<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

રાજકોટ શહેર-જીલ્લામાં ૧૮ સબરજીસ્‍ટ્રાર કચેરીમાં ફેબ્રુઆરીમાં ૧૩ હજાર દસ્‍તાવેજો થયાઃ કોઠારીયા વિસ્‍તારમાં તેજીનો દોર

રૈયા વિસ્‍તારમાં જમીનના ભાવો વધતા લોકોએ મોઢુ ફેરવ્‍યું: સરકારને કુલ ૭૦ કરોડની આવક

રાજકોટ તા.૩: શહેરના રિયલ એસ્‍ટેટ માર્કેટમાં ફેબ્રુઆરી મહિનામાં જબરો ફેરફાર જોવા મળ્‍યો છે. સ્‍માર્ટ સિટી તરીકે ઓળખાતા રૈયા વિસ્‍તારમાં જમીનના ભાવ આસમાને પહોંચતા સોદામાં ઘટાડો નોંધાયો છે, જ્‍યારે કોઠારિયા વિસ્‍તાર હવે રાજકોટનો સૌથી ઝડપથી વિકસતો વિસ્‍તાર બનીને ઉભરી રહ્યો છે.

સરકારી આંકડાઓ મુજબ, કોઠારિયા (S.R.O. - 7 Kothariya) માં જાન્‍યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્‍યો છે. અહીં ફેબ્રુઆરી મહિનામાં કુલ ૧૦૦૧ દસ્‍તાવેજો નોંધાયા છે, જે ગત મહિના કરતા અંદાજે ૨૦૦ જેટલા વધારે છે. જ્‍યારે રૈયા વિસ્‍તારમાં ઊંચા ભાવને કારણે ગત મહિના કરતા ૧૫૦ જેટલા સોદા ઓછા થયા છે. મદદનીશ નોંધણી સર નિરીક્ષક કચેરી, રાજકોટના અહેવાલ મુજબ ફેબ્રુઆરી ૨૦૨૬માં સમગ્ર જિલ્લામાં કુલ ૧૩,૦૧૧ દસ્‍તાવેજોની નોંધણી થઈ છે. જેના દ્વારા સરકારને કરોડોની આવક થઈ છે. જેમાં સ્‍ટેમ્‍પ ડ્‍યુટીઃ રૂા.૬૦.૧૩ કરોડની, નોંધણી ફીઃ ૯.૮૯ કરોડની સહિત કુલ : ૭૦ કરોડની આવક થઇ છે, સાધનોએ ઉમેર્યુ હતું કે, ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જમીન-મકાન- પ્‍લોટની ખરીદી-વેંચાણમાં તેજી ઉદભવી છે, માત્ર શહેર જ નહીં, પણ જિલ્લાના તાલુકા મથકોએ પણ સારી એવી નોંધણી થઈ છે. જેતપુરમાં ૬૨૮, જસદણમાં ૩૮૭, ગોંડલમાં ૧૧૪૮ દસ્‍તાવેજો નોંધાયા છે. બિલ્‍ડરો અને મિલકત નિષ્‍ણાતોના મતે માર્ચ મહિનામાં આ આંકડો હજુ વધશે, કારણ કે બેંક લોનના ક્‍લિયરન્‍સ અને નાણાકીય વર્ષના અંતને કારણે લોકો જલ્‍દી દસ્‍તાવેજ કરાવવાનો આગ્રહ રાખતા હોય છે.

(2:51 PM IST)