તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
પોલીસ રીસ્પોન્સ ઝડપી બન્યો...ક્રાઇમ સ્પોટ ઉપર ૧૪ મીનીટે પહોંચતી પોલીસ હવે ૭ મીનીટે પહોંચે છે
કલેકટર ઓફીસ, કોર્ટ, સ્કુલ, પાસપોર્ટ ઓફીસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઇ-મેઇલ વિદેશના વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન)ના ઉપયોગથી થાય છેઃ નજીકના સમયમાં મૂળ સુધી પહોંચશુઃ ડીજીપી કે.એલ.એન.રાવ

રાજકોટ. તા.૦૨: ગઈકાલે રાજકોટ શહેર પોલીસ કમિશનર ખાતે રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન.રાવની અધ્યક્ષતામાં રિજનલ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ સહિત ભાવનગર રેંજ, જુનાગઢ રેન્જ આઇજી તેમજ ત્રણેય રેન્જમાં આવતા જિલ્લાના ૯ એસપી, શહેર પોલીસના તમામ ડીસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
જેમાં ખાસ નાર્કોટિક્સ, સાયબર અને ફેટલ અકસ્માત નિવારવા ખાસ ભાર મુકાયો હતો અને રાજકોટમાં ઓપરેશન જંગલેશ્વર ડીમોલેશનને સફળતા પૂર્વક પાર પાડવા માટે શહેર પોલીસને ઈન્ચાર્જ ડીજીપીએ અભિનંદન પણ પાઠવ્યા હતાં.
ગઈકાલે વહેલી સવારે ૧૦ વાગ્યાની આસપાસ શહેર પોલીસ કમિશનર ખાતે રાજ્યના પોલીસ વડાને પ્રથમ ગાડ ઓફ ઓનર અપાયા બાદ શહેર પોલીસ કમિ‘ર બ્રજેશ કુમાર ઝા દ્વારા ડિજીપીનું સ્વાગત કરાયા હાજર સૌરાષ્ટ્રના ત્રણેય રેન્જના આઈજી અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના એસપી તેમજ શહેર પોલીસના તમામ ડીસીપીઓની હાજરીમાં પોલીસ ક્રાઇમ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ખાસ સાયબર અવરનેસ, નાર્કોટિક્સ અને ફેટલ અકસ્માત બાબતે વિશેષ ધ્યાન આપવા ચિંતન કરવામાં આવ્યું હતું. ક્રાઈમ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ રાજ્યના પોલીસ વડાએ એક પત્રકાર પરિષદને સંબોધી હતી.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આજની રીજનલ ક્રાઈમ કોન્ફરન્સમાં રાજકોટ શહેર, રાજકોટ રેન્જ જુનાગઢ રેન્જ અને ભાવનગર રેન્જનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૨૪ વર્ષ ૨૦૨૫ અને વર્ષ ૨૦૨૬ ની શરૂઆતના સમયમાં ક્રાઈમ બાબતે વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમનું મૂલ્યાંકન કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે ઝડપી થઈ શકે તેનું ચિંતન કરવામાં આવ્યું છે.
જેમાં ખાસ સાયબર ફ્રોડથી કઈ રીતે લોકો બચી શકે તેના માટે અવરનેશ તેમજ ખાસ દરિયાઈ માર્ગથી આવતા ડ્રગ્સ સહિતના નાર્કોટિક્સ પદાર્થો અંગે ખાસ સૂચનો તમામ અધિકારીઓને કરવામાં આવ્યાં હતાં. જ્યારે રોડ સેફટી મામલે અકસ્માતમાં ફેટલના બનતાં બનાવો અટકાવવા માટે પણ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.
વધુમાં ઉમેર્યું કે, ગુજરાત ભરમાં ગત સપ્ટેમ્બર માસથી શરૂ થયેલ ડાયલ ૧૧૨ જનરક્ષકથી ગુના અટકવવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પહેલા ક્રાઈમ સ્પોટ પર પોલીસને પહોંચતા ૧૪ મિનીટ થતી હતી તે હવે ફક્ત સાત મિનિટમાં પહોંચે છે. જેથી ૧૧૨ જનરક્ષકના અમલથી ૫૦ ટકા રેસિયો ઘટાડવામાં સફળતા મળી છે.
જ્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના જંગલેશ્વર મેગા ડીમોલેશન માટે પણ ઈન્ચાર્જ ડીજીપીએ રાજકોટ શહેર પોલીસને અભિનંદન પાઠવ્યા હતાં અને હજું પણ ગુનેગારોને સાફ કરવાં ડીમોલેશન કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.
મેઈલ-કોલ કરી બોમ્બની ધમકી આપનારના મૂળિયા સુધી પોલીસ પહોંચી, ટૂંક સમયમાં ઘટસ્ફોટ થશે.
હાલ રાજ્યભરમાં સ્કૂલ, કલેક્ટર ઓફિસ, કોર્ટ અને છેલ્લે પાસપોર્ટ તેમજ પોસ્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈ-મેલ તેમજ કોલ કરીને પોલીસ સહિતના તંત્રને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે, જે મામલે ગઈકાલે રાજકોટમાં યોજાયેલ ક્રાઈમ કોંફરન્સમાં ડીજીપીએ જણાવ્યું હતું કે, જે ફેક ઇમેઇલ અને કોલ કરી આવી ધમકી મોકલી રહ્યા છે, તેના માટે રાજ્યની ખાસ એક ટીમ કામ કરી રહી છે, જે લોકો વિદેશથી વીપીએન મારફતે ઓનલાઈન મેઈલ મોકલી રહ્યા છે જે પણ જાણવા મળ્યું છે. પોલીસ તે લોકોના સોર્સ સુધી પહોંચી પણ ગઈ છે, જે અંગે ટૂંક સમયમાં જ નવા ઘટસ્ફોટ પણ થશે તેવું જણાવ્યું હતું.(૨.૧૫)
સાયબર ફ્રોડનો ભોગ બનો તો ઘડીનાય વિલંબ વગર ૧૯૩૦ ઉપર ફરીયાદ કરશો તો પૈસા પાછા મળવાના સંજોગો ઉજળા રહેશેઃ કે.એલ.એન.રાવ
રાજકોટઃ ગઈકાલે યોજાયેલ કાયમ કોન્ફરન્સમાં રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીએ સાઇબર ફ્રોડ મામલે મહત્વની વાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જે લોકો સાયબર ફ્રોડનો ભોગ બને છે, તે તુરંત જ ગોલ્ડન અવરમાં હેલ્પલાઇન ૧૯૩૦ પર સંપર્ક કરી પોતાની અરજી નોંધાવે કેમ કે, ફર્સ્ટ લેયર પર પોલીસ તુરંત જ કાર્યવાહી કરી શકે છે અને ફર્સ્ટ લેયરનું એકાઉન્ટ ફ્રીજ કરી ભોગ બનનાર નાગરિકને તેનું રિફંડ મળી શકે છે. જો ફર્સ્ટ લેયર બાદ સેકન્ડ, થર્ડ લેયર સુધી તે રૂપિયા પહોંચી જાય તો પોલીસ માટે પણ તે રિકવરી કરવી મુશ્કેલ બની શકે છે. વધુમાં ઉમેર્યું કે, સાયબર ફ્રોડના ગુના અટકાવવા માટે ખાસ એસઓપી પણ બનાવવામાં આવી છે અને હાલ સુધીમાં પોલીસે ૫૦ કરોડથી વધુનું રિફંડ પણ ભોગ બનનાર લોકોને પરત કર્યું છે
(2:04 PM IST)










