તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
શાપર-વેરાવળમાં યુવાનની લાશ મળીઃ અગાસી પરથી પડી ગયો કે ફેંકી દેવાયો? તપાસ શરૂ
હોળીના દિવસે મોબાઇલ ગૂમ થયા બાબતે શંકાના આધારે અન્ય યુવક સાથે બોલાચાલી થયા બાદ ઘટનાઃ ફોરેન્સીક પી.એમ. રીપોર્ટ તરફ મીટ : મુળ યુપીના સવન મંડલના મોતથી છ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ શ્રમીક પરિવારમાં શોક

તસ્વીરમાં પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ નજરે પડે છે (તસ્વીરઃ કમલેશ વસાણી શાપર-વેરાવળ)
(કમલેશ વસાણી દ્વારા) શાપર-વેરાવળ, તા.૫: શાપર વેરાવળ વિસ્તારમાં હોળીના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શિતળા મંદિર નજીક રેમ્બો ટેકનો કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર પાસે આવેલી રવિ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીની ઉપર આવેલી ખોલીમાં રહેતા એક યુવકનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ, ખોલીમાં રહેતા કેટલાક યુવકો વચ્ચે મોબાઈલ ગુમ થવાની ઘટના બની હતી. મોબાઈલ ગુમ થતા શંકાના આધારે ત્યાં રહેલા એક યુવક સાથે બોલાચાલી થઈ હતી. દરમિયાન યુવકને ખોલીના પહેલા માળેથી ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ યુવકને મળત જાહેર કર્યો હતો.મોતનું ચોકસ કારણ જાણવા લાશનું ફોરેન્સીક પી.એમ.કરાવાયુ છે.
મળતક યુવકની ઓળખ સવન મંડલ તરીકે થઈ છે ઘટનાના કારણે તેના છ બાળકો પિતા વિહોણા બન્યા છે, જેના કારણે પરિવાર પર શોકનું માહોલ છવાઈ ગયું છે. મૃતક યુવાન અગાશી ઉપરથી પડી ગયો કે ફેંકી દેવાયોે? તે પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ બહાર આવશે.
હાલ આ બનાવ હત્યાનો છે કે અકસ્માત તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. વધુ તપાસ પી.આઇ. આર.બી. રાણા ચલાવી રહયા છે.
(3:36 PM IST)










