તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Friday, 6th March 2026
મનપાની ચૂંટણીનો ધમધમાટઃ વોર્ડ વાઇઝ મતદાર યાદી તૈયાર
લગ્નના ઢોલ સાથે ચૂંટણીના ઢોલ વાગશે ઢમ..ઢમ..ઢમ.. : ટૂંક સમયમાં યાદી થશે પ્રસિધ્ધઃ આગામી ચૂંટણીમાં ૩૦૦ બૂથ અને પ૦ હજારથી વધૂ મતદારો વધવાની સંભાવના

રાજકોટ, તા.૬: મ્યુનિ. કોર્પોરેશનની વર્તમાન બોર્ડીની ટર્મ આગામી ૧૧ માર્ચના પૂર્ણ થનાર હોય તંત્ર દ્વારા વસ્તી ગણતરી તેમજ મતદાર યાદીની બૂથ લેવલ સુધીની કામગીરી પૂર્ણ કરી લીધી છે. ગત વર્ષની તુલનાએ મનપાના વોર્ડ વિસ્તારમાં વધારો થતા વસ્તી વધતા અને અનેક મતદારો ૧૮ વર્ષની વયે પહોંચી જતા શહેરના અંદાજે ૧૨ લાખ મતદારોમાં આ વખતે નવા ૧ લાખ મતદારોનો વધારો થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. તેવી જ રીતે ગત વર્ષે કાર્યરત ૮૫૦ બૂથમાં પણ અંદાજે ૩૦૦થી વધુ નવા બૂથનો ઉમેરો થશે. આગામી તા.૧૧ના રોજ ફાઇનલ મતદાર યાદી પ્રસિધ્ધ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
આગામી ૧૧ માર્ચના મ્યુનિ. કોર્પોરેશનની વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થનાર છે. તેમજ ચૂંટણી પચ દ્વારા નગરપાલિકા તથા પાલિકાઓ તથા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવા માટેની તમામ પ્રકારની તૈયારી પૂર્ણ કરેલ હોય. મહાનગરપાલિકાએ વોર્ડ અને બૂથ વાઇઝ થતી તમામ કાર્યવાહીને આખરો ઓપ આપવામાં આવી રહ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન મહાનગરપાલિકાની હદમાં અનેક ગ્રામપંચાયતોનો સમાવેશ થયો જેના લીધે વોર્ડ રચનામાં કોઇ જાતનો ફેરફાર થયો નથી. પરંતુ વોર્ડમાં જનસંખ્યા વધતા મતદારોમાં મોટો વધારો જોવા મળ્યો છે. ગત ચૂંટણીમાં ૧૮ વોર્ડમાં ૮૫૦ બૂથ તૈયાર કરવામાં આવે. જેની સામે હવે ૩૦૦ બૂથનો વધારો થવા જાય છે. તેવી જ રીતે અંદાજે ૧૨ લાખ મતદારોએ ગત ચૂંટણીમાં મતદાન કરેલ પરંતુ આ વખતે ૧૮ વર્ષની વયે પહોંચી ગયેલા યુવા મતદારોનો નોંધ પાત્ર વધારો જોવા મળ્યો છે. અંદાજે પ૦ હજારથી વધુ નવા મતદારો આ વખતે મતદાન કરશે. તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.
મહાનગરપાલિકાએ ધારાસભાની ચૂંટણી માટે ચાર ઝોનની વસ્તી ગણતરી અને મતદાર યાદી તૈયાર થયેલ છે. તે મુજબ હવે વોર્ડ વાઇઝ અને ઝોન વાઇઝ યાદી તૈયાર કરવામાં આવી છે. દરેક વોર્ડમાં બે વોર્ડ વચ્ચેની સીમારેખા ઉપર આવતી સોસાયટીઓ તેમજ વિસ્તારોના મતદારોને જેતે વોર્ડમાં મતદાન કરવા માટે સ્પેશિયલ યાદી તૈયાર કરાઇ છે. સંપૂર્ણ યાદી તૈયાર થયા બાદ વોર્ડ વાઇઝ અને બૂથ લેવલની યાદી તૈયાર કરાશે. તેવી જ રીતે ૧૧૦૦થી વધુ બૂથ તૈયાર કરવા માટે શાળાઓ અને જેતે વિસ્તારને મધ્યમા લાગુ પડતી હોય તેવા સ્થળોનું લીસ્ટ તૈયાર કરી ચૂંટણી માટેનો ફાઇનલ પ્લાન તૈયાર કરવામાં આવશે. તેમ સુત્રોએ જણાવ્યું હતું.(૬.૧પ)
(2:57 PM IST)










