તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
રૈયા રોડ જીવનનગરના વિધવાને છેતરી ફેસબૂક ફ્રેન્ડ મહારાષ્ટ્રનો અતુલ ૫.૭૨ લાખના દાગીના ઉસેડી ગયો
૨૦૨૦માં મહારાષ્ટ્રના એમ્બ્યુલન્સ ચાલક અતુલ ખંડારે સાથે ફેસબૂકથી કલ્પનાબેનનો સંપર્ક થયા બાદ તે ફેરો લઇ આવે ત્યારે અવાર-નવાર મહિલાના ઘરે રોકાતોઃ એક દિવસ મહિલાની ગેરહાજરીમાં ઘરે રોકાયો ત્યારે દાગીના સલામતી માટે બેંકમાં મુકવા છે તેમ કહી લઇ ગયા પછી પાછા જ ન દીધાઃ ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૫: રૈયા રોડ વિસ્તારમાં રહેતા અને ઘરકામ કરી ગુજરાન ચલાવતા કલ્પનાબેન હેમંતભાઈ ખાંડેખા નામના ૪૨ વર્ષીય વિધવા મહિલા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ઘટના સામે આવી છે. આ મહિલા વર્ષ ૨૦૨૦માં ફેસબુકના માધ્યમથી મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના રહેવાસી અતુલ ભીમરાવજી ખંડારે નામના શખ્સના સંપર્કમાં આવ્યા હતા. અતુલ એમ્બ્યુલન્સ ડ્રાઈવિંગનું કામ કરતો હતો અને રાજકોટ ફેરા કરવા આવતી વખતે અવારનવાર મહિલાના ઘરે આવતો જતો હતો.
આ દરમિયાન તેણે મહિલા સાથે લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસ કેળવ્યો હતો અને તેણીના રૂા. ૫,૭૨,૦૮૧ના દાગીના સેફટી માટે બેંકમાં મુકવાનું કહી લઇ ગયા બાદ પરત ન આપતાં ફરિયાદ થઇ છે.
કલ્પાબેનને ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત મે ૨૦૨૪ના સમયગાળા દરમિયાન જ્યારે કલ્પનાબેન મહારાષ્ટ્રમાં પોતાના પિયર ગયા હતા ત્યારે અતુલ રાજકોટ આવ્યો હતો અને પોતે થાકી ગયો હોવાનું જણાવી મહિલાના ઘરે આરામ કરવાની પરવાનગી માંગી હતી. કલ્પનાબેને પડોશમાં રહેતા તેમના મિત્ર સ્નેહાબેન પાસે ઘરની ચાવી રખાવી હતી, જે અતુલને અપાવી તેને ઘરે રોકાવા દીધો હતો.
ત્રણ દિવસ બાદ અતુલે મહિલાને ફોન કરીને જણાવ્યું કે તેણે ઘરના કબાટમાંથી સોનાના દાગીના કાઢી લીધા છે કારણ કે ઘરમાં દાગીના રાખવા સુરક્ષિત નથી અને તે આ દાગીના બેંકમાં સુરક્ષિત રીતે મુકવા માટે પોતાની સાથે મહારાષ્ટ્ર લઈ જઈ રહ્યો છે. અતુલે વચન આપ્યું હતું કે જ્યારે તે ફરી રાજકોટ આવશે ત્યારે બધા દાગીના પરત આપી દેશે.
પરંતુ કલ્પનાબેન જ્યારે રાજકોટ પરત આવ્યા અને પોતાના દાગીના પરત માંગ્યા ત્યારે અતુલે વાયદાઓ કરવાનું શરૂ કર્યું હતું. તેણે પોતે દેવામાં હોવાનું બહાનું કાઢીને થોડો સમય માંગ્યો હતો, પરંતુ લાંબો સમય વીતવા છતાં દાગીના પરત આપ્યા નહોતા.
છેલ્લા બે મહિનાથી અતુલે પોતાનો મોબાઈલ નંબર પણ બંધ કરી દીધો હતો અને મહિલા સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો. આખરે કલ્પનાબેનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા તેમણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અતુલ ખંડારે મહિલાના ઘરેથી ૫,૩૨,૦૮૧ રૂપિયાની કિંમતના સોનાના દાગીના લઇ ગયો છે. જેમાં ૩૧.૬૪૦ ગ્રામનો સોનાનો સેટ, ૫.૫૩૦ ગ્રામની સોનાની વીંટી, ૪.૬૪૦ ગ્રામની કાનની બુટ્ટી, ૨૨.૨૮૦ ગ્રામનું મંગળસૂત્ર, ૧૧.૫૨૦ ગ્રામની અન્ય બુટ્ટીઓ, ૫૪.૩૨૦ ગ્રામની સોનાની ચાર બંગડીઓ, ૨૭.૪૩૦ ગ્રામની સોનાની ચેઈન અને ૩૦.૮૭૦ ગ્રામનું મંગળસૂત્ર તથા બુટ્ટીની જોડીનો સમાવેશ થાય છે. પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ ડી. જે. જોષી વધુ તપાસ કરી રહ્યા છે.
(2:18 PM IST)










