News of Thursday, 5th March 2026
કાર્યકરો કયાં? ભાજપ-કોંગ્રેસ-આપ કેવી રીતે જીતશે ચૂંટણી?
રાજકોટ મહાનગરપાલીકા ઈલેક્શન માટે રાજકીય પક્ષોમાં અંદર ખાને તૈયારીઓ પણ બુથમાં ચહલ પહલનો સદંતર અભાવ

રાજકોટ, તા.૫: રાજ્યમાં મહાનગર પાલીકાઓની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો સામે અનેક પડકારો છે. જેમાં ખાસ કરીને કાર્યકરોની અછત સૌથી મોટો પડકાર બનવાનો છે. વોર્ડ વાઈઝ રાજકોટમાં કરતા સોસાયટી-વિસ્તાર વાઈઝ કાર્યકરોની પક્કડ વધુ મજબુત હોય છે પણ કાર્યકરોની પાંખી હાજરી ભાજપ, કોંગ્રેસ અને આપ માટે શિરદર્દ છે જ.
સત્તાધારી પક્ષ ભાજપની વાત કરીએ તો રોસ્ટર બાદ સૌથી મોટી મુશ્કેલી પ્રચાર દરમિયાન કાર્યકરોની હાજરીની છે, તેમાં પણ થોડા વર્ષોથી જે ભરતી મેળો કરવામાં આવ્યો છે તેનાથી જુના અને કસાયેલ કાર્યકર્તાઓમાં ભારે નારાજગી છે. જે પક્ષને આવનારી ચૂંટણીમાં મોટુ નુકશાન કરી શકે છે. ભાજપ ભલે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની હોય પણ રાજકોટમાં સક્રીય કાર્યકરોની સંખ્યા ઉપર ચિંતન-મંથન માંગી લે તેમ છે.
દેશમાં ૫-૫ દાયકા સુધી દબદબો ધરાવનાર કોંગ્રેસની હાલત ખસ્તા છે. જે ગણ્યા-ગાંઠયા કાર્યકરો સાથે તે આવનારી ચૂંટણીઓ લડનાર છે. છેલ્લી ૨-૩ કોર્પોરેશનની ચૂંટણી જોઈએ તો ઉમેદવાર પોતાના સગા-મિત્રો સાથે પ્રચારમાં નિકળતા જોવા મળ્યા છે. એક સમયે ઘરે-ઘરે પંજાનો પ્રભાવ હવે સીમીત વિસ્તારો સુધી મર્યાદીત બન્યો છે.
દિલ્હીમાં બે-બે વાર શાસનની ધુરા સંભાળનાર આમ આદમી પાર્ટી નવી ગણી શકાય. આપમાં જોડાવા માટે લોકોએ શરુઆતમાં રસ દાખવેલ પણ અંતે રાજકારણ છે એટલે સત્તા ન મળવાની સંભાવના જોતા કાર્યકરો ઉભા કરવાની આપની ઈચ્છા મનમાં જ રહી ગઈ છે.જે તેમના માટે રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં મોટું સ્પીડ બ્રેકર બની રહેશે.
કહેવત છે કે ટીપે-ટીપે સરોવર ભરાય, તેવી જ રીતે એક-એક મતની કિંમત અમુલ્ય છે, ઉપલા લેવલે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પણ બુથ લેવલે કોઈ સળવળાટ જોવા મળતો નથી. બુથ જ સમગ્ર ચૂંટણીના કેન્દ્ર બિંદુ સમાન છે જેથી બુથ ધ્વારા જ વોર્ડ અને ત્યારબાદ મહાનગરપાલીકામાં જીતનો રસ્તો ખુલે છે, પણ કાર્યકરોની ઉપસ્થિતી રાજકીય પક્ષો માટે ઝાંઝવાના જળ સમાન છે.
(3:38 PM IST)










