<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

૧૧ માળના એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં આગ ભભૂકતા ૨૫ ટુવ્‍હીલર, ૭ સાયકલો ખાક

મવડી-કણકોટ રોડ પર ડ્રીમ સીટી એપાર્ટમેન્‍ટ ઇ-વીંગમાં મોડી રાતે બનાવથી રહેવાસીઓમાં નાસભાગ મચી : વિજમીટરમાં શોર્ટ સરકિટ બાદ ધડાકો થયો નજીકમાં પાર્ક કરાયેલા ટુવ્‍હીલરમાં ભડકો થયા બાદ આગ આગળ વધી ગઇઃ ફાયર બ્રિગેડની ટીમોએ ચાલીસ મિનીટમાં કાબુમાં લઇ બીજા પાંચ જેટલા ટુવ્‍હીલર અને છ જેટલી કાર બચાવી લેવાયાઃ બનાવને પગલે લોકોના ટોળા : નવમા માળેથી બિમાર મહિલા અને આઠમા માળેથી હેન્‍ડીકેપ પુરૂષને રેસ્‍ક્‍યુ કરવામાં આવ્‍યા

 

જ્‍યાં આગ ભભૂકી હતી તે ડ્રીમ સીટી એપાર્ટમેન્‍ટ, આગ બુઝાવી રહેલા ફાયર બ્રિગેડના જવાનો, બળીને રાખ થઇ ગયેલા વાહનો, સાયકલો અને ઘટના સ્‍થળે રહેવાસીઓ જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૩: મવડી કણકોટ રોડ પર સ્‍મશાન નજીક ડ્રીમ સીટી એપાર્ટમેન્‍ટના ઇ-વીંગમાં પાર્કિંગમાં મોડી રાતે સાડા બારેક વાગ્‍યા આસપાસ પાર્કિંગમાં રખાયેલા વાહનોમાં આગ ભભૂકી ઉઠતાં રહેવાસીઓમાં નાસભાગ મચી ગઇ હતી. અગીયાર માળના આ એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં લાઇટના મીટર  પાસે રખાયેલા બે બાઇકમાં આગ લાગ્‍યા બાદ ધડાકા થયા હતાં અને બાદમાં આગ આગળ વધી જતાં બીજા વાહનો પણ લપેટમાં આવી જતાં ૨૫ જેટલા ટુવ્‍હીલર અને ૭ જેટલી સાઇકલો બળી ગયા હતાં. વિજમીટરમાં શોર્ટ સરકીટથી આગ લાગ્‍યાનું તારણ નીકળ્‍યું હતું. ફાયર બ્રિગેડને જાણ થતાં જવાનો પહોંચ્‍યા હતાં અને આગ બુઝાવી હતી.

પ્રાપ્‍ત વિગત મુજબ મવડી કણકોટ રોડ પર ડ્રીમ સીટી ઇ-વીંગમાં પાર્કિંગમાં મોડી રાતે વાહનોમાં આગ ભભૂક્‍યાની જાણ હરેશભાઇ યાજ્ઞિકે કરતાં ફાયર બ્રિગેડના અધિકારીઓ, જવાનો તાબડતોબ બંબા સાથે પહોંચ્‍યા હતાં અને ત્રીસથી ચાલીસ મિનીટ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાંખી  હતી. આગમાં ૨૫થી ૩૦ ટુવ્‍હીલર સંપુર્ણ બળીને રાખ થઇ ગયા હતાં. જ્‍યારે ૫ થી ૭ જેટલી સાયકલો પણ બળી ગઇ હતી. વાહનોના નંબર જાણવા મળ્‍યા નહોતાં.

રહેવાસીઓની મદદથી બીજા આઠથી દસ વાહનોને સલામત સ્‍થળે ખેસેડી બચાવી લેવાયા હતાં. રહેવાસી નવીનભાઇ ત્રિકમલાલ ભેંસદડીયાના કહેવા મુજબ ફાયર બ્રિગેડની ટીમોએ ઝડપથી કામગીરી કરી આગ કાબુમાં લીધી હતી જેના કારણે સામેની સાઇડમાં પાર્ક કરાયેલી પાંચ સાત કાર બચી ગઇ હતી. અન્‍ય રહેવાસીઓના જણાવ્‍યા મુજબ વિજ મીટરમાં શોર્ટ સરકિટ થવાથી બ્‍લાસ્‍ટ થયા બાદ આગ ભભૂકી હતી અને બાજુમાં જ બાઇક પડયા હોઇ તેમાં તણખા જતાં આગ પકડી લીધી હતી. જોત જોતામાં બીજા વાહનો પણ લપેટમાં આવી ગયા હતાં.

ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. ઇ-વીંગ ૯મા માળે રહેતાં શોભનાબેન બિમાર હોઇ આગને કારણે ઇલેક્‍ટ્રીક પાવર સપ્‍લાય બંધ થતાં તેમને ગભરામણ થતાં અને ૮મા માળે રહેતાં હેન્‍ડીકેપ પિન્‍ટુભાઇ કાલરીયાને પણ ગભરામણ થતાં સ્‍ટ્રેચર મારફત બંનેને રેસ્‍ક્‍યુ કરી નીચે ઉતારવામાં આવ્‍યા હતાં. બનાવ વખતે ઇ-વીંગના પ્રમુખ ભગવાનજીભાઇ હાજર હતાં. તેમના કહેવા મુજબ વિજ મીટરમાં શોર્ટ સરકિટથી આગ ભભુકી હોઇ શકે છે. આગમાં ટુવ્‍હીલરો અને સાઇકલો બળી ગયા છે અને પાર્કિંગની દિવાલો, છતમાં નુકસાની થઇ છે. (૧૪.૮)

(2:18 PM IST)