તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
હોળી દહનના કાર્યક્રમો સંપન્ન : કાલે ધુળેટી મનાવાશે
હોળીની જવાળાના આધારે થયા વરતારા : ચોમેર આનંદનો ઉન્માદ : આજે ગ્રહણનો ભાગ : કાલે રંગોત્સવ મનાવાશે : મંદિરોમાં ફુલડોલ ઉત્સવ

રાજકોટ તા. ૩ : ગઇકાલે ફાગણ સૂદ પૂનમના ઠેરઠેર હોળી દહનના કાર્યક્રમો થયા હતા. જુદા જુદા વિસ્તારના મુખ્ય ચોક કે મેદાનોમાં હોળી દહન કરાયુ હતુ. પ્રહલાદ અને હોલીકાની કથાની યાદો લોકોએ તાજી કરી હતી. હોળીની જવાળાઓના આધારે વરતારા પણ કરવામાં આવ્યા હતા. આગામી વર્ષ કેવુ જશે તેના ગણિત મંડાયા હતા. ભાવિક લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી ખજુર, ધાણી અને શ્રીફળનો હોમ કર્યો હતો.
હોળી
રાજકોટમાં જલારામ-ર, યુનિવર્સિટી રોડ પર આવેલ શિવસંગમ સોસાયટી ખાતે યોજાયેલ ૨૦ હજાર છાણાની રીવોલ્વીંગ હોળી આકર્ષરૂપ બની હતી. એજ રીતે સત્ય સાંઇ મેઇન રોડ ઉપર યુનિટી ફાઉન્ડેશન દ્વારા ૨૫ હજાર છાણાની વિશાળ હોળી કરવામાં આવી હતી. ગાંધીગ્રામ એસ.કે. ચોક પાસે ગંગેશ્વર મંદિર સામે હોલીકા અને પ્રહલાદની પ્રતિકૃતિ સાથેની હોળીએ પણ લોકોમાં આકર્ષણ જમાવ્યુ હતુ. કોઠારીયા કોલોની ગરબી ગ્રુપ દ્વારા સતત ૬૫ માં વર્ષે પરંપરાગત હોળીનું આયોજન થયુ હતુ. રૈયા ટેલીફોન એકસચેન્જ પાસેના મેદાનમાં ૫૧હજાર છાણાની ખુબ વિશાળ હોળી કરવામાં આવી હતી.
ફુલડોલ ઉત્સવ
હોળી ધુળેટી પર્વે મંદિરોમાં ફુલડોલ ઉત્સવની ઉજવણી કરાઇ હતી. ભગવાનને પુષ્પોનો શણગાર કરી વિષેશ આરતી પૂજન થયા હતા. તેમજ ભાવિક ભકતો અબિલ ગુલાલ અને પુષ્પપાંદડી ઉડાડી ઉત્સવમાં સામેલ થયા હતા.
ધુળેટી
હવે આવતીકાલે બુધવારે ધુળેટી પર્વ મનાવવા ઘેરૈયાઓ આતુર બન્યા છે. રંગે રમવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધુળેટીના રંગોની માફક આપણા જીવનમાં પણ વિવિધ રંગો ઉતરી આવે તેવા ભાવથી આવતીકાલે લોકો એકબીજાને રંગ ઉડાડી આનંદ લુંટશે. શાળા કોલેજોમાં આજે પૂર્વ દિવસે જ પ્રતિક હોળી મનાવાઇ હતી. બજારમાં આજે રંગ અને પીચકારીની છેલ્લી ઘડીની ખરીદી જોવા મળી હતી
(2:04 PM IST)










