<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

રંગોત્સવ: રાજકોટની ગલીઓમાં કેસુડાનો કલર અને ગુલાલની છોળો, 'રંગીલું શહેર' હરખે હિલોળે ચઢ્યું

રાજકોટના રસ્તાઓ આજે મેઘધનુષી બન્યા હતા, જ્યાં દરેક રંગમાં સ્નેહ અને સોરઠી મહેક ભળેલી હતી

રાજકોટ  : 'રંગીલું રાજકોટ' એ માત્ર કહેવત નથી, પણ શહેરના લોકોની જીવવાની શૈલી છે, જે આજે ધૂળેટીના પર્વે ફરી એકવાર સાબિત થઈ ગઈ.
 પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ, સમગ્ર રાજકોટ આજે અબીલ-ગુલાલ અને કેસુડાના રંગોમાં તરબોળ જોવા મળ્યું હતું. સવારથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ મન મૂકીને રંગોની મસ્તીમાં ડૂબ્યા હતા.

આ વર્ષે રાજકોટવાસીઓમાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ જોવા મળી હતી. ઠેર-ઠેર લોકો કેમિકલયુક્ત રંગોને તિલાંજલિ આપીને પરંપરાગત કેસુડાના પાણી અને ઓર્ગેનિક ગુલાલથી ધૂળેટી રમતા નજરે પડ્યા હતા. 

 
 

શહેરના  કાલાવડ રોડ,150 ફુટ રિંગ રોડ અને યાજ્ઞિક રોડ જેવા વિસ્તારોમાં યુવાધને ડીજેના તાલે ધૂમ મચાવી હતી. અનેક વિસ્તારોમાં 'મટકી ફોડ'ના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ગોવિંદાઓની ટોળીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

માત્ર રંગો જ નહીં, પણ પરસ્પર ભાઈચારો પણ આજે રાજકોટની શેરીઓમાં છલકાયો હતો. લોકોએ એકબીજાના ઘરે જઈ, ધાણી-ખજૂર-હારડા ખાઈને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં રંગપર્વની ઉજવણી સંપન્ન થઈ હતી. 
તસવીરો માં રંગે રંગાતા શહેરીજનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)

(1:03 PM IST)