તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
જાહેરનામા ભંગમાં પકડાયેલા શખ્સે પોલીસ સ્ટેશન પાસેથી ઇનોવા ભગાવી મુકી, ફિલ્મી ઢબે પીછો કરી હેડક્વાર્ટર પાસેથી પકડયો
રેસકોર્ષ રીંગ રોડ પર ઇનાવા લઇ જાહેરમાં રંગ ઉડાડનારાનું પોલીસ સાથે તોછડુ વર્તનઃ પ્ર.નગર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો ત્યારે પણ સીન જમાવ્યા : પ્ર.નગર પીએસઆઇ એસ. ડી. કોઠીવાર અને ટીમે વિરાજ જાનીને પકડી લઇ ફરજમાં રૂકાવટ, જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી

રાજકોટ તા. ૫: શહેરમાં ધૂળેટીના તહેવાર અંતર્ગત જાહેરમાં લોકો પર રંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશનરનું જાહેરનામુ અમલમાં હોઇ આમ છતાં રેસકોર્ષ રીંગ રોડ પર કેટલાકે જાહેરમાં રંગો ઉડાડયા હતાં. આ દરમિયાન ઇનોવા કારમાં એક મહિલા સાથે નીકળેલા એક શખ્સને મેયર બંગલા નજીક પ્ર.નગર પોલીસે જાહેરમાં આવતાં જતાં લોકો પર રંગ નહિ ઉડાવવા અને સમજાવતાં તેણે તોછડી ભાષામાં વાત કરી હતી. તેની કારમાં કાચ પણ કાળા હોઇ પ્ર.નગર પોલીસ સ્ટેશને તેને લઇ જવાયો હતો. અહિ કારમાંથી નીચે ઉતરતાં તેને કાળી ફિલ્મ દુર કરવાનું કહેતાં એ નહિ થાય તેમ કહી કારમાં બેસી જઇ કાર લોક કરી ભગાવી મુકી હતી. પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કરી પોલીસ હેડક્વાર્ટર સર્કલ પાસેથી પકડી લઇ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ બનાવમાં પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાતાં પોલીસ કર્મચારી ભગીરથસિંહ પ્રવિણસિંહ રાણાની ફરિયાદ પરથી વિરાજ અશ્વીનભાઇ જાની વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસમેન ભગીરથસિંહ રાણાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ધૂળેટીના દિવસે હું પીએસઆઇ એસ. ડી. કોઠીવાર સાથે રાઇટર તરીકે ફરજમાં હતો. બપોરે બે વાગ્યા આસપાસ ધૂળેટી બંદોબસ્ત હોવાથી અમે પોલીસ વાહનમાં ડ્રાઇવર હોમગાર્ડ ધર્મરાજસિંહ સરવૈયા, કોન્સ. તોૈફિકભાઇ મંધરા, પીએસઆઇ એસ. ડી. કોઠીવાર સાથે રેસકોર્ષ રીંગ રોડ પર મેયરના બંગલા પાસે પહોંચ્યા ત્યારે ઇનોવા કાર જીજે૦૩એનએફ-૩૦૨૨માં બેઠેલા બે વ્યક્તિ જાહેરમાં રંગ ઉડાડતા હતાં. જેમાં ડ્રાઇવીંગ સીટ પર પુરૂષ અને બાજુની સીટમાં મહિલા બેઠા હતાં.
જેથી પીએસઆઇ કોઠીવારે આ કારચાલકને જાહેરમાં કોઇને નડતરરૂપ થાય તે રીતે કલર ડાડવાની અને જાહેર રસ્તે નીકળતાં લોકોને ત્રાસદાયક થાય તથા શારીરિક સલામતિ જોખમાય તે રીતે કલર ઉડાડવાની ધૂળેટી રમવાની ના પાડી સમજાવ્યા હતાં. આ વખતે કાર ચાલક પુરૂષે ઉશ્કેરાઇ જઇ કહેલું કે-જોઇએ છીએ હો. જેથી પીએસઆઇ કોઠીવારે તમે આ રીતે તોછડી ભાષામાં કેમ વાત કરો છો? તમને ખબર નથી કે પોલીસ કમિશનરનું જાહેરનામુ છે. આ સાંભળી ઇનોવા કારના ચાલકે-હા મને ખબર જ છે તેમ કહ્યું હતું. આથી પીએસઆઇએ કહેલ કે તો ચાલો પોલીસ સ્ટેશન ખાતે. આથતી ઇનોવા ચાલક પ્ર.નગર પોલીસ સ્ટેશને આવેલ અને પોતાની કાર બહાર ઉભી રાખી હતી.
બાદમાં પીએઅસાઇ કોઠીવારે તેને નીચે ઉતરવાનું કહેતાં તે નીચે ઉતરેલ. બાદમાં પીએસઆઇએ તેને ગાડીના કાળા કાચ હોઇ કાળી ફિલ્મ તેને કાઢી નાખવાનું કહેતાં અને કારના કાગળો બતાવવાનું કહેતાં ઇનોવા ચાલકે-હું કાળા કાચ કાઢીશ નહિ, ફોરવ્હીલના ડોક્યુમેન્ટ બતાવીશ નહિ. આ પછી ઇનોવા ચાલકે તેની ગાડીને લોક કરી દીધી હતી. તેને પીએસઆઇ કોઠીવારે અંદર આવવાનું કહેતાં તે પોતાની કારમાં બેસી ગયો હતો અને કાર પુરઝડપે લઇ ભાગી ગયો હતો. આથી અમે પોલીસવેનથી ઇનોવા કારનો પીછો કર્યો હતો અને રેસકોર્ષ રીંગ રોડ પોલીસ હેડ કવાર્ટર નજીક સર્કલ પાસે તેને અટકાવીને પકડી લીધો હતો. પુછતાછમાં તેણે પોતાનું નામ વિરાજ અશ્વીનભાઇ જાની (રાજકોટ) જણાવ્યું હતુ. જેથી તેની સામે જાહેરનામા ભંગ અને ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાવ્યો હતો. તેમ વધુમાં ભગીરથસિંહે જણાવતાં પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ એસ. ડી. કોઠીવારે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(2:23 PM IST)










