<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

રાજકોટ જિલ્લામાં કિશોરીઓ માટે ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી (HPV) રસીકરણ અભિયાન : રાજકોટ જિલ્લામાં ત્રણ માસમાં પૂર્ણ કરાશે કિશોરીઓનું રસીકરણ : જિલ્લાની ૧૭,૩૫૧ કિશોરીઓને રસીકરણ હેઠળ આવરી લેવાનું લક્ષ્ય

દિકરીઓને આ વેક્સીન અપાવી સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા તથા સરકારના અભિયાન થકી સમાજમાંથી સર્વાઇકલ કેન્સરને નાબુદ કરવાનાં પ્રયત્નોમાં સહભાગી થવા અનુરોધ

(માહિતી ખાતુ)રાજકોટ તા.૩ :  ગર્ભાશયના મુખના (સર્વાઇકલ) કેન્સર વિરોધી HPV રસીની રાજકોટ જિલ્લાનાં તમામ તાલુકામાં કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ૧૪ વર્ષ પૂર્ણ કરેલ હોય, પરંતુ ૧૫માં વર્ષમાં પ્રવેશ ન કર્યો હોય તેવી ૧૭,૩૫૧ કિશોરીઓ પૈકી ૮૩૨ કિશોરીઓને આ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.આ સમગ્ર કામગીરી ત્રણ માસમાં પૂર્ણ કરવામાં આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી દ્વારા તાજેતરમાં અજમેર, રાજસ્થાનથી ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી HPV (Human Papilloma Virus) રસીનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. આ પહેલના ભાગરૂપે ગુજરાતમાં પણ મુખ્યમંત્રીશ્રી દ્વારા સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતેથી રાજ્યવ્યાપી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવાયો છે.

આ તકે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાનાં તમામ વાલીઓને તેમની આ વય જૂથમાં આવતી દિકરીઓને આ વેક્સીન અપાવી સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા તથા સરકારશ્રીનાં આ અભિયાન થકી સમાજમાંથી સર્વાઇકલ કેન્સરને નાબુદ કરવાનાં પ્રયત્નોમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવે છે.

 

(3:42 PM IST)