તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
અમારી પેઢી વર્ષે ૫૦૦ ટકા નફો અપાવવાની ક્ષમતા ધરાવે છે...કહી ગઠીયાએ મવડીના યુવાનના ૮૭ લાખ ઉસેડયા
સ્ટીલની પેઢી ચલાવતાં મવડીના ૩૦ વર્ષિય યુવાનને વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરી બીજા સદસ્યોના શેર લે-વેંચના, નફાના સ્ક્રીન શોટ ગ્રુપમાં વહેતા કરી વિશ્વાસ જગાવ્યોઃ પછી ફોન કરી ફ્રોડ આચર્યુ : ડેનીશભાઇ ડોબરીયાએ જમા કરાવેલી રકમ સામે મોટો નફો બતાવાયો પણ આ ઉપાડવા હોય તો વધુ ૩૯ લાખ ભરવા અન્યથા એકાઉન્ટ ફ્રીઝ થઇ જશે તેમ કહેવાયું: છેલ્લે સંપર્ક તોડી નાંખ્યોઃ સાયબર ક્રાઇમ પીઆઇ જે. એમ. કૈલાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

રાજકોટ તા. ૩: ઓનલાઇન શેર બજારમાં રોકાણ પર મોટો નફો આપવાની લાલચ આપી મવડી સર્વોદય સ્કૂલ સામે પવિત્રમ એપાર્ટમન્ટમાં રહેતાં અને ભાગીદારીમાં ઋષીકેશ સ્ટીલ નામે વ્યવસાય કરતા ૩૦ વર્ષીય યુવાન ડેનીશભાઇ નારણભાઈ ડોબરીયા સાથે રૂા. ૮૭.૨૦ લાખની ઠગાઇ થતાં સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાયબર ક્રાઇમ પોલીસે ડેનીશ ડોબરીયાની ફરિયાદ પરથી અલગ અલગ ચાર બેંક એકાઉન્ટના ધારકરો સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ નવેમ્બર ૨૦૨૫માં ડેનીશભાઇને ૧૩ સ્ટોક શેરીંગનામના વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપના એડમિન રાહુલ કુમાર શર્માએ પોતાની ઓળખ મુંબઈ સ્થિત 'FRANKLIN TEMPLETON' ના માલિક તરીકે આપી હતી. તેણે દાવો કર્યો હતો કે તે 'Wealth Alliance' નામે અમેરિકામાં પણ કામ કરે છે અને ભારતીય રોકાણકારોને શેરબજારમાં ટ્રેડિંગ દ્વારા ૫૦૦ ટકા જેટલો નફો અપાવવાની ક્ષમતા ધરાવે છે. ડેનીશભાઇને વિશ્વાસમાં લેવા માટે ગ્રુપમાં અન્ય મેમ્બરોના નફાના ફોટા અને મેસેજ સતત મુકવામાં આવતા હતા.
ત્યારબાદ ઠગબાજોએ ડેનીશભાઈને 'SANDS INV' નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી, જેને ગઠીયાઓએ સેબી અને અને અમેરિકાની એસઇસી માં રજીસ્ટર્ડ હોવાનું જણાવ્યું હતું. આ એપ્લિકેશનમાં યુવાનનું ડીમેટ એકાઉન્ટ ખોલાવી, તેમાં વર્ચ્યુઅલ રીતે મોટો નફો બતાવવામાં આવતો હતો. ત્યારબાદ, રાહુલ શર્મા અને બ્રાયન એ. ક્રિヘયિને ડેનીશભાઇને 'Gabion Technologies'ના આઇપીઓમાં ૩૦ થી ૪૦ ટકા વળતરની લાલચ આપી કુલ ૧,૨૧,૮૦૦ શેર સબસ્ક્રાઇબ કરવા કહ્યું હતું. આથી ડેનીશભાઇએ વિશ્વાસમાં આવીને માતબર રકમો વિવિધ બેંક ખાતાઓમાં જમા કરાવી હતી. જેમાં આઇસીઆઇસીઆઇ બેંકમાં ૩/૧૨ થી ૨૯/૧૨ દરમિયાન અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ૨૯,૫૫,૦૦૦ ટ્રાન્ઝેક્શન કર્યા. તેમજ એક્સી બેંકમાં ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઋષિકેશ સ્ટીલ સપ્લાયર પેઢીના ખાતામાંથી ૪૭,૯૦,૦૦૦ ત્રણ અલગ અલગ ૩.૫૦ લાખ, ૯.૯૦ લાખ અને ૩૪.૫૦ લાખના ટ્રાન્ઝેક્શનથી જમા કરાવ્યા હતાં.
આ ઉપરાંત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં: ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ૯,૭૫,૦૦૦ જમા કરાવ્યા. આમ કુલ ૮૭,૨૦,૦૦૦ જેટલી રકમ ભર્યા બાદ એપ્લિકેશનમાં તેમનું બેલેન્સ ૧,૫૩,૯૩,૪૫૬ બતાવવામાં આવતું હતું. આટલો મોટો નફો બતાવતો હોઇ જ્યારે ડેનીશભાઈએ આ રકમ ઉપાડવા માટે પ્રોસેસ કરી ત્યારે ઠગબાજોએ જણાવ્યું કે તેમને હજુ વધુ શેર એલોટ થયા છે અને તેના માટે વધારાના રૂપિયા ૩૯,૯૪,૪૪૮ ભરવા પડશે, નહિતર એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે. આ રકમ ભરવાની આનાકાની કરતા ઠગબાજોએ સંપર્ક તોડી નાખ્યો હતો. છેવટે છેતરાયા હોવાનું જણાતા યુવાને સાયબર હેલ્પલાઇન અને ત્યારબાદ રાજકોટ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આ કેસમાં રાહુલ કુમાર શર્મા, બ્રાયન એ. ક્રિヘયિન અને અન્ય સંડોવાયેલા મોબાઈલ ધારકો વિરૂધ્ધ ગુનાહિત કાવતરૂં રચી ઠગાઇ કરવા બદ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. કૈલાએ વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૦)
(2:18 PM IST)










