News of Thursday, 5th March 2026
ચાંદલીના પરેશ ગોલતર-અંકુર રામાણીને શહેર એસઓજીએ ૬.૫૦ લાખના અફીણ સાથે દબોચ્યા
મોટેલ ધ વિલેજ નજીક સુદામા નર્સરીના ગેઇટ પાસે દરોડોઃ પરપ્રાંતિય પ્રકાશ નામના મજૂર પાસેથી લાવ્યાનું બંનેનું રટણ બંને વેંચવા માટે ગ્રાહક શોધે એ પહેલા પકડાઇ ગયાઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુની ટીમની કાર્યવાહીઃ ઇનદ્રસિંહ જાડેજા, હાર્દિકસિંહ પરમારની બાતમી

રાજકોટ તા. ૫: શહેરમાં માદક દ્રવ્યોની હેરાફેરી થતી અટકાવવા અને યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા શહેર એસઓજી દ્વારા ચાલી રહેલી સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ હેઠળ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરી અટકાવવામાં સફળતા મળી છે. કાલાવડ રોડ મોટેલ ધ વિલેજ નજીક આવેલી સુદામા નર્સરીના ગેઇટ પાસેથી લોધીકાના ચાંદલીના બે શખ્સને રૂા. ૬,૫૦,૦૦૦ના ૧૩૦૦ ગ્રામ અફીણ સાથે પકડી લેવાયા છે. આ માદક પદાર્થ પરપ્રાંતિય મજૂરે આપ્યાનું બંને શખ્સો રટણ કરતાં હોઇ વિશેષ તપાસ થઇ રહી છે.
જાણવા મળ્યા મુજબ શહેર એસઓજીની ટીમ ડ્રગ્સના દૂષણને ડામવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા અને કોન્સ. હાર્દિકસિંહ પરમારને બાતમી મળી હતી કે ચાંદલી ગામના બે શખ્સો કાલાવડ રોડ એમટીવી નજીક માદક પદાર્થ સાથે આવવાના છે. આ બાતમી પરથી વોચ રાખતાં બે શકમંદ શખ્સ આવતાં જ સકંજામાં લઇ તલાશી લેતાં શંકાસ્પદ પદાર્થ મળ્યો હતો. એફએસએલ અધિકારી સમીર જોષી દ્વારા પરિક્ષણ કરાવતાં આ પદાર્થ અફીણ હોવાનું ખુલતાં બંને શખ્સને અટકાયતમાં લઇ ૬,૫૦,૦૦૦નું અફીણ, પ૦ હજારનું એક્ટીવા, મોબાઇલ ફોન મળી ૭,૧૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંનેએ પોતાના નામ પરેશ માંડાભાઇ ગોલતર (ઉ.વ.૨૪-રહે. ગોૈશાળા પાછળ ચાંદલી ગામ તા. લોધીકા) અને અંકુર ધીરજભાઇ રામાણી (ઉ.વ.૨૮-રહે. ખોડીયાર મંદિર પાસે ચાંદલી તા. લોધીકા) જણાવ્યા હતાં.
બંને વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ વી. વી. ધ્રાંગુએ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ બંનેએ કોઇ પ્રકાશ નામના પરપ્રાંતિય મજૂર મારફત આ અફીણ મેળવ્યાનું રટણ કર્યુ હતું. પ્રકાશ પંદરેક વર્ષથી ચાંદલી વિસ્તારમાં વાડીમાં રહી મજૂરી કરે છે. જો કે બંને આ પદાર્થ વેંચે એ પહેલા જ પકડાઇ ગયા હતાં. નોંધનીય છે કે શહેરી વિસ્તારમાંથી છેલ્લા દસ વર્ષમાં પહેલી જ વખત અફીણનો આટલો જથ્થો પકડાયો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. મોૈલિકભાઇ સાવલીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, કોન્સ. મોનાબેન બુસા, ડ્રા. કોન્સ. મહાવીરસિંહ જાડેજા, નિર્મળસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.
(4:07 PM IST)










