તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
સ્ટેન્ડિંગ કમિટીમાં ગેરકાયદે ઠરાવ મામલે જૈમન ઉપાધ્યાય તેમજ સભ્યોએ જવાબ આપવો પડશે
ઇન્ડોર સ્ટેડિયમ સરગમને સોંપવા સામેના દાવામાં પક્ષકાર તરીકે જોડવા બે પૂર્વ ચેરમેનોને કોર્ટ નોટિસફટકારી

રાજકોટ, તા.૩: રાજકોટ મ્યુ. કોર્પોરેશનના રેસકોર્સ સ્પોર્ટસ સંકુલ સ્થિત વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમનું સંચાલન સરગમ ક્લબને સોંપવા સામે ચાલતા દાવામાં ઠરાવમાં સહી કરનાર મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પક્ષકાર તરીકે જોડવાની અરજી સંદર્ભે કોર્ટે નોટિસનો હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ જાગળત નાગરીક તરીકે આનંદ અશ્વીનભાઈ વ્યાસે જણાવ્યા મુજબ, રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા ટેન્ડરની પ્રકીયાને અનુસર્યા વગર ગેરકાયદેસર રીતે ઠરાવ દ્વારા શ્રી વીર સાવરકર ઈન્ડોર-સ્ટેડિયમનું સંચાલન સરગમ કલબને સોંપી દેવામાં આવેલ છે, જે ઠરાવ પ્રકીયા પાંચ વર્ષ માટે વર્ષ-૨૦૧૨માં કરવામાં આવેલ, દરમિયાન મહાનગરપાલિકા દ્વારા અન્ય રમત-ગમતના ગ્રાઉન્ડ ૨ વર્ષ માટે વાર્ષીક મોટી રકમ વસુલીને આકરી શરતોને આધીન સોંપવામાં આવે છે. એથ્લેટીક ગ્રાઉન્ડની પાછળ આવેલ લોન ટેનિસ કોર્ટ, ઈન્ડોર સ્ટેડિયમની સામે આવેલ લોન ટેનિસ કોર્ટ, ઈન્ડોર સ્ટેડિયમની પાસે આવેલ સ્કેટિંગ રિંગ, માધવરાય ક્રીકેટ સ્ટેડીયમાં આવેલ ૪ ક્રીકેટ પીચ, એથોટીક ગ્રાઉન્ડની પાસે આવેલ ફુટબોલ ગ્રાઉન્ડ, રેસકોર્સ મેઈન ફુટબોલ ગ્રાઉન્ડના સંચાલન માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે.
જયારે સરગમ કલબને રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા શ્રી વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમનું સંચાલન ૫ વર્ષ માટે કોઈપણ જાતના ચાર્જ વગર સોંપી દેવા ઉપરાંત વિશેષમાં વર્ષ-૨૦૧૨થી ૨૦૧૭ સુધી દર વર્ષે વાર્ષિક ગ્રાન્ટ પેટે રૂા.૪,૮૦,૦૦૦/ ફાળવેલ જે કોર્પોરેશન દ્વારા મેઈન્ટેનન્સ પેટે આપવામાં આવેલ. ત્યારબાદ વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૭ સુધી ટેન્ડર વગર માત્ર ઠરાવ પ્રક્રીયાથી સરગમ કલબને સંચાલન સોંપવામાં આવેલ છે. આ તમામ બાબત આનંદ વ્યાસને આર.ટી.આઈ. માહિતીમાં હેઠળ પ્રાપ્ત થઈ હતી. આથી આનંદ વ્યાસે મહાપાલિકા સત્તાવાળાઓ દ્વારા ગેરકાયદેસર પ્રક્રિયા દ્વારા થયેલ ગેરકાયદેસર ઠરાવને રદ કરવા કોર્ટમાં દાવો દાખલ કરેલ છે.
આ કામમાં ઠરાવ કરનાર વર્ષ ૨૦૧૨માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. જૈમનભાઈ ઉપાધ્યાય તથા વર્ષ ૨૦૧૭માં, ૨૦૨૨માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા કમીટીના સભ્યોને દાવાના પક્ષકાર પ્રતિવાદી તરીકે જોડેલા અરજી કરતા કોર્ટ દ્વારા તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટીના બંને ચેરમેન તથા સભ્યોને જોડવા માટે નોટિસ કરેલ છે. આ કામમાં વાદી તરફે એડવોકેટ એ. એસ. હિંગોરજા રોકાયા છે.
(2:45 PM IST)










