<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

પીડીયુ મેડિકલ કોલેજ ફોરેન્‍સિક વિભાગના પુર્વ એચઓડી ડો. હેતલ કયાડાનું દુઃખદ અવસાન

૪૧ વર્ષિય તબિબ એક વર્ષ સુધી કેન્‍સર સામે ઝઝુમ્‍યા બાદ અંતિમ શ્વાસ લેતાં પરિવારમાં શોકની કાલીમા : પ્રાર્થના સભામાં મોટી સંખ્‍યામાં તબિબો, સગા સ્‍નેહીઓ, મિત્રો સામેલ થયા : કોરોનાથી મૃત્‍યુ થયા હોય તેવા ૩૩ મૃતદેહનું ઓટોપ્‍સી કરી મેડિકલ કોલેજને ભારતમાં બીજો ક્રમ અપાવ્‍યો હતો

રાજકોટ તા. ૨: શહેરની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્‍સિક વિભાગના પુર્વ વડા ૪૧વર્ષિય ડો.હેતલ કયાડાનું દુઃખદ અવસાન થતા પરિવારજનો, તબિબી વર્તુળો, મિત્રોમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. ડો. હેતલ કયાડા છેલ્લા એક વર્ષથી કેન્‍સર સામે ઝઝૂમી રહ્યા હતાં. અંતે શનિવારે સાંજે અંતિમ શ્વાસ લઇ લેતાં સ્‍વજનોમા કલ્‍પાંત સર્જાયો હતો. તેઓ ૨૦૦૭થી પીડીયુ મેડિકલ હોસ્‍પિટલમાં ફોરેન્‍સિક વિભાગના વડા તરીકે ફરજ બજાવતા હતા. કોરોના કાળમાં કોરોનાથી મૃત્‍યુ પામનારા ૩૩ લોકોના મૃતદેહોના ઓટોપ્‍સી કરી મેડિકલ કોલેજને ભારમાં બીજો ક્રમ અપાવ્‍યો હતો. સાંજે યોજાયેલી પ્રાર્થના સભામાં મોટી સંખ્‍યામાં લોકો સામેલ થયા હતાં અને શ્રધ્‍ધાસુમન પાઠવ્‍યા હતાં.

ડો. હેતલ કયાડાએ કોવિડ સમયે એડિશનલ સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ તરીકે મેનેજમેન્‍ટ લેવલની નોંધપાત્ર કામગીરી સંભાળી હતી. તેઓ સતત નવુ સંશોધન કરવાની ખેવના ધરાવતા હતાં. કોરોના સમયે બોડીમાં કોરોના કેવી રીતે ફેલાય છે અને શું અસર કરે છે એ માટે મળતદેહના પરીક્ષણ કરવા માટે સરકાર માંથી મંજૂરી મેળવી ૩૩ જેટલા મળતદેહનું ઓટોપ્‍સી કરી પરીક્ષણ પેપર મેડિકલ ક્ષેત્રની ટોચની સંસ્‍થા આઈસીએમઆરમાં મોકલ્‍યા હતા અને રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં સૌથી વધુ ૩૩ ઓટોપ્‍સી કરનાર ભારતની બીજી મેડિકલ હોવાનું ગૌરવ પણ તેમણે અપાવ્‍યું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૨૪માં સિવિલ હોસ્‍પિટલની વહીવટી કામગીરી સરળ બનાવવા માટે સરકાર દ્વારા એડી.સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્‍યો હતો તેમજ હોસ્‍પિટલ તરફથી મીડિયા કન્‍વીનર તરીકે પણ તેમણે સુપેરે ફરજ બજાવી હતી.

૪૧ વર્ષના આ તબિબને  કેન્‍સર ડિટેકટ થતા તાકીદે સારવાર શરૂ કરી હતી. એકાદ વર્ષથી તેઓ સારવાર લઈ રહ્યા હતા. કેન્‍સર જેવી ગંભીર બીમારીમાં પણ તેઓ મક્કમ મનથી સારવાર લઇ રહ્યા હતાં. દરમિયાન શનિવારે રાત્રીના પિતા છગનભાઈ,  માતા મધુબેન, અમેરિકા સ્‍થિત ભાઈ યોગેશભાઈ, પત્‍નિ પ્રવિણાબેન અને વ્‍હાલસોયા પુત્ર અનુજ અને પુત્રી રિવાને કલ્‍પાંત કરતા છોડી ગયા છે.   સદ્દગતનું બેસણું આજે તા.૨ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાન શિલ્‍પન આઇકોન, બી વિંગ ર્પાકિંગ, ગંગોત્રી પાર્ક મેઈન રોડ, પાટીદાર ચોક રાજકોટ, ખાતે રાખવામાં આવ્‍યું હતું.

(3:34 PM IST)