તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ૮ થી ૧૦ સભ્યોને ફરી મળી શકે છે તક
જામકંડોણા-ધોરાજીમાં નવા ચહેરાઓ પર પસંદગી ઉતારાય તેવી શક્યતાઃ પાનેલી, જેતપુર અને ગોંડલના સભ્યો રિપીટ થવાના સંકેત

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની જેમ જિલ્લા પંચાયતમાં પણ સંપૂર્ણ 'નો-રિપીટ' થીયરી અમલી બને તેવા સંજોગો હાલ ઓછા દેખાય રહ્યા છે. રાજકીય વર્તુળોમાં વહેતી થયેલી વિગતો મુજબ, પ્રવર્તમાન ૨૯ સદસ્યોમાંથી આશરે ૮ થી ૧૦ ભાજપ સભ્યોને પક્ષ ફરીથી મેદાનમાં ઉતારી શકે છે, જ્યારે બાકીની બેઠકો પર યુવા નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત ટર્મમાં જે સભ્યો પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા હતા અને જેઓની કામગીરી સક્રિય રહી છે, તેમને રિપીટ કરવામાં આવી શકે છે. જો કોઈ બેઠક પર અનામતનું સમીકરણ બદલાય તો તેવા સક્ષમ સભ્યોને અન્ય બેઠક પરથી ચૂંટણી લડાવવા અંગે પણ ભાજપમાં ગંભીર વિચારણા ચાલી રહી છે. હાલની સ્થિતિએ પાનેલીની એક, જેતપુરની બે અને ગોંડલની એક બેઠક પર જૂના સભ્યો રિપીટ થવાની પૂરી શક્યતા છે, જ્યારે જામકંડોરણા અને ધોરાજીમાં નવા ચહેરાઓને સ્થાન મળે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
વિકાસકામોની ધીમી ગતિ અને વહીવટી તંત્ર સામે પડકાર
જિલ્લા ભાજપના જ કેટલાક અગ્રણીઓના જણાવ્યા મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની ગતિ અપેક્ષા મુજબ રહી નથી. સ્થાનિક પ્રજાની રજૂઆતો અને પડતર કામો સમયસર પૂર્ણ ન થતા હોવાથી લોકોમાં ક્યાંક અસંતોષની લાગણી પણ જોવા મળી રહી છે. જો સરકાર વહીવટી અધિકારીઓની કામગીરી પર વધુ અંકુશ લાવે, તો જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના વિસ્તારના પ્રશ્નો ઉકેલી શકશે તેવી રજૂઆત પણ પક્ષમાં થઈ રહી છે.
સક્ષમ વિપક્ષના અભાવે ભાજપનો પક્ષ મજબૂત
આંતરિક અસંતોષ અને પડતર કામો છતાં, જાણકારોનું માનવું છે કે જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીમાં ભાજપનો વિજય નિヘતિ જણાય છે. તેની પાછળનું મુખ્ય કારણ સામે કોઈ સક્ષમ વિપક્ષી નેતૃત્વનો અભાવ છે. લોકો પાસે ભાજપ સિવાય અન્ય કોઈ મજબૂત વિકલ્પ ન હોવાથી પ્રજા ફરી કેસરીયો લહેરાવશે તેવું માનવામાં આવે છે. જોકે, પક્ષના જ કેટલાક નેતાઓનું કહેવું છે કે હવે જૂના જોગીઓ કરતા વધુ કાર્યક્ષમ અને ઉત્સાહી યુવાનોને તક આપવી જરૂરી છે, જેથી તેઓ સરકાર પાસેથી કામો કરાવી શકે અને ગ્રામીણ વિકાસને વેગ આપી શકે.
આ વખતે ઘણા દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવા માટે ખચકાટ અનુભવી રહ્યા હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. વિકાસના કામોમાં આવેલી ઓટ અને પેન્ડિંગ પ્રશ્નોને કારણે સર્જાયેલા વિરોધના વંટોળ વચ્ચે આગામી જિલ્લા પંચાયતની ચૂંટણી બેહદ રોમાંચક બની રહેશે તે નક્કી છે. આમ રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ નવા અને જૂના ચહેરાઓનું સંતુલન જાળવશે તેવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે.(૩૮.૪૬)
(4:11 PM IST)










