમાં પણ ખુશી જોવા મળી હતી.

(2:58 PM IST)